• Home
  • News
  • હવે ગોવામાં ઓપરેશન લોટસ:કોંગ્રેસના 8 MLAs ભાજપમાં જોડાશે, પક્ષપલટાનો કાયદો લાગુ નહીં થાય; જાણો કઈ 3 ભૂલને કારણે ફૂટ પડી
post

2019માં કોંગ્રેસના 15માંથી 10 ધારાસભ્યો ભાજપમાં ગયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-14 18:30:42

ગોવા: ગોવા કોંગ્રેસના 11માંથી 8 ધારાસભ્યે બુધવારે પાર્ટી છોડી દીધી છે. દરેક ધારાસભ્ય મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે વિધાનસભા પહોંચ્યા છે અને તેમણે સ્પીકર રમેશ તાવડકરને પાર્ટીમાંથી અલગ થવાનો પત્ર આપ્યો છે. ગોવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સદાનંદ તનવડેએ જણાવ્યું હતું કે દરેક ધારાસભ્ય ભાજપમાં સામેલ થવાના છે.

કોંગ્રેસ છોડનારા ધારાસભ્યોમાં પૂર્વ CM દિગંબર કામત, દેલિલા લોબો, કેદાર નાઈક, એલિક્સો સિક્વિરિયા, માઈકલ લોબો, રાજેશ ફલદેસાઈ, સંકલ્પ અમોનકર અને રુડોલ્ફ ફર્નાન્ડિઝનાં નામ સામેલ છે. બળવાખોર ધારાસભ્યોની સંખ્યા 2/3 કરતાં વધારે હોવાથી આ ધારાસભ્યો પર પક્ષપલટાનો કાયદો લાગુ થશે નહીં.

3 ભૂલ અને 7 મહિનામાં તૂટી ગઈ કોંગ્રેસ
10
માર્ચ 2022ના રોજ ગોવામાં ચૂંટણી પરિણામ આવ્યાં છે, જેમાં કોંગ્રેસને 40માંથી 11 સીટ મળી હતી, પરંતુ 7 મહિનાની અંદર જ પાર્ટી તૂટી ગઈ હતી. એની પાછળ કોંગ્રેસની 3 મોટી ભૂલ છે.

1. બહારથી આવેલા લોબોનું કદ વધાર્યું- ચૂંટણી પરિણામ આવ્યાં પછી કોંગ્રેસે બહારથી આવેલા માઈકલ લોબોને વિપક્ષના નેતા બનાવ્યા હતા. લોબો ચૂંટણી પહેલાં જ પાર્ટીમાં સામેલ થયા હતા. વિપક્ષના નેતાની રેસમાં સામેલ દિગંબર કામત કોંગ્રેસ હાઈકમાન્ડે આ નિર્ણયથી નારાજ થઈ ગયા હતા. ત્યાર પછીથી જ માનવામાં આવે છે કે કોંગ્રેસ તૂટવાની શરૂ થઈ છે.

2. અધ્યક્ષ પર એક્શન, પ્રભારી પર કાર્યવાહી નહીં- ગોવામાં હાર પછી કોંગ્રેસ હાઈકમાન્ડે ગિરીશ ચોડનકરનું રાજીનામું લઈ લીધું હતું, પરંતુ પ્રદેશ પ્રભારી દિનેશ ગુંડુરાવ પર કોઈ કાર્યવાહી કરાઈ નહોતી. ગુંડુરાવથી પાર્ટીના ઘણા સિનિયર નેતા ચૂંટણી પહેલાંથી નારાજ હતા. આ કારણથી પી. ચિદમ્બરમને કોંગ્રેસના ઓબ્ઝર્વર બનાવીને મોકલ્યા હતા.

3. નવા અધ્યક્ષે જૂથવાદ કર્યો તો કોઈ પગલાં ના લેવાયાં- નવા અધ્યક્ષ અમિત પાટકર મુદ્દે પણ પાર્ટીમાં જૂથવાદનો વિવાદ વધી ગયો હતો, જેની અસર રાષ્ટ્રપતિ ચૂંટણી પર પણ જોવા મળી હતી. એ સમયે પાર્ટીના અંદાજે 4 ધારાસભ્યે ક્રોસ વોટિંગ કર્યું હતું. પાર્ટીએ ત્યારે પણ ડેમેજ કંટ્રોલનાં પગલાં નહોતાં લીધાં.

કામત અને લોબો પર કરી હતી કોંગ્રેસે કાર્યવાહી
આ વર્ષે જુલાઈમાં કોંગ્રેસે પાર્ટી વિરોધી કાવતરામાં સામેલ થવાનો આરોપ લગાવીને દિગંબર કામત અને માઈકલ લોબો પર કાર્યવાહી કરાઈ હતી. એ સમયે કોંગ્રેસે તેમના ધારાસભ્યો બચાવવા માચે 5 ધારાસભ્યોને ચેન્નઈ શિફ્ટ કર્યા હતા.

2019માં કોંગ્રેસના 15માંથી 10 ધારાસભ્યો ભાજપમાં ગયા હતા
આ પહેલાં 2019માં કોંગ્રેસના 15માંથી 10 ધારાસભ્ય BJPમાં સામેલ થયા હતા. એમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત કાવલેકર પણ સામેલ હતા. ગોવાના CM પ્રમોદ સાંવતે કોંગ્રેસના દરેક બળવાખોર ધારાસભ્યોને BJPમાં સામેલ કરાવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post