• Home
  • News
  • નવો ખતરો:સુરતમાં ખતરનાક UK સ્ટ્રેન; 10 દિવસમાં જ કોરોનાના 2596 કેસ, લક્ષણ બદલાતાં દર્દીઓ સીધા થઈ રહ્યા છે હોસ્પિટલ ભેગા
post

ચૂંટણીમાં નેતાઓ અને લગ્નમાં લોકોની લાપરવાહીથી વાઇરસનો વિસ્ફોટ

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-20 13:45:54

ગુજરાતમાં શરૂ થયેલી કોરોના કેસની નવી લહેરમાં યુકે અને આફ્રિકાના સ્ટ્રેન મળી આવતાં સનસનાટી ફેલાઈ છે. સુરતમાં યુકે અને આફ્રિકા સ્ટ્રેનના 6 કેસ 10 માર્ચ આસપાસ મળી આવ્યા હતા. ત્યાર બાદ એકાએક કોરોના કેસની સંખ્યામાં ભારે વધારો થયો છે. છેલ્લા 10 દિવસમાં જ 2596 જેટલા કેસ સામે આવ્યા છે, જેથી એક્ટિવ કેસ પણ વધીને સીધા 1839 થઈ ગયા છે. કોરોના સંક્રમણના ફેલાવા પાછળ ચૂંટણીમાં બેફામ થઈને નેતાઓ દ્વારા કરવામાં આવેલો પ્રચાર, કાર્યકરોએ સર્જેલાં ટોળાં અને સાથે સાથે લગ્ન સહિતના સમારંભોમાં બેદરકાર બનીને લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતાં કેસમાં વધારો થયો છે. સુરતમાં જોવા મળતા નવા સ્ટ્રેનના દર્દીઓમાં કોરોનાનાં સામાન્ય લક્ષણો જોવા મળતાં નથી. શરીરના દુખાવા સાથે દર્દીઓ એડમિટ થતા હોવાનું જણાવતાં નોડલ ઓફિસર ડો. અમિત ગામિતે કહ્યું કે, કેટલાકમાં શ્વાસની પણ સમસ્યા ઉભી થઈ રહી છે.

એક્ટિવ કેસમાં ધરખમ વધારો
કોરોનાના નવા સ્ટેનના આવ્યા અગાઉ સુરતમાં રોજના 100 અને તેનાથી નીચે બે આંકડાની સંખ્યામાં કેસ આવી ગયા હતાં. કોરોના પર કાબૂ મેળવાઈ ગયો હતો. જો કે, લાપરવાહીની સાથે યુકે અને આફ્રિકાના સ્ટ્રેનના આગમન સાથે કેસમાં વધારો થયો છે. બે આંકડામાં નોંધાતા કેસ વધીને 500 નજીક પહોંચી ગયા છે. એક્ટિવ કેસ 10 દિવસ અગાઉ જે 866 હતા તે વધીને 1839 થઈ ગયા છે. આ દસ દિવસના ગાળામાં 6 વ્યક્તિના કોરોનાથી મોત થયા છે. સાથે જ કુલ 2596 કેસ વધી ગયા છે. જેથી આરોગ્ય વિભાગ માટે કોરોનાનો નવો સ્ટ્રેન ચિંતાનો વિષય બન્યો છે.

દર્દીઓની સંખ્યામાં એકાએક વધારો
સિવિલ હોસ્પિટલના કોરોના નોડલ ઓફિસર ડૉ. અમિત ગામિતે જણાવ્યું કે, કેસમાં વધારો જોતા લોકોએ સાવચેત રહેવું જોઇએ. પહેલાં કોરોનાથી ચિંતિત 50 લોકો સામાન્ય લક્ષણમાં પણ ઓપીડી કરાવતાં હતાં. જે વધીને હવે રોજ 150 દર્દીઓ સિવિલમાં સંભવિત લક્ષણ સાથે આવે છે. તેમણે કહ્યું કે, 10 દિવસ પહેલાં માંડ 4 કેસ પોઝિટિવ મળી રહ્યાં હતાં તે વધીને હવે રોજ 15થી 20 કેસ સંક્રમિત મળ્યાં છે. જેમાંથી છેલ્લી ઘડીએ આવતાં 2થી 3 દર્દીને વેન્ટિલેટરની જરૂર પડી રહી છે. તેવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં પણ રોજ 100 જેટલાં દર્દી ઓપીડી માટે આવે છે. તેમાંથી 10થી 15 દર્દી શંકાસ્પદ લાગતાં એડમિટ કરવામાં આવી રહ્યાં છે. સ્મીમેરના સુત્રોએ કહ્યું કે, 23 પોઝિટિવ મળ્યાં છે. 1 વેન્ટિલેટર ઉપર છે તો 6 બાઇપેપ ઉપર અને 10 ઓક્સિજન ઉપર સારવાર મેળવી રહ્યાં છે. જેમાંથી 2 દર્દીઓના કોરોના રિપોર્ટ આવવાના બાકી છે.

શ્વાસની સમસ્યા પણ વધી
કોરોના નોડલ ઓફિસર ડૉ. અમિત ગામિતે કહ્યું કે, નવાં કોરોના દર્દીઓમાં લક્ષણ બદલાયેલા જણાયા છે. હાલમાં મોટાભાગના દર્દીઓ શરીરમાં દુઃખાવા સાથે એડમિટ થયાં છે. તેમને તાવ પણ ઓછો રહ્યો છે. આ સામાન્ય લક્ષણમાં સારવાર નહીં કરાવ્યાં બાદ કેટલાકમાં શ્વાસની સમસ્યા જોવા મળી છે.

યુકે સ્ટ્રેન 43-90% વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે
સુરતમાં જે રીતે કોરોનાના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે તેની પાછળ યુ.કે. સ્ટ્રેન B.1.1.7 જવાબદાર હોવાનો મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ થોડા દિવસો અગાઉ કહ્યું હતું કે,તેમણે યુ.કે.ના એક સ્ટડી રિપોર્ટના આધારે આ દાવો કર્યો છે. જે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, આ વાઇરસ 43 ટકાથી 90 ટકા સુધી ઝડપથી પ્રસરે છે. આ વાઇરસનો ચેપ લાગે તો તે માનવ શરીરમાં લાંબો સમય સુધી રહે અને બીજાને પણ લાંબા સમય સુધી ચેપ લગાવી શકે છે. જોકે, અન્ય વાઇરસના અને યુ.કે. સ્ટ્રેનના વાઇરસના લક્ષણો મોટાભાગના સરખા છે.

નવા સ્ટ્રેનનો વાઇરલ લોડ વધારે
એવી આશંકા રિપોર્ટમાં દર્શાવવામાં આવી છે કે પહેલાના વાઈરસ કરતા આ સ્ટ્રેનનો વાઇરલ લોડ વધારે છે અને એટલા માટે આ વાઇરસ વધારે જોખમી છે. એક શરીરમાંથી બીજા શરીરમાં વાઇરસ મ્યુટેશન થયા પછી પણ તેનો ચેપ વધુ ઝડપથી ફેલાવે છે. એટલા માટે જ તેની CT વેલ્યુ ઓછી આવે છે. વાઇરસ એટલો ઘાતક નથી પરંતુ ચેપી વધારે છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં અત્યારસુધી આ વાઇરસના કુલ 6 કેસ મળી આવ્યા છે. જેથી કમિશનરે લોકોેને આ વાઇરસથી બચવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને શક્ય હોય ત્યાં સુધી ભીડભાડવાળી જગ્યાએ નહીં જવા માટે ચેતવ્યા છે.

વાઈરસના ફેલાવા પાછળ બેદરકારી
ચૂંટણી વખતે નેતાઓ દ્વારા થતા પ્રચાર અને વિજયોત્સવથી કોરોના ફેલાયો હોય તેમ માનવામાં આવી રહ્યું છે ત્યારે પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે, લોકોની બેદરકારીના કારણે વાઈરસ ઝડપથી ફેલાયો છે. લગ્ન સહિતના સમારંભો અને માસ્ક ન પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સનું પૂરતા પ્રમાણમાં પાલન ન થતું હોવાથી જોખમ વધી ગયું છે. ફરીથી કોરોનાને કાબૂમાં કરવા માટે ટેસ્ટિંગ વધારી દેવાયું છે તથા ઝડપથી સારવાર આપીને લોકોને કોરોનામુક્ત કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post