• Home
  • News
  • નવી મહામારી:​​​​​​​રાજસ્થાનમાં હજી 200 કેસ આવ્યા ને મ્યુકરમાઇકોસિસને મહામારી જાહેર કરી દીધી, ગુજરાતમાં 1200થી વધુ કેસ, તો ક્યારે નિર્ણય?
post

માત્ર અમદાવાદમાં જ 500ની આસપાસ મ્યુકરમાઇકોસિસના દર્દી દાખલ છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-20 11:34:50

રાજ્યમાં કોરોનાના બીજી વેવએ લોકોને હચમચાવી નાખ્યા છે. સતત નવા દર્દીઓની સંખ્યામાં વધારો તેમજ કોરોના બાદ લાગતી અન્ય બીમારીઓથી પીડાતા દર્દીઓ પણ વધી રહ્યા છે. ત્યારે હાલમાં ગુજરાત કોરોના બાદ સૌથી મોટી સમસ્યા મ્યુકરમાઈકોસિસની છે. દૈનિક નવા કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે આજે રાજસ્થાને હજી 200 કેસમાં જ મ્યુકરમાઈકોસિસ રોગને મહામારી હેઠળ સામેલ કર્યો છે, તો ગુજરાત સરકાર ક્યારે કરશે એવી લોકોમાં ઉગ્ર ચર્ચા ચાલી રહી છે.

4 મોટાં શહેરોમાં 1200ની આસપાસ દર્દીઓ દાખલ
રાજસ્થાનમાં મ્યુકરમાઈકોસિસના કેસ ધીરે-ધીરે વધી રહ્યા છે, જેને જોવા ત્યાંની સરકારે સુરક્ષાના ભાગરૂપે મ્યુકરમાઈકોસિસ રોગને મહામારી હેઠળ સામેલ કર્યો છે. જોકે ગુજરાતની વાત કરીએ તો અહીં 4 મોટાં શહેરોની સિવિલમાં જ અંદાજે 1200થી વધુ મ્યુકરમાઈકોસિસ કેસ છે તેમજ દૈનિક 20થી 25 લોકોની સર્જરી કરી કેટલાક ભાગ કાઢી નાખવામાં આવે છે. તેમ છતાં હજુ સરકારે આ રોગને લઈને કોઈ યોગ્ય નિર્ણય લીધો નથી. બીજી તરફ, લોકોમાં એવી પણ ચર્ચા છે કે મ્યુકરમાઈકોસિસના દર્દીઓ સતત વધી રહ્યા છે તો સરકાર આ રોગને મહામારી હેઠળ ક્યારે ગણશે.

સિવિલમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે 8 વોર્ડ
અમદાવાદની અસારવા સિવિલમાં અંદાજે 500ની આસપાસ કેસ છે. સિવિલના ઈએનટી બિલ્ડિંગમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે 8 વોર્ડ તૈયાર કરાયા છે, જેમાંથી 6 વોર્ડમાં પ્રી ઓપેરિટિવ, જ્યારે બે પોસ્ટ ઓપેરિટિવ વોર્ડ છે, સાથે જ દર્દીઓની સર્જરી માટે 5 ઓપરેશન થિયેટર વોર્ડ પણ છે. બીજી તરફ, ડેન્ટલ હોસ્પિટલમાં 70થી વધુ, જ્યારે 1200 બેડમાં 30ની આસપાસ દર્દીઓ દાખલ છે. દરરોજ 15થી વધુ દર્દીઓ મ્યુકરમાઈકોસિસના રોગથી મુક્ત થતાં તેમને રજા અપાઈ છે.

અમદાવાદમાં 500 તો રાજકોટમાં 400 દર્દી
છેલ્લા દશેક દિવસમાં જ અંદાજે મ્યુકરમાઈકોસિસના 125ની આસપાસના દર્દીઓની સર્જરી કરવામાં આવી છે, સાથે જ સદનસીબે આ રોગથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા હાલમાં ખૂબ જ ઓછી છે, પરંતુ નવા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1100 કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 500, રાજકોટમાં 400 તેમજ વડોદરામાં 260 તેમજ સુરતમાં 114ની આસપાસ દર્દીઓ મ્યુકરમાઈકોસિસની બીમારીથી પીડાઈ રહ્યા છે.

કેવાં હોય છે લક્ષણો?

* માથાનો દુખાવો

* નાક બંધ થવું કે સાઇનસની તકલીફ

* મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો

* આંખમાં દુખાવો, દૃષ્ટિ ઓછી થવી

* તાવ, કફ, છાતીમાં દુખાવો

* શ્વાસ રૂંધાવો, પેટનો દુખાવો

* ઉબકા આવવા કે ઊલટી થવી

* આંતરડાંમાં રક્તસ્ત્રાવ જેવાં લક્ષણો જોવા મળે છે

મ્યુકરમાઈકોસિસ રોગ શું છે અને કેવી રીતે ફેલાય છે?
મ્યુકોરમાઇકોસિસ ફુગથી થતો એક ગંભીર રોગ છે. મ્યુકરમાઈકોસિસ ફુગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે, ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. આ રોગ માનવીની બોડીમાં શ્વાસ કે શરીર પરના ઘા થકી પ્રવેશે છે. ઈમ્યુનિટી પાવર ઓછો હોય તેવા લોકો પર આ રોગ વધારે હાવી થઈ જાય છે. અનકંટ્રોલ્ડ ડાયાબિટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા હોય તેવા લોકોને આ રોગ થવાની સંભાવના વધારે છે. ​​​​​​

આ રોગથી બચવા માટે શું કરવું જોઈએ?
મ્યુકરમાઈકોસિસ રોગથી બચવા માટે N95 માસ્ક અથવા ડબલ માસ્ક પહેરવું જોઈએ, સાથે જ વધારે ધૂળ ઊડતી હોય એવી જગ્યાએ જવાનું ટાળો, જો શરીર પર કોઈ ઘા છે તો એને તરત જ સાબુથી સાફ કરી દેવું જરૂરી છે તેમજ આ રોગ માટે એમ્ફોટેરિસિન-બી, પોસાકોનાઝોલ કે ઇસાવ્યુકોનાઝોલ જેવી દવાઓ પણ ઉપયોગી થઈ રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post