• Home
  • News
  • રાજ્યસભાની ટિકિટ ન મળતાં નગ્માનો નિસાસોઃ મારી 18 વર્ષની તપસ્યા ઓછી પડી
post

નગ્મા 2014માં યુપીના મેરઠથી કોંગ્રેસની લોકસભા ઉમેદવાર બની હતી. પરંતુ ત્યારે તેણે ડિપોઝિટ પણ ગુમાવવી પડી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-30 10:57:31

મુંબઈ: કોંગ્રેસની રાજ્યસભાની ટિકિટ ન મળતાં અભિનેત્રી નગ્મા નિરાશ થઈ ગઈ છે. તેણે મારી 18 વર્ષની તપસ્યા ઓછી પડી અને મારામાં શું ઓછી લાયકાત છે તેમ કહી સોશિયલ મીડિયા પર ઉકળાટ ઠાલવ્યો છે.  મહારાષ્ટ્રની રાજ્યસભાની છ બેઠકોમાંથી વિધાનસભાના અંકગણિત પ્રમાણે કોંગ્રેસને એક બેઠક મળે તેમ છે. નગ્માને આ બેઠક માટે પોતાની પસંદગીની આશા હતી. પરંતુ, કોંગ્રેસે મહારાષ્ટ્રના તમામ ઈચ્છુકોને પડતા મુકી ઉત્તર પ્રદેશના ઉર્દુ કવિ ઈમરાન પ્રતાપગઢીના રાજ્યસભામાં મોકલવાનું નક્કી કર્યું છે. 

રવિવારે રાતે ઉમેદવારો જાહેર થયા ત્યારે ટિકિટથી વંચિત રહી ગયેલા અન્ય એક ઇચ્છુક નેતા પવન ખેરાએ મારી તપસ્યા ઓછી પડી એમ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું. તેને રિએક્ટ કરતાં નગ્માએ પણ સૂર પુરાવ્યો હતો કે મારી પણ 18 વર્ષની તપસ્યા ઓછી પડી છે. 

તે પછી સોમવારે સવારે નગ્માએ સોશિયલ મીડિયા પર ફરી હૈયાવરાળ ઠાલવતાં કહ્યું હતું કે 2003-04ના અરસામાં હું કોંગ્રેસમાં જોડાઈ ત્યારે જ સોનિયા ગાંધીએ મને રાજ્યસભામાં મોકલવાનું વચન આપ્યું હતું. પરંતુ, ત્યારે તો અમારા પક્ષની સત્તા પણ ન હતી. એ પછી 18 વર્ષથી તેમને મારા માટે કોઈ તક દેખાઈ નથી. હવે મહારાષ્ટ્રમાંથી ઈમરાન પ્રતાપગઢીની પસંદગી થઈ છે તો હું શું ઓછી લાયક છું તેવો સવાલ તેણે ઉઠાવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે નગ્મા 2014માં યુપીના મેરઠથી કોંગ્રેસની લોકસભા ઉમેદવાર બની હતી. પરંતુ ત્યારે તેણે ડિપોઝિટ પણ ગુમાવવી પડી હતી. પરંતુ, અન્ય ફિલ્મ સ્ટાર્સ માત્ર દેખાડા ખાતર નેતા બની જાય છે તેને બદલે નગ્મા રાજકારણમાં સંપૂર્ણ ઓતપ્રોત થઈ ગઈ હતી અને તેણે કોંગ્રેસમાં સંગઠનની અનેક જવાબદારીઓ સંભાળવા સાથે દર લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં બહુ સક્રિય રીતે કામગીરી બજાવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post