• Home
  • News
  • હવે ચેતજો, માસ્કનું ઉત્પાદન ડબલ થયું:રાજ્યભરમાં ફરી વધ્યું માસ્કનું ઉત્પાદન, જુલાઈની તુલનાએ ઉત્પાદન બમણું થઈને 80 લાખ, 3 કરોડ માસ્કનો જથ્થો ઉપલબ્ધ
post

ઉત્પાદન વધતા માસ્કની અછત નહીં સર્જાય

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-03 10:12:22

ગાંધીનગર: ગુજરાત સહિતના રાજ્યોમાં દિવસેને દિવસે હવે કોરોનાના કેસ વધી રહ્યા છે. હાલ રાજ્યમાં 1000થી વધુ નવા કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે છેલ્લા કેટલાક મહિનાથી બંધ પડેલા માસ્કનું ઉત્પાદન કરતા મશીનો ફરી ધમધમતા થયા છે. 10 દિવસથી માસ્કનું ઉત્પાદન ફરીથી વધવા લાગ્યું છે. હાલ રાજ્યભરમાં દૈનિક 80 લાખથી વધુ માસ્કનું ઉત્પાદન થઈ રહ્યું છે. જ્યારે બીજી લહેર દરમિયાન 1 કરોડ માસ્કનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જ્યારે જુલાઈ બાદ માસ્કનું ઉત્પાદન ઘટીને સરેરાશ 40-50 લાખ રહ્યું હતું. આમ જુલાઈની તુલનાએ હાલ માસ્કનું ઉત્પાદન ડબલ થઈ ગયું છે.

5 મહિના બાદ ફરી ધમધમવા લાગ્યા માસ્કના મશીનો
કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન જ્યારે કોરોના પીક પર હતો ત્યારે લોકો પ્રોટોકોલનું પાલન કરતા હતા. પરંતુ જેવા કોરોનાના કેસ ઘટવા લાગ્યા કે લોકોએ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવાનું શરૂ કર્યું અને ત્રીજી લહેર આંબી ગઈ. આ સાથે જ હવે ફરી એકવાર લોકોને માસ્ક યાદ આવ્યા છે. છેલ્લા પાંચ મહિનાથી માસ્ક ઉત્પાદનના મશીન બંધ હતા અથવા તો મર્યાદિત માત્રામાં જ ઉત્પાદન થઈ રહ્યું હતું, ત્યાં હવે પૂરજોશમાં ફરીથી ઉત્પાદન શરૂ થયું છે.

કોરોનાના કેસો ઘટતા, ઉત્પાદન પણ ઘટ્યું હતું
માસ્કનું મેન્યુફેક્ચરિંગ કરતાં અમદાવાદના કઠવાડા જીઆઇડીસી સ્થિત ખાંધલા એન્ટરપ્રાઇઝના સંચાલક જયેશ ખાંધલાએ વાતચીતમાં જણાવ્યું કે, પાછલા દસ દિવસ દરમિયાન ફરીથી હોલસેલ માર્કેટમાં માસ્કની ડિમાન્ડ વધી છે અને માસ્કના ઓર્ડર મળવાની શરૂઆત થઈ છે. ગુજરાતભરમાં માસ્કનું ઉત્પાદન કરતા અંદાજે 40 જેટલા મેન્યુફેક્ચરર છે. બીજી વેવ દરમિયાન માસ્કનું ઉત્પાદન 1 કરોડથી વધુનું હતું, જે જૂન-જુલાઈ માસ સુધી ચાલ્યું. જો કે કોરોનાના કેસ ઓછા થવાથી માસ્કની માંગ ઘટતા દૈનિક ઉત્પાદન 40-50 લાખ સુધી રહ્યું હતું. જોકે હવે કોવિડના કેસ અને ઓમિક્રોન વેરિઅન્ટથી સતર્કતાના કારણે માસ્કની માંગ વધી છે, જેથી હવે દૈનિક 80 લાખથી વધુ માસ્ક બની રહ્યાં છે. આ ઉપરાંત હાલ ગુજરાતમાં 3 કરોડથી વધારે માસ્કનો જથ્થો ઉપલબ્ધ છે, જેથી ઘટ કે અછતની સ્થિતિ નહિં સર્જાય.

બીજી વેવ બાદ કેરળ મોકલાતો માસ્કનો જથ્થો
અમદાવાદના દસ્ક્રોઈમાં માસ્કનું યુનિટ ધરાવતા ભાવિક દવેએ જણાવ્યું કે બીજી વેવ પછી માસ્કનું ઉત્પાદન તો થઈ રહ્યું હતું. પરંતુ, તે જથ્થો કેરળ સહિત દક્ષિણ ભારતમાં કેસ વધારે હોવાથી ત્યાં સપ્લાય કરવામાં આવતો હતો. પરંતુ હવે ફરી એકવાર ગુજરાત સહિત દેશભરમાં ધીમે ધીમે કેસમાં વધારો થઈ રહ્યો છે જેથી ઉત્પાદનમાં વધારો કરવો પડ્યો છે.

હાલ માસ્કનો જથ્થો પર્યાપ્ત
માસ્કના ઉત્પાદન અંગે ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ જીતુલ પટેલે જણાવ્યું કે, વેપારીઓ પાસે માસ્કનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. પરંતુ હાલની પરિસ્થિતિને જોતા લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે, જેથી લોકોએ જાહેર સ્થળોએ જતા માસ્કનો ઉપયોગ કરે તે વધુ હિતાવહ છે.

માસ્ક કેટલા પ્રકારના હોય છે?
મોટાભાગે જોઈએ તો માસ્ક 3 પ્રકારના હોય છે - સર્જિકલ માસ્ક, N-95 માસ્ક અને ફેબ્રિક કે કપડાના બનેલા માસ્ક. N95 માસ્ક કોરોના વાયરસ જેવા સંક્રમણથી બચવા માટે સૌથી ઉત્તમ માસ્ક માનવામાં આવે છે. એ સરળતાથી મોં અને નાક પર ફિટ થઈ જાય છે અને બારીક કણોને પણ નાક કે મોંમાં જતા રોકે છે. એ હવામાં રહેલા 95 ટકા કણોને રોકવામાં સક્ષમ છે તેથી તેનું નામ N95 પડ્યું છે. જ્યારે, સામાન્ય સર્જિકલ માસ્ક પણ લગભગ 89.5% સુધી કણોને રોકવામાં સક્ષમ હોય છે. આ બંને માસ્ક હેલ્થકેર વર્કર્સ માટે હોય છે. કપડાના માસ્ક પણ માર્કેટમાં જોઈ શકાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post