• Home
  • News
  • વલસાડ નજીક અમદાવાદથી બેંગલોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત
post

ટ્રકચાલકને ઝોકું આવી જતાં ડિવાઈડર કુદાવી બસ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-02 11:03:03

વહેલી સવારે વલસાડ નજીક નંદાવલા હાઇવે પર અમદાવાદથી બેંગલોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જે પૈકી ટ્રક અને બસના ડ્રાઈવરની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને સ્થાનિકોએ સ્થળ પર કામગીરી હાથ ધરી હતી.

ટ્રક સામેથી આવતી બસમાં ઘૂસી ગઈ
મળતી માહિતી પ્રમાણે, વહેલી સવારે અમદાવાદથી બીઆર સર્વિસ નામની ખાનગી ટ્રાવેલ્સની બસ બેંગલોર તરફ જઈ રહી હતી. દરમિયાન વલસાડ નજીક નંદાવલા હાઇવે પર ગુંદલાવ ચોકડીથી પસાર થતા સમયે મુંબઈ તરફથી આઈશર ટ્રક પૂરપાટ ઝડપે આવી રહી હતી. જોકે ટ્રકના ડ્રાઈવરને અચાનક ઝોકું આવી જતાં ટ્રક ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં સામેથી આવતી ખાનગી બસ સાથે અથડાઈ હતી, જેને પગલે બસ અને ટ્રકમાં સવાર 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આમાં બસ અને ટ્રકના ડ્રાઈવરની હાલત ગંભીર છે.

ટ્રક અને બસમાં ફસાયેલા બંને ડ્રાઈવરને બહાર કઢાયા
અકસ્માતની જાણ થતાં આસપાસના ગામના સ્થાનિક લોકો અને પોલીસ દોડી આવી હતી. ટ્રક અને બસમાં ફસાયેલા બંને ડ્રાઈવરને બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ 108ની મદદથી તમામ ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકો દ્વારા પોતાની રિક્ષામાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત બાદ ટ્રક પલટી મારી ગઈ
વહેલી સવારે સર્જાયેલા ટ્રક અને બસના અકસ્માતને લઈને મોટી સંખ્યામાં લોકો મદદે દોડી આવ્યા હતા. અકસ્માત એટલો ધકાડાભેર થયો હતો કે ટ્રક અને બસના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જ્યારે ટ્રક અકસ્માત બાદ પલટી મારી ગઈ હતી.

બસ ઓવરફુલ હતી, બસની ગેલેરીમાં પણ લોકો હતા
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા રામસિંગે જણાવ્યું હતું કે હાઈવે પર આવેલી પ્રીત હોટલ ખાતે સવારનો નાસ્તો કર્યો હતો. ત્યાર બાદ 10 મિનિટમાં આ અકસ્માત સર્જાયો હતો. હું તો મારાં બાળકો સાથે બેઠો હતો. બસ ઓવરફુલ હતી, બસની ગેલેરીમાં પણ લોકો હતા. નવરાત્રિના કારણે વતન આવ્યો હતો અને હવે ફરી નોકરી પર જઈ રહ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post