• Home
  • News
  • મુંબઈના 3 દર્દીમાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યા, તેની ઉપર એન્ટીબોડીની અસર થતી નથી; દક્ષિણ આફ્રિકામાં આવા સ્ટ્રેન મળ્યા હતા
post

જગન્નાથ પુરીમાં 21 જાન્યુઆરીથી દર્શન માટે કોરોના રિપોર્ટ જરૂરી નહીં, 9 મહિના પછી મંદિર ખૂલ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-11 10:17:58

UK બાદ હવે મુંબઈના ત્રણ દર્દીમાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યા છે. ચિંતાની વાત એ છે કે આ નવા સ્ટ્રેન પર એન્ટીબોડી એટલે કે વાઈરસ સામે લડવા માટે શરીરમાં પેદા થતા પ્રોટીન્સની પણ અસર થતી નથી. મુંબઈના ટાટા મેમોરિયલ સેન્ટરના વૈજ્ઞાનિકોએ આ વાતની પુષ્ટી કરી છે.

વૈજ્ઞાનિકોના મતે કોરોનાના આ નવા સ્ટ્રેનને E-484 નામથી ઓળખવામાં આવે છે. વાઈરસના આ નવા સ્ટ્રેન સાઉથ આફ્રિકામાં મળેલા કોરોનાના સ્ટ્રેન જેવા સમાન છે. સેન્ટરના હોમિયોપેથી વિભાગના પ્રોફેસર ડોક્ટર નિખિલ પટકરે કહ્યું છે કે તે સાઉથ આફ્રિકામાં જોવા મળતા ત્રણ મ્યૂટેન્ટ્સ (k-417A, E484K અને N501Y)માં છે. પટકરની ટીમે 700 જેટલા કોરોનાના નમૂનાની જીનોમ સિક્વેન્સિંગ મારફતે તપાસ કરી હતી. આ પૈકી ત્રણના નમૂનામાં કોરોનાના E484K મ્યૂટેન્ટ મળ્યા છે. ત્રણ દર્દીએ ગયા વર્ષ સપ્ટેમ્બરમાં સંક્રમિત થયા હતા. ત્રણેયની ઉંમર અનુક્રમે 30,32 અને 43 વર્ષ છે.

ભગવાન જગન્નાથના દર્શન માટે કોરોનાના નેગેટિવ રિપોર્ટની જરૂર નહીં પડે
પુરીમાં ભગવાન જગન્નાથના દર્શન માટે હવે કોરોનાના નેગેટિવ રિપોર્ટની જરૂર નહીં પડે. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસને રવિવારે જણાવ્યું કે, 21 જાન્યુઆરીથી મંદિરમાં પ્રવેશ માટે કોરોના રિપોર્ટની જરૂર નહીં પડે. નિર્ણય 21 ફેબ્રુઆરી સુધી લાગૂ રહેશે. કોરોનાના કારણે લગભગ 9 મહિના બંધ રહેલા મંદિરને 3 જાન્યુઆરીથી ભક્તો માટે ખોલી દેવાયું છે.

મમતાની જાહેરાત-બંગાળમાં ફ્રીમાં કોરોના વેક્સિન મળશે
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોના વેક્સિનેશન અંગે મહત્વની જાહેરાત કરી છે. મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્ય સરકાર રાજ્યના તમામ જરૂરિયાતમંદ લોકોને કોરોના વેક્સિન ફ્રીમાં આપશે. મમતાએ કહ્યું કે, રાજ્ય સરકાર આના માટે વ્યવસ્થા કરી રહી છે. પશ્વિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા મમતા સરકારની આ મહત્વની જાહેરાત માનવામાં આવે છે.

મળતી માહિતી પ્રમાણે, 16 જાન્યુઆરી 2021થી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થઈ રહ્યું છે. આ પહેલા મમતા બેનર્જીએ પોતાના રાજ્યના લોકોને કોરોના વેક્સિન મફતમાં લગાડવાનો નિર્ણય કર્યો છે. જો કે, 16 જાન્યુઆરીથી શરૂ થનાર વેક્સિનેશન પસંદગી કરાયેલા લોકો માટે છે.

વેક્સિનેશનના સમાચાર વચ્ચે છેલ્લા એક સપ્તાહમાં બીજી વખત એક્ટિવ કેસમાં એક હજારથી વધુનો ઘટાડો નોંધાયો. ગત દિવસે આવા માત્ર 856 દર્દી જ ઓછા થયા, જેમની સારવાર ચાલી રહી છે. આ મહિને 4 જાન્યુઆરીએ સૌથી વધુ 13 હજાર અને 6 જાન્યુઆરીએ સૌથી ઓછા 547 એક્ટિવ ઘટ્યા હતા.

સાથે જ દેશમાં ટેસ્ટિંગનો આંકડો 18 કરોડને પાર પહોંચી ગયો છે. અહીં અત્યાર સુધી 18.02 કરોડથી વધુ ટેસ્ટ કરાઈ ચૂક્યાં છે. પોઝિટીવિટી રેટ પણ 5.8% રેકોર્ડ થયો છે. એટલે કે દર 100માંથી માત્ર 5 કે 6 લોકોમાં કોરોનાની પુષ્ટી થઈ રહી છે.

અત્યાર સુધી 1.04 કરોડ કેસ
ગત દિવસે દેશમાં 18 હજાર 820 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. 19 હજાર 640 લોકો સાજા પણ થયા. સાથે જ 213 લોકોના મોત પણ થયા. આ સાથે જ હવે સંક્રમિતોનો આંકડો એક કરોડ 4 લાખ 51 હજાર 346એ પહોંચી ગયો છે. જેમાંથી એક કરોડ 75 હજાર 395 લોકો સાજા થઈ ચૂક્યાં છે અને એક લાખ 51 હજાર 48 લોકોના મોત થઈ ચૂક્યાં છે. દેશ એક્ટિવ કેસનો આંકડો હવે 2 લાખ 20 હજાર 591એ પહોંચી ગયો છે. એટલે કે આટલા દર્દીઓની સારવાર ચાલી રહી છે.

16 જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ થશે
દેશભરમાં કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ 16 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. વેક્સિન માટે હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને પ્રાથમિકતા અપાશે, જેમની સંખ્યા 3 કરોડ છે. ત્યારપછી 50 વર્ષથી વધુ વયના લોકો અને ગંભીર બિમારી સામે ઝઝૂમી રહેલા 50 વર્ષી ઓછી વયના લોકોને વેક્સિન લગાડવામાં આવશે. આ રીતે લગભગ 27 કરોડ લોકોને વેક્સિન લગાવવામાં આવશે. વેક્સિનના બે ડોઝ હશે. જેને 28 દિવસના ગેપમાં આપવામાં આવશે. તમામને બે ડોઝ આપવામાં આવશે, ત્યારે વેક્સિન શિડ્યુઅલ પુરુ થશે.

કોરોના અપડેટ્સ

·         ઓરિસ્સાના ગજપતિ જિલ્લાના શનિવારે 26 શિક્ષક અને બે વિદ્યાર્થી કોરોના પોઝિટીવ નોંધાયા. અહીં એક દિવસ પહેલા જ દસમા અને બારમાં ધોરણના વિદ્યાર્થી માટે શાળામાં ક્લાસ શરૂ કરાયા છે.

·         ઝારખંડ વિધાનસભાના સ્પીકર રવિન્દ્રનાથ મહતો કોરોના સંક્રમિત થયા છે. સોશિયલ મીડિયા પર તેમણે આ માહિતી આપી છે.

·         આગરામાં દર વર્ષે યોજાનાર તાજ મહોત્સવ આ વખતે નહીં યોજાય. કોરોનાના કારણે તેને રદ્દ કરી દેવાયો છે.

પાંચ રાજ્યોની સ્થિતિ
1.
દિલ્હી
રાજ્યમાં શનિવારે 519 લોકો કોરોના સંક્રમિત થયા હતા. 603 લોકો રિકવર થયા અને 12 લોકોના મોત થયા. અત્યાર સુધી 6 લાખ 29 હજાર 801 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાં 6 લાખ 15 હજાર 452 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 10 હજાર 666 લોકોના મોત થઈ ચૂક્યાં છે. 3683 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

2. મધ્યપ્રદેશ
રાજ્યમાં શનિવારે 541 લોકો કોરોના સંક્રમિત થયા છે. 826 લોકો રિકવર થયા અને 10 લોકોના મોત થયા. અત્યાર સુધી 2 લાખ 47 હજાર 977 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાંથી 2 લાખ 36 હજાર 247 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 3701 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે.8029 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત
રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 675 લોકો સંક્રમિત થયા. 851 લોકો રિકવર થયા અને 5 લોકોના મોત થયા. અત્યાર સુધી 2 લાખ 51 હજાર 273 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાંથી 2 લાખ 39 હજાર 65 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 4340 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. 7868 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

4. રાજસ્થાન
રાજ્યમાં શનિવારે 430 લોકો કોરોના સંક્રમિત થયા. 1098 લોકો રિકવર થયા અને 4 લોકોના મોત થયા. અત્યાર સુધી 3 લાખ 12 હજાર 521 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાં 3 લાખ 3 હજાર 60 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 2731 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. 6730 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

5. મહારાષ્ટ્ર
રાજ્યમાં શનિવારે 3581 લોકો કોરોના સંક્રમિત થયા. 2401 લોકો રિકવર થયા અને 57 લોકોના મોત થયા. અત્યાર સુધી 19 લાખ 65 હજાર 556 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાંથી 18 લાખ 61 હજાર 400 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 50 હજાર 27 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. 52 હજાર 960 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post