• Home
  • News
  • પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લામાં બોમ્બ વિસ્ફોટથી હડકંપ, 1,000થી વધુ બોમ્બ મળ્યા
post

મમતા બેનર્જીએ વીરભૂમ જિલ્લામાં થયેલા બોગટુઈ નરસંહાર પછી પોલીસને હથિયાર અને બોમ્બ તપાસનો આદેશ આપ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-23 16:52:02

કોલકાતા: પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાનો બક્ચા વિસ્તાર રવિવારે બોમ્બ વિસ્ફોટથી ધણધણી ઉઠ્યો હતો. બક્ચાના હોગલા જંગલ વિસ્તારમાંથી શનિવારના રોજ મોટા પ્રમાણમાં બોમ્બનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની હાજરીમાં આ તમામ બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. પોલીસને પૂર્વી મેદિનીપુરમાં દરોડા દરમિયાન બોમ્બ મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક આ અંગેની સૂચના પોતાની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને મોકલી હતી. જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અહીંના હોગલા જંગલમાં 15 ડ્રમમાં બોમ્બ ભરેલા હતા. 

પોલીસને દરોડા દરમિયાન લગભગ 1,000થી વધુ સંખ્યામાં તાજા બનાવેલા બોમ્બ મળી આવ્યા હતા. પોલીસે આ મામલે હજી સુધી કોઈની ધરપકડ નથી કરી. ડિએસપી અમરનાથ કુમારે જણાવ્યું કે, શનિવારે સ્થાનિક લોકોએ સૂચના આપી હતી કે, હોગલા જંગલના બક્ચા વિસ્તારમાં શંકાસ્પદ સ્થિતિમાં રહેલા ડ્રમોમાં જીવીત બોમ્બ પડેલા હતા. આ સૂચના મળતાં જ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તરત જ ત્યાં પહોચી ગઈ હતી અને બોમ્બને નિષ્ક્રિય કરી દીધા હતા. 

પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહી છે કે, આટલી મોટી સંખ્યામાં બોમ્બ કોણે એકઠા કર્યા હતા. ચૂંટણી પહેલા અને પછી મેદિનીપુરમાં મોયના સહિતનો મોટા ભાગનો વિસ્તાર ઉગ્ર બની ગયો હતો. જેમાં મોયના બક્ચા સહિતનો એક મોટો વિસ્તાર બોમ્બ વિસ્ફોટ અને અન્ય અસામાજિક ગતિવિધિઓમાં સામેલ હતો. મોયના બક્ચા ગ્રામ પંચાયતના ગોરમહલ ગામના ભાજપ નેતા નારૂ મંડલ અને સંજય તાંતીના ઘરની સામે આવેલા હોગલા જંગલમાંથી પોલીસે બોમ્બ ભરેલા 15 ડ્રમ જપ્ત કર્યા હતા.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લામાં થયેલા બોગટુઈ નરસંહાર પછી પોલીસને હથિયાર અને બોમ્બ તપાસનો આદેશ આપ્યો હતો. જેના અંતર્ગત પોલીસ અનેક વિસ્તારોમાં અભિયાન ચલાવી રહી છે. આ પહેલા પણ પશ્ચિમ બંગાળમાંથી આ પ્રમાણે બોમ્બ મળ્યા હતા. આ અગાઉ પોલીસે વીરભૂમ જિલ્લામાં ટીએમસી નેતા ભાદુ શેખની હત્યાના આરોપીના ઘરની નજીક જમીનમાં દાટેલા ક્રુડ બોમ્બ જપ્ત કર્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post