• Home
  • News
  • કુતુબમિનારથી ઊંચા નોઇડાના ટ્વિન ટાવર કાલે તૂટશે:3700 કિલો દારૂગોળો ભર્યો, લોકોને તેમનાં ઘર બચાવવાની ચિંતા
post

ટ્વિન ટાવર પાડવા માટે 181 દિવસથી તૈયારી ચાલી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-27 18:37:30

નોઇડામાં બનેલા 32 ફ્લોરના ટ્વિન ટાવરને રવિવારે બપોરે તોડી પાડવામાં આવશે. 13 વર્ષમાં બનેલી બંને ઈમારતને તૂટવામાં માત્ર 12 સેકન્ડનો સમય લાગશે. કુતુબમિનારથી ઊંચા ટ્વિન ટાવરથી માત્ર 9 મીટર દૂર સુપરટેક અમરેલ્ડ સોસાયટી છે. અહીં 650 ફ્લેટ્સમાં અંદાજે 2500 લોકો રહે છે.

આખા દેશના લોકો જોવા માગે છે કે ટ્વિન ટાવર કેવી રીતે તૂટશે, પરંતુ આસપાસ રહેતા લોકોને ડર છે કે તેમના ઘર કેવી રીતે બચશે. ઘર બચી પણ જશે તો ટાવર તૂટતાં કાટમાળની ધૂળમાંથી કેવી રીતે બચશે. આ જગ્યા સેક્ટર-93માં છે અને નોઈડાના સૌથી મોંઘા વિસ્તારમાં સામેલ છે. અહીં 3BHK ફ્લેટની કિંમત અંદાજે એક કરોડ છે.

3700 કિલો દારૂગોળાથી 12 સેકન્ડમાં તૂટશે આખી ઈમારત
ટ્વિન ટાવર પાડવાની જવાબદારી એડિફાઈસ નામની કંપનીએ લીધી છે. આ કામ પ્રોજેક્ટ મેનેજર મયૂર મહેતાની દેખરેખમાં થશે. તેઓ જણાવે છે કે અમે બિલ્ડિંગમાં 3700 કિલો દારૂગોળો ભર્યો છે. પિલર્સમાં મોટા મોટા હોલ કરીને એમાં દારૂગોળો ભરાયો છે. ફ્લોર ટુ ફ્લોર કનેક્શન પણ કરવામાં આવ્યું છે.

મહેતાએ જણાવ્યું હતું કે ટાવર તોડવામાં વોટરફોલ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવશે. આ એક પ્રકારની વેવિંગ ઈફેક્ટ હોય છે, જેમ દરિયામાં હોય છે એ પ્રમાણે. આખી પ્રોસેસ એ જ રીતે થાય છે. બેઝમેન્ટથી બ્લાસ્ટિંગની શરૂઆત થશે અને 30મા ફ્લોર પર ખતમ થશે. એને ઈગ્નાઈટ ઓફ એક્સપ્લોઝન કહે છે. ત્યાર પછી બિલ્ડિંગ પડવાનું શરૂ થશે. એમાં અંદાજે 12 સેકન્ડ લાગશે.

સેફ્ટી માટે 4 લેયરનું કવર કરાશે
તેમણે જણાવ્યું હતું કે જ્યાં જ્યાં પિલરમાં અમે દારૂગોળો ભર્યો છે ત્યાં જિયોટેક્સટાઈલ કપડું લગાવવામાં આવ્યું છે. એમાં ફાઈબર કમ્પોઝિટ હોય છે, તેથી જો એનાથી કોઈ વસ્તુ અથડાશે તો એ કપડાંને ફાડતું નથી, પરંતુ રિવર્સ થાય છે. આજુબાજુની ઈમારતો પર પણ કપડું લગાવવામાં આવ્યું છે.

પોલ્યુશન કેટલું થશે એ કોઈને ખબર નથી
ઉદયભાન સિંહ તેવટિયાનું કહેવું છે કે ડિમોલિશનને કારણે ચિંતા તો બહુ છે, પરંતુ ખુશી પણ છે કે ગેરકાયદે બનેલી ઈમારત તોડવામાં આવી રહી છે. બિલ્ડિંગ પડશે તો કેટલો ધુમાડો અને ધૂળ નીકળશે એનો અંદાજ નથી. બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર સૌથી વધારે ખરાબ અસર થવાની છે. અમે મીટિંગમાં નોઈડા ઓથોરિટીને પણ પૂછ્યું હતું કે આ સમસ્યા માટે તમારો શું પ્લાન છે? પરંતુ તેમની પાસે કોઈ ચોક્કસ જવાબ નહોતો.

ભૂકંપના સામાન્ય ઝટકા જેવું પણ ફીલ નહીં થાય
પ્રોજેક્ટ મેનેજ મયૂર મહેતાનું કહેવું છે કે બ્લાસ્ટથી ભૂકંપના સામાન્ય ઝટકા જેવો પણ અનુભવ નહીં થાય. લોકોને એલર્ટ રહેવાની સાથે કહેવામાં આવ્યું છે કે ટીવીમાંથી પ્લગ કાઢી દો અને કાચનો સામાન અંદર મૂકી દેજો. હવાના પ્રેશરથી કાચની વસ્તુઓ તૂટી શકે છે. બ્લાસ્ટથી ધૂળ ઊડશે, પરંતુ કેટલી એનો અંદાજ નથી.

આજુબાજુના લોકોએ રવિવારે સવારે 7 વાગે ઘર છોડવું પડશે
સોસાયટીમાં રહેતા સુરેશ કુમારે જણાવ્યું હતું કે અમને સેફ્ટીની ચિંતા છે. ક્યાંક ડિમોલિશનમાં કોઈ ભૂલ ના થઈ જાય. ચિંતા છે કે ટ્વિન ટાવરનો કોઈ હિસ્સો અમારી સોસાયટીમાં ના પડે. અમને કહેવામાં આવ્યું છે કે સવારે 7 વાગે ઘર છોડી દેવું. થોડા દિવસ એ લોકો હોટલમાં રહેશે.

બે કિમી સુધી ફેલાશે પોલ્યુશન
ડૉ. સુશીલા કટારિયા ગુડગાંવના મેદાંતા હોસ્પિટલમાં સિનિયર ડિરેક્ટર છે. તેમનું કહેવું છે કે જ્યારે ટ્વિન ટાવર પડશે તો આજુબાજુના 2 કિમી વિસ્તારમાં પોલ્યુશન લેવલ વધી જશે. ધૂળના કણ હવામાં ફેલાઈ જશે.
હવામાં પ્રદૂષણનો સ્તર કેટલો હશે એ એના પર નક્કી થશે એ તમે સાઈટથી કેટલા દૂર છો અને ડિમોલિશનના કેટલા સમય પછી એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) માપી રહ્યા છો. સમય પસાર થવાની સાથે ધૂળના કણ જમીન પર બેસી જશે અને AQI લેવલ નીચે આવી જશે. અત્યારે ના કહી શકાય કે સામાન્ય દિવસોની સરખામણીએ પોલ્યુશન કેટલું વધી જશે.

ટાવર પાડવાની તૈયારીમાં થયા 181 દિવસ
ટ્વિન ટાવર પાડવા માટે 181 દિવસથી તૈયારી ચાલી રહી છે. 21 ફેબ્રુઆરીથી 350 વર્કર્સ અને 10 એન્જિનિયર કામ કરી રહ્યા છે. રવિવારે સવારે 7 વાગ્યા સુધી આજુબાજુના 500 મીટરમાં આવેલા 1396 ફ્લેટ્સ ખાલી કરાવવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post