• Home
  • News
  • દોષિતોના વકીલ એ. પી. સિંહે નિર્ભયા વિશે અણછાજતી ટિપ્પણી કરતાં લોકોનો આક્રોશ ફાટ્યો
post

ફાંસી નિશ્ચિત બન્યા પછી સુપ્રીમ પરિસરની બહાર માધ્યમો સમક્ષ એ.પી.સિંહે સંયમ ગુમાવતાં લોકો બેહદ ઉશ્કેરાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 09:05:32

નવી દિલ્લી: નિર્ભયા કેસમાં સર્વોચ્ચ અદાલતે ફાંસી ટાળવાના છેલ્લા પ્રયાસને પણ ખારિજ કરી દીધો એ પછી ગુનેગારોના વકીલ એ.પી.સિંહે સંયમ ગુમાવી દીધો હતો અને નિર્ભયા વિશે માધ્યમો સમક્ષ અણછાજતો શબ્દપ્રયોગ કરતાં કહ્યું હતું કે, તમે કઈ મા વિશે (આશાદેવીને ન્યાય મળવા વિશે) પૂછી રહ્યા છો. એમને તો રાત્રે 12 વાગ્યે પોતાની દીકરી કોની સાથે અને ક્યાં ફરી રહી છે એ પણ ખબર ન હતી. સિંહના આ વિધાન પછી ત્યાં ઉપસ્થિત મહિલાઓ બેહદ ઉશ્કેરાઈ ગઈ હતી અને ઉગ્ર બોલાચાલી પછી મહિલાઓને સુરક્ષાકર્મીઓએ દૂર કરી હતી. ફાંસી અપાયા પછી તિહાર જેલની બહાર એકઠાં થયેલાં લોકોએ પણ એ.પી.સિંહના વિધાન સામે ભારે આક્રોશ વ્યક્ત કરતાં વકિલ તરીકે તેમનું લાયસન્સ છીનવી લેવાની માગ કરી હતી.

નિર્ભયા કેસમાં ગુનેગારોને બચાવવા માટે વકીલ એ.પી. સિંહે મરણિયા પ્રયાસો કર્યા હતા. ત્રણ ત્રણ વખત ફાંસીને પાછી ઠેલવામાં સફળ નીવડેલા એ.પી.સિંહે ફાંસીના અમલ આડે ગણતરીના કલાકો બાકી હતા ત્યારે પણ પ્રયાસો છોડ્યા ન હતા અને પતિયાળા કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પતિયાળા કોર્ટે અરજી ફગાવી દીધી તો તેમણે રાત્રે અઢી વાગ્યે સુપ્રીમ કોર્ટ ખોલાવી હતી. પરંતુ સર્વોચ્ચ અદાલતે જ્યારે ફાંસીના અમલની મંજૂરી આપી દીધી ત્યારે એ.પી.સિંહે સંયમ ગુમાવી દીધો હતો અને માધ્યમો સમક્ષ બોલી ગયા હતા કે નિર્ભયાની મા આજે ન્યાયની માગણી કરે છે પરંતુ એ વખતે રાત્રે 12 વાગ્યે પોતાની દીકરી કોની સાથે હતી, ક્યાં હતી અને શું કરી રહી છે એ પણ તેમને ખબર ન હતી. એ.પી.સિંહના આ વિધાનો સામે લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post