• Home
  • News
  • મોરબી બ્રિજ દુર્ઘટના મામલે સુનાવણી:મૃતકોના પરિવારને ઓછા વળતર અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી, હાઈકોર્ટને તપાસ અને સુનાવણી ચાલુ રાખવા નિર્દેશ
post

સુનાવણીના અંતે આ મામલે PIL દાખલ કરનાર એડવોકેટ વિશાલ તિવારીએ પણ પોતાનો અભિપ્રાય રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો,

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-21 19:48:46

સોમવારે સુપ્રીમ કોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટનાની CBI તપાસ અને મૃતકોના પરિવારજનોને વધુ વળતરની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે અરજદારના વકીલ ગોપાલ શંકર નારાયણ અને એસજી તુષાર મહેતાની દલીલો સાંભળી હતી.સુપ્રીમ કોર્ટે CBI તપાસ અને વધુ વળતરનીઅરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સતત મોનિટરિંગ કરી આવી ઘટનાઓ ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ.

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને અનુરોધ કરતા કહ્યું કે અરજદારો દ્વારા ઉઠાવેલા મુદ્દાઓ પર વિચાર કરે, જેમાં સમગ્ર ઘટનાની સ્વતંત્ર તપાસ, પાલિકાના અધિકારીઓ સામે કાર્યવાહી, મેન્ટેનેન્સ જોનાર મેન્યુફેક્ચર કંપનીના મોટા લોકો સામે જવાબી કાર્યવાહી અને મૃતકોના પરિવારજોને વળતર સામેલ છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે હાઈકોર્ટે આ મામલે તપાસ અને સુનાવણી ચાલુ રાખવી જોઈએ.

અરજીમાં આ આક્ષેપ કરાયો
અકસ્માતમાં માર્યા ગયેલા બે લોકોના સંબંધી દિલીપભાઈ ચાવડાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ચાવડાની તરફેણમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ પોલીસે ઉતાવળમાં FIR નોંધી હતી. માત્ર નાના કર્મચારીઓ પર જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં મ્યુનિસિપલ અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ છે, પરંતુ તેમની જવાબદારી નક્કી કરવામાં આવી રહી નથી. અજંતા મેન્યુફેક્ચરિંગ કંપની આવી કામગીરી સંભાળવા માટે સક્ષમ ન હતી, તેમ છતાં તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કંપનીના મોટા લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

વળતર ન મળતા નારાજગી વ્યક્ત કરી
અરજદારના વકીલ ગોપાલ શંકરનારાયણે વધુમાં જણાવ્યું હતું કે, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને પીએમ રાહત ફંડમાંથી રૂ.2 લાખ અને મુખ્યમંત્રી તરફથી રૂ.4 લાખનું વળતર મળ્યું છે. રમતમાં સિદ્ધિ મેળવનારાઓને આના કરતાં ઘણી મોટી રકમ આપવામાં આવે છે. સરકારની બેદરકારીને કારણે જીવ ગુમાવનારા લોકોના જીવનનું શું આ મહત્વ છે? વરિષ્ઠ વકીલે વધુમાં કહ્યું કે ગુજરાતમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવાની છે. તેથી નિષ્પક્ષ તપાસના આદેશ આપવામાં આવે તે પણ જરૂરી છે.

અરજદારોને હાઇકોર્ટમાં અરજી કરવા જણાવ્યું હતું
સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર સોલિસિટર જનરલે કહ્યું કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેંચ સંજ્ઞાન લઈ રહી છે અને સમગ્ર મામલે પોતાની રીતે સુનાવણી કરી રહી છે. તે તમામ પાસાઓ જોઈ શકે છે. કોર્ટના અરજદારને હાઈકોર્ટમાં તેમનો દૃષ્ટિકોણ રજૂ કરવા કહો. આ અંગે ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે, 47 બાળકો સહિત 135 લોકોના મોતનો મામલે ચોક્કસપણે ન્યાયિક હસ્તક્ષેપની જરૂર છે. કારણ કે હાઇકોર્ટ તેની સુનાવણી કરી રહી છે. અરજદારો દ્વારા કેટલાક મુદ્દાઓ પર ઉલ્લેખ કરાયો , જેને ધ્યાનમાં લેવાની જરૂર છે.

સુનાવણીના અંતે આ મામલે PIL દાખલ કરનાર એડવોકેટ વિશાલ તિવારીએ પણ પોતાનો અભિપ્રાય રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાઈકોર્ટ દરેક બાબતમાં તપાસ કરવા સક્ષમ છે. જો અરજદાર ઈચ્છે તો ત્યાં અરજી કરી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post