• Home
  • News
  • ગુજરાતમાં ચોમાસાની જમાવટ:અમદાવાદમાં ધોધમાર, વડોદરાના રાવપુરામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યાં, 3 કલાકમાં 4 ઈંચ વરસાદથી નડિયાદમાં જળબંબાકાર
post

ભારે વરસાદના કારણે નડિયાદ બે ભાગમાં વહેંચાઈ ગયું

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-26 17:10:52

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સવારે રાજ્યના કેટલાક તાલુકાઓમાં 1 ઈંચ સુધી વરસાદ પડ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદમાં નોંધાયો છે. જેમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બપોર બાદ કાળાં ડિબાંગ વાદળો સાથે શહેરના થલતેજ, એસજી હાઇવે, બોપલ, જુહાપુરા, વેજલપુર, શિવરંજની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ વડોદરામાં પણ અનરાધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યાં છે. વડોદરાના રાવપુરામાં રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાતા વાહચાલકો પરેશાન બન્યા છે. આથી વરસાદે મનપાની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે. જ્યારે નડિયાદમાં 3 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

આજે વહેલી સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં જોરદાર વરસાદી માહોલ જામ્યો છે, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, 25મી જૂન અને રવિવારથી ગુજરાતમાં વિધિવત્ ચોમાસું બેઠું છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ 26, 27, 28, 29 અને 30નો સમાવેશ થાય છે.

સાબરમતીનું લેવલ જાળવવા વાસણા બેરેજના બે દરવાજા બે ફૂટ ખોલાયા
અમદાવાદમાં બપોરે 2 વાગ્યાથી ભારે વરસાદ શરૂ થયો હતો. 30 મિનિટમાં શહેરમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સરખેજ, મકરબા, વેજલપુર, મકતમપુરા પાલડી, જોધપુર, ટાગોર હોલ, વાસણા, જમાલપુર, માધુપુરા વિસ્તારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે મણિનગર, વટવા, મેમકો, નરોડા રોડ સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. માત્ર 30 મિનિટના વરસાદમાં શહેરના આંબાવાડી, સરખેજ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા. સાબરમતી નદીનું 136 ફૂટનું લેવલ જાળવવા માટે વાસણા બેરેજના બે દરવાજા બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા.

ભારે વરસાદના કારણે નડિયાદ બે ભાગમાં વહેંચાઈ ગયું
ખેડા જિલ્લામાં આજે મેઘરાજા મનમુકીને વરસ્યા છે. નડિયાદ સહિત સમગ્ર પંથકમાં સારો વરસાદ પડ્યો છે. સાર્વત્રિક વરસાદને લઈને ખેડૂતોમાં આનંદોત્સવ રેલાયો છે. નડિયાદમાં પડેલા વરસાદને લઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત રેલવેના ચારેય અંડરબ્રીજ પાણીથી છલોછલ થઇ ગયા હતા. જેના કારણે નડિયાદ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. ઠેરઠેર પાણી ભરાઈ જવાના કારણે નડિયાદ પાલિકાનું પ્રી મોનસુન પ્લાન કાગળ પર જ જોવા મળ્યું તેવો ચિતાર જોવા મળ્યો હતો. વરસાદની રાહ જોતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો હતો.

મહેમદાવાદમાં 4 ઇંચ ખાબક્યો
નડિયાદ ઉપરાંત મહેમદાવાદ પણ ચાર ઇંચ કરતાં વધુ વરસાદ આજે ખાબકી ગયો હતો. જેને લઇ ત્યાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના બાદ કરતા તમામ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ખેડા જિલ્લાના ફ્લડ કંટ્રોલ માંથી મળતી માહિતી મુજબ સવારે 10થી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડા જોઈએ તો નડિયાદમાં 99 મિમી, ઠાસરામાં 8 મિમી, મહેમદાવાદમાં 98 મિમી, કઠલાલમાં 5 મિમી, ખેડામાં 33 મિમી, ગળતેશ્વરમાં 40 મિમી, મહુધામા 51 મિમી, માતરમા ચાર અને વસોમાં 30 મિમી વરસાદ પડ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદ
રાજ્યના સ્ટેટ ઈમર્જન્સી સેન્ટર તરફથી મળેલા રાજ્યમાં વરસેલા છેલ્લા 24 કલાકના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે. ભાવનગરના ઘોઘામાં 3 ઈંચ તથા ભરૂચ, સુરેન્દ્રનગરના સાયલા અને રાજકોટના ધોરાજીમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અમરેલી, જૂનાગઢના ભેંસાણ, ગીરસોમનાથના વેરાવળ, ભાવનગર, સુરતના માંગરોળ, ભરૂચના વાગરા, વલસાડના વાપીમાં પણ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ગીરસોમનાથના ગીર ગઠડા, સુત્રાપાડા અને કોડિનાર, ભરૂચના અંકલેશ્વર, બોટાદ, રાજકોટના ગોંડલ, ભાવનગરના સિહોર, જૂનાગઢ શહેર અને તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે રાજકોટ, અમરેલીના બાબરા અને અરવલ્લી મોડાસામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો વલસાડના કપરાડામાં એક ઈંચ વરસાદ પડ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post