• Home
  • News
  • વડોદરામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે પાલિકાની ઝુંબેશ
post

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દુકાનદારો સામે પાલિકા દ્વારા ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-24 14:57:12

વડોદરા: સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દુકાનદારો સામે પાલિકા દ્વારા ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વોર્ડ નંબર-9ની કચેરી દ્વારા વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતી દુકાનોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ચેકિંગ દરમિયાન દુકાનદારો દ્વારા ગ્રાહકોને આપવા માટે ઉપયોગમાં લેવાતી 50 માઇક્રોનથી નીચેના ઝભલા, પ્લાસ્ટિક કપ, જ્યુસ કપ, સ્ટ્રો સહિતનું મટીરિયલ જપ્ત કરવામાં આવ્યું છે.

વોર્ડ નંબર-9ના વોર્ડ ઓફિસર રીતેષ સોલંકીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિંગલ યુઝ પ્લાસ્ટિક અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા દુકાનદારો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે વોર્ડ નંબર-9ની કચેરીની ટીમો દ્વારા આજવા રોડ સહિતના વિસ્તારોમાં આવેલી દુકાનોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. બે દિવસમાં વિવિધ દુકાનોમાં ચેકિંગ કરીને જ્યુસ કપ, ચાના કપ, સ્ટ્રો, થર્મોકોલ કપ અને 50 માઇક્રોનથી નીચેના ઝભલા મળી આશરે 50 કિલો ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે.

વોર્ડ ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે, 11 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક વિરૂધ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વોર્ડ નંબર-9ની કચેરી દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલી ઝુંબેશમાં દુકાનદારો પાસેથી વહીવટી ચાર્જ પેટે રૂપિયા 29,300ની વસૂલાત કરવામાં આવી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં ચાના કપ, થર્મોકોલ કપ, સ્ટ્રો, જ્યુસના ગ્લાસ, 50 માઇક્રોનથી નીચેના ઝભલા વિગેરે જપ્ત કરવામાં આવે છે. અને પાલિકા દ્વારા નિમાયેલી એજન્સીને રીસાઇકલિંગ માટે આપી દેવામાં આવે છે. દુકાનદારોની સાથેસાથે ખાણી-પીણીની લારીઓ ઉપર પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને ત્યાં જણાઇ આવતું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન પાલિકાની વિવિધ વોર્ડ ઓફિસ દ્વારા પણ શરૂ કરવામાં આવ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post