• Home
  • News
  • ગુજરાત સરકાર IL&FSની હિસ્સેદારી રૂ. 32.70 કરોડમાં ખરીદશે, NCLTની પ્રિન્સિપાલ બેન્ચે મંજુરી આપી
post

IL&FS દ્વારા ગીફ્ટમાં 2 ટાવરના નિર્માણમાં અંદાજે રૂ. 800 કરોડનું રોકાણ કરેલું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-28 12:02:57

અમદાવાદ: લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલી અને જેના પર ઇન્સોલ્વન્સી પ્રક્રિયા ચાલુ છે તેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસીસ લીમીટેડ ( IL&FS)નો ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગિફ્ટ-સિટી)માં રહેલો 50% હિસ્સો ખરીદવા માટે ગુજરાત સરકાર સક્રિય બની છે. મંગળવારે નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (NCLT)ની પ્રિન્સીપાલ બેન્ચે ગુજરાત સરકારને ગિફ્ટ-સિટીમાં IL&FSની હિસ્સેદારી રૂ. 32.70 કરોડમાં ખરીદવાની મંજુરી આપી છે. રાજ્ય સરકાર છેલ્લા એક વર્ષથી આ હિસ્સો મેળવવા માટે પ્રયત્નો કરી રહી હતી અને તેના શેર્સનું વેલ્યુએશન પણ કરાવવામાં આવ્યું હતું. વર્ષ 2018માં IL&FSએ ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટ્સ અને કોમર્શિયલ પેપરમાં અંદાજે રૂ. 5,000 કરોડની ડિફોલ્ટ કરી હતી, જેના કારણે બિન-બેન્કિંગ નાણાકીય ક્ષેત્રમાં કટોકટી સર્જાઇ હતી.

ગિફ્ટ સિટીના વિકાસ માટે સકારાત્મક બાબત: તપન રે
ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઇઓ તપન રેએ જણાવ્યું કે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી કંપની લિમિટેડ (GIFTCL)માં IL&FSનો હિસ્સો ગુજરાત સરકારને વેચવાની NCLTની મંજૂરીનું અમે સ્વાગત કરીએ છીએ. ગિફ્ટ સિટીના વિકાસ માટે આ અત્યંત સકારાત્મક બાબત છે તથા તે પ્રોજેક્ટને સહયોગ કરવાના ગુજરાતના મુખ્યમંત્રીની અગાઉની જાહેરાત સાથે સુસંગત પણ છે. આ આદેશ ગિફ્ટ સિટીના તમામ હિસ્સેદારોનો આત્મવિશ્વાસ વધારશે.

ગીફ્ટ સિટી પ્રોજેક્ટમાં IL&FSનો 50% હિસ્સો
ગીફ્ટ સિટી પ્રોજેક્ટ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી શરુ થયો હતો. આના માટે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપનીએ IL&FS સાથે મળીને એક સ્પેશીયલ પર્પઝ વ્હિકલ કંપની 'ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી કંપની લીમીટેડ' બનાવી હતી જેમાં બંનેનો 50-50% હિસ્સો હતો. આ કંપનીમાં અંદાજે રૂ. 64 કરોડનું રોકાણ થયું હતું. આ સિવાય IL&FS દ્વારા ગીફ્ટમાં 2 ટાવરના નિર્માણમાં અંદાજે રૂ. 800 કરોડનું રોકાણ કરેલું છે.

કંપનીએ 6 લાખ ચોરસ ફૂટ એરિયા ડેવલપ કરવાનો હતો
IL&FS
ની પેટા કંપનીઓ પાસે જે કોમર્શીયલ સ્પેસ છે તે માટે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી કંપની લીમીટેડે 99 વર્ષની લીઝ આપેલી છે અને આ જગ્યામાં કંપનીએ 6 લાખ ચોરસ ફૂટનું ડેવલોપમેન્ટ કરવાનું હતું. કંપનીને 2013થી ગીફ્ટ સિટીમાં લીઝ મળી છે.

ગીફ્ટ સિટી પ્રોજેક્ટને કોઈ અસર નહીં થાય
જ્યારથી IL&FSનું આર્થીક સંકટ સામે આવ્યું છે ત્યારથી ગીફ્ટ સિટી અને તેમાં ચાલતા અન્ય પ્રોજેક્ટને ખરાબ અસર થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. આ અંગે ગત વર્ષે ગીફટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગીફ્ટ પ્રોજેક્ટ પર IL&FSના સંકટની કોઈ અસર નહીં આવે અને પ્રોજેક્ટ પોતાની ઝડપે યોગ્ય રીતે ચાલુ છે. આ સિવાય હાલ IL&FSનું કોઈ રોકાણ ના હોવાથી અન્ય પ્રોજેક્ટને પણ તેની અસર થશે નહીં.

 

adv

Related News

post
post
post
post
post
post
post