• Home
  • News
  • નવી આફત:કોરોનાના યુકે સ્ટ્રેન પછી હવે ગુજરાત પર ડબલ મ્યુટેન્ટ વેરિયન્ટનો ખતરો, જાણો શા માટે કોરોનાનો આ નવો પ્રકાર વધુ ઘાતક?
post

પશ્ચિમ મહારાષ્ટ્રમાથી લેવાયેલા સેમ્પલ પૈકી 15-20% સેમ્પલમાં નવો પ્રકાર જોવા મળ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-26 09:58:29

કોરોના મહામારીનો નવો દૌર વધુ ઉગ્ર અને ઝડપી સાબિત થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લાં ચાર દિવસથી સંક્રમિતોની સંખ્યા અગાઉના તમામ રેકોર્ડ તોડીને નવી ઊંચાઈએ પહોંચવા લાગી છે. રાજ્યમાં છેલ્લા 32 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. એ પછી નવા સંક્રમિતોની સંખ્યા સતત વધતી રહી છે. ગુજરાતમાં કોરોનાનો યુકે સ્ટ્રેન નોંધાયા પછી હવે નવા ડબલ વેરિયન્ટનો ખતરો પણ તોળાઈ રહ્યો છે.

એક મહિનામાં નવા કેસ ચાર ગણા વધ્યા
ગત 15 ફેબ્રુઆરીએ નવા 249 કેસ નોંધાયા હતા, જે 24 એપ્રિલ, 2020 પછીનો સૌથી નીચો આંકડો હતો. એ વખતે ગુજરાત કોરોના મહામારી પર વિજય મેળવી રહ્યું હોવાનો હાશકારો અનુભવાતો હતો. પરંતુ પાલિકા-પંચાયતોની ચૂંટણી, મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ અને દાંડીયાત્રા જેવા જાહેર કાર્યક્રમોમાં ઉમટેલી આડેધડ ભીડ અને સોશિયલ ડિસ્ટન્સિંગના ઉઘાડેછોડ ભંગને લીધે છેલ્લાં એક મહિનામાં કોરોના સંક્રમણમાં ભારે ઉછાળો આવ્યો છે. ગત 27 નવેમ્બરે 1607 કેસ નોંધાયા હતા જે હાઈએસ્ટ આંકડો હતો. પરંતુ 22 માર્ચે એ આંકડો ક્રોસ થયા પછી સતત વધતો રહ્યો છે. ગુજરાતમાં કોરોનાનો પ્રસાર વધવા પાછળ સામુહિક શિસ્તનો અભાવ ઉપરાંત વાયરસના બદલાતા સ્વરૂપને પણ કારણભૂત માનવામાં આવે છે. યુકે સ્ટ્રેન પછી હવે ગુજરાત પર ડબલ મ્યુટન્ટ વેરિયન્ટનો ખતરો ઊભો થયો છે.

10,787 સેમ્પલમાંથી 771 સેમ્પલમાં વાયરસનું સ્વરૂપ અલગ જણાયું

·         વાયરસ પોતે સતત સ્વરૂપ બદલતો રહે છે. એ સંજોગોમાં તેનાં બદલાતા સ્વરૂપોનો નિયમિત રીતે અભ્યાસ થતો રહેવો જોઈએ.

·         આ માટે ગત 25 ડિસેમ્બર, 2020ના રોજ કેન્દ્ર સરકારે દેશની ટોચની 10 લેબોરેટરીની સંકલન સમિતિ બનાવી છે, જે INSACOG (ઈન્ડિયન સાર્સ સીઓવી-2 કન્સોર્ટિયમ ઓન જીનોમિક્સ) તરીકે ઓળખાય છે.

·         દેશના વિવિધ વિસ્તારોમાંથી આવતાં કોરોનાના શંકાસ્પદ વાયરસની INSACOG દ્વારા જીનોમિક્સ સિક્વન્સિંગ થાય છે. સાદા શબ્દોમાં કહીએ તો અહીં વાયરસના બંધારણનો અભ્યાસ કરવામાં આવે છે. જેથી તેની અસરકારકતા, પ્રસાર ક્ષમતા તેમજ વાયરસના મારણ અંગે સંશોધન કરી શકાય.

·         કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલમાં કહેવાયું છે કે, INSACOG દ્વારા દેશભરમાંથી કુલ 10,787 સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા જે પૈકી 771 સેમ્પલમાં વાયરસે અલગ અલગ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું જણાયું હતું. જેને તબીબી પરિભાષામાં વેરિયન્ટ ઓફ કન્સર્ન (VOC) કહેવાય છે.

·         વાયરસના સ્વરૂપ અલગ અલગ હોય તેનો બીજો અર્થ એવો થાય કે તેની ચેપ લાગવાની ક્ષમતા તેમજ ઘાતક અસર પણ અલગ અલગ હોવાની. આ બાબત સૌથી વધુ ચિંતાજનક ગણાય છે.

·         771માંથી 736 સેમ્પલ યુકે સ્ટ્રેનના, 34 સેમ્પલ દક્ષિણ આફ્રિકા સ્ટ્રેનના અને 1 સેમ્પલ બ્રાઝિલ સ્ટ્રેનનું છે.

·         જોકે વાયરસના જે સ્વરૂપે વૈજ્ઞાનિકો, તબીબોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે એ ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ છે.

ગુજરાતમાં પણ વાયરસનો આ પ્રકાર છે?

·         આરોગ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે, મહારાષ્ટ્રના પશ્ચિમ વિસ્તારમાંથી મેળવેલા સેમ્પલમાં 15-20 ટકા સેમ્પલ એવા છે જેમાં ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ જોવા મળ્યું છે. મહારાષ્ટ્રમાં સંક્રમણ ઝડપભેર વધવા માટે વાયરસનો આ પ્રકાર જવાબદાર હોઈ શકે છે.

·         કેન્દ્ર સરકાર કે INSACOG દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ અન્ય માધ્યમોના અહેવાલોમાં નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ (NCDC)ના ડાયરેક્ટર સુજીતકુમાર સિંઘને ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્ર ઉપરાંત ડબલ મ્યુટન્ટ વેરિયન્ટના દિલ્હીમાં 9 કેસ, ગુજરાતમાં 3 અને પંજાબમાં 2 કેસ નોંધાયા છે.

·         પશ્ચિમ મહારાષ્ટ્રમાં ડબલ મ્યુટન્ટ વેરિયન્ટનો પ્રસાર હોવાનું સત્તાવાર રીતે સ્વીકારાયું છે. આ વિસ્તાર સાથે ગુજરાતનો સંપર્ક કાયમી હોવાથી મહારાષ્ટ્ર તરફ આવવા-જવામાં હવે વિશેષ તકેદારી રાખવામાં આવે એ ઈચ્છનીય છે.

શું છે ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ?

·         વાયરસના બંધારણમાં પરિવર્તન થાય તેને મ્યુટેશન થયું કહેવાય છે.

·         ક્યારેક બે અલગ પ્રકારના મ્યુટેશન તદ્દન અલગ અને ત્રીજા પ્રકારના મ્યુટેશનને પણ જન્મ આપી શકે છે. એ દરેક કિસ્સામાં વાયરસનો ચેપ લાગવાની ઝડપ, ઘાતકતા અલગ અલગ હોઈ શકે છે.

·         કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલોમાં કોવિડ-19 વાયરસમાં E484Q અને L452R મ્યુટેશન વિશે કહેવાયું છે. આ પૈકી L452R મ્યુટેશન સૌ પ્રથમ ગત વર્ષે કેલિફોર્નિયામાં જોવા મળ્યું હતું અને ત્યાંથી દુનિયાભરમાં પ્રસર્યું હતું.

·         WHOની સત્તાવાર વેબસાઈટ પર ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ વિશે અપાયેલી માર્ગદર્શિકા મુજબ, બદલાયેલું સ્વરૂપ કેટલું ઘાતક છે એ વિશે ચોક્સાઈપૂર્વક કહી શકાય નહિ. એ સંજોગોમાં કોવિડ-19ની પ્રાથમિક માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે એ જ સૌથી યોગ્ય ઉપાય બની રહે છે.

માસ્ક પહેરો, ભીડ ટાળો એ જ શ્રેષ્ઠતમ ઉકેલઃ ડો. તેજસ પટેલ
ગુજરાતમાં ડબલ મ્યુટન્ટ વેરિયન્ટના કેસ છે કે કેમ એ વિશે જાણીતા કાર્ડિયોલોજિસ્ટ અને કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. તેજસ પટેલે કહ્યું હતું કે, 'હજુ સુધી આ વિશે મને કોઈ સત્તાવાર માહિતી નથી. પરંતુ વાયરસ પોતાનું સ્વરૂપ સતત બદલતો જ રહે છે એથી બહુ ગભરાવાની જરૂર નથી. હાલ વાયરસની કોઈ દવા નથી એ સંજોગોમાં માસ્ક પહેરો અને ભીડ ટાળો એ જ શ્રેષ્ઠ ઉપાય છે. લોકોએ સ્વયંશિસ્તથી તેનું પાલન કરવું જ પડશે.'


ભાવનગરના ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડો. ગોપાલ પરમારે કહ્યું હતું કે, 'કોરોના સંક્રમણના કેસમાં ભારે ઉછાળો આવ્યો છે એ સાચું, પરંતુ વાયરસના વેરિયન્ટ અંગે તો પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીમાં થતી તપાસ પછી જ કહી શકાય. જોકે છેલ્લાં કેટલાંક સમયથી વાયરસનું સંક્રમણ ખૂબ ઝડપી હોવાનું ચોક્કસ અનુભવાય છે. પરિવારમાં એક વ્યક્તિ સંક્રમિત થાય એટલે બાકીના લોકોને પણ ચેપ લાગવાનું પ્રમાણ વધી રહ્યું છે.'

adv

Related News

post
post
post
post
post
post
post