• Home
  • News
  • એકનાથ શિંદેનું માત્ર 25% કામ જ પૂર્ણ થયું:શિવસેનાનું પ્રતીક કબજે કરવા માટે 3 મોટા પડકારો બાકી, જાણો ચૂંટણી પંચ કેવી રીતે નક્કી કરશે
post

શિવસેનાના અન્ય ત્રણ ધારાસભ્યો શિંદે કેમ્પમાં સામેલ થવા માટે ગુવાહાટી પહોંચી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-25 13:38:36

મુંબઈ: એકનાથ શિંદેએ ડેપ્યુટી સ્પીકર અને રાજ્યપાલને પત્ર મોકલ્યો છે. જેમાં શિવસેનાના 37 ધારાસભ્યોના સમર્થન સાથે પોતાને ધારાસભ્ય દળના નેતા જણાવ્યા છે. શિવસેનાના અન્ય ત્રણ ધારાસભ્યો શિંદે કેમ્પમાં સામેલ થવા માટે ગુવાહાટી પહોંચી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે શિંદે જુથ હવે શિવસેનાના પાર્ટીના નિશાન 'તીર અને કમાન' પર નજર રાખી રહ્યું છે. હાલમાં, શિંદેનું માત્ર 25% કામ જ પૂર્ણ થયું છે.

8 સવાલોના જવાબથી જાણો, શિવસેનાનું સિમ્બોલ કબજે કરવા હવે શિંદે જુથને શું-શું કરવું પડશે?

સવાલ-1: પાર્ટીના નિશાન પર દાવો કરવા માટે કોની પાસે જવું પડશે?

રાજકીય પક્ષોમાં વિભાજનની બે સ્થિતિ છે. પ્રથમ- જ્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોય. આ પરિસ્થિતિમાં નિર્ણય લેવાની સત્તા વિધાનસભાના અધ્યક્ષ પાસે હોય છે. આ કિસ્સામાં પક્ષપલટા વિરોધી કાયદો પણ લાગુ પડે છે.

બીજું- જ્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું નથી. મહારાષ્ટ્રમાં અત્યારે જે સ્થિતિ છે. બીજા કિસ્સામાં જો કોઈ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય કે રાજ્ય સ્તરના પક્ષમાં વિભાજન થાય તો ચૂંટણી પંચ નક્કી કરે છે કે અસલી પાર્ટી કોની છે. ચૂંટણી પંચને આ અધિકાર ધ ઈલેક્શન સિંબલ્સ (અનામત અને ફાળવણી) ઓર્ડર, 1968 ના પેરાગ્રાફ 15 માં જણાવ્યો છે.

સવાલ-2: ચૂંટણી પંચ કઈ રીતે નક્કી કરે છે કે કોને પાર્ટીનું નિશાન આપવું જોઈએ?

કોઈપણ પાર્ટીમાં વિવાદનો મામલો ચૂંટણી પંચ સુધી પહોંચે તે પછી તેના વર્ટિકલ ડિવિઝનની તપાસ કરવામાં આવે છે. તેમાં ધારાસભા અને સંગઠન બંને જોવામાં આવે છે. આ સિવાય ચૂંટણી પંચ વિભાજન પહેલા પાર્ટીની ટોચની સમિતિઓ અને નિર્ણય લેનારી કમિટીની યાદી કાઢે છે. આના પરથી તે જાણવાનો પ્રયાસ કરે છે કે આમાંથી કેટલા સભ્યો કે અધિકારીઓ કયા જૂથના છે. આ સિવાય કયા જૂથના કેટલા સાંસદ અને ધારાસભ્યો છે.

મોટાભાગના કિસ્સાઓમાં, પંચે પાર્ટીના પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના સમર્થનના આધારે નિશાન આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ જો કોઈ કારણોસર તે સંસ્થાની અંદરના સમર્થનને યોગ્ય રીતે ન્યાયી ઠેરવવામાં સક્ષમ ન હોય, તો કમિશન સંપૂર્ણપણે પાર્ટીના સાંસદો અને ધારાસભ્યોની બહુમતીના આધારે નિર્ણય લે છે.

સવાલ-3: પાર્ટીના નિશાન પર એકનાથ શિંદેનો દાવો કેટલો મજબૂત છે?

એકનાથ શિંદેને હાલમાં શિવસેનાના 40 ધારાસભ્યોનું સમર્થન છે. આ સિવાય કેટલાક સાંસદોએ પણ શિંદેને સમર્થન જાહેર કર્યાનાં સમાચાર છે. થાણે જિલ્લાના લગભગ 40 કોર્પોરેટરો પણ શિંદેની સાથે હોવાનું કહેવાય છે. આમ છતાં હજુ સુધી માત્ર 25% જ કામ જ પૂર્ણ થયું છે.

સવાલ-4: એકનાથ શિંદેને પાર્ટીનું નિશાન મેળવવા માટે હવે શું-શું કરવું પડશે?

શિવસેનાનું પાર્ટી ચિન્હ મેળવવા માટે શિંદેને પાર્ટીના નેતા, ઉપનેતા, સચિવ, પ્રવક્તા, લોકસભાનાં સાંસદ, રાજ્યસભા સાંસદ, MLC, મેયર અને ડેપ્યુટી મેયરનું સમર્થન મેળવવું પડશે. આ ઉપરાંત સંગઠનમાં યુવા સેના, મહિલા આઘાડી, ભારતીય કામદાર સેના જેવા પક્ષના મોરચાના સમર્થનની પણ જરૂર રહેશે. શિંદેને પક્ષનું પ્રતીક મેળવવા માટે આ સમર્થન50 ટકાથી વધુ લોકોનું હોવું જોઈએ. હાલમાં, સંગઠન અને વિધાનસભામાં તેમની સંખ્યા નીચેના ગ્રાફિક્સમાં જોઈ શકાય છે.

સવાલ-5: જો ઉદ્ધવ અને શિંદે બંને જુથ બહુમતી સાબિત કરવામાં અસમર્થ રહેશે, તો શું થશે?

જો ચૂંટણી પંચને લાગે છે કે કોઈપણ પક્ષ પાસે બહુમતી નથી. એટલે કે બંને જૂથોમાં ધારાસભ્યો અને સાંસદોનો સમાન સમર્થન છે અથવા બહુમતી સ્પષ્ટ ન હોય તો આવી સ્થિતિમાં ચૂંટણી પંચ પાર્ટીના સિમ્બોલને ફ્રીઝ કરી શકે છે. આ સાથે બંને જૂથોને નવા નામો સાથે નોંધણી કરાવવા અથવા પાર્ટીના હાલના નામોમાં ઉમેરવાની મંજૂરી આપી શકે છે.

સવાલ-6: ચૂંટણી પંચમાં આ મામલો ગયા પછી પાર્ટીના નિશાન અંગે કેટલા દિવસમાં નિર્ણય આવી શકે?

ચૂંટણી પંચ આવા કેસમાં રજૂ કરાયેલા તથ્યો, દસ્તાવેજો અને સંજોગોનો અભ્યાસ કરવા માટે સમય લઈ શકે છે. ચૂંટણી પંચ તરફથી નિર્ણય માટે કોઈ સમય મર્યાદા નથી. જો કે, ચૂંટણીની સ્થિતિમાં ચૂંટણી પંચ પાર્ટીના સિમ્બોલને ફ્રીઝ કરી શકે છે. બધા સાથે બંને પક્ષોને અલગ-અલગ નામ અને હંગામી નિશાન હેઠળ ચૂંટણી લડવાની સલાહ આપી શકે છે.

સવાલ-7: જો ભવિષ્યમાં શિંદે અને ઉદ્ધવ વચ્ચે સમાધાન થાય તો પાર્ટીના નિશાનની અપીલનું શું થશે?

જો બંને જૂથો વચ્ચે સમાધાન થાય તો તેઓ ફરીથી ચૂંટણી પંચનો સંપર્ક કરી શકે છે. સાથે જ એક પાર્ટી તરીકે પણ ઓળખની માંગ કરી શકે છે. આયોગ પાસે જૂથોના વિલીનીકરણને એક પક્ષ તરીકે માન્યતા આપવાની સત્તા પણ છે. એટલે કે, ફરીથી પાર્ટી પોતાના નિશાન અને નામનો ઉપયોગ કરી શકે છે.

સવાલ-8: શું અગાઉ કોઈ અન્ય બળવાખોરે કોઈ પક્ષના નિશાનનો દાવો કર્યો છે?

હા, આ પહેલા પણ ઘણી વખત પાર્ટી સિમ્બોલને લઈને વિવાદ થયો છે. અહીં અમે ત્રણ તાજેતરના ઉદાહરણો જણાવી રહ્યા છીએ...

1. લોક જન શક્તિ પાર્ટીઃ ચિરાગ અને પશુપતિની ખેંચતાણ

કુશેશ્વર અસ્થાન અને તારાપુર વિધાનસભામાં 30 ઓક્ટોબરે યોજાનારી પેટાચૂંટણી માટે પંચે ચિરાગ જૂથને હેલિકોપ્ટર નિશાન સાથે LJP (રામ વિલાસ) નામનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. તેમજ પારસ જુથનું નામ LJP અને સિલાઈ મશીન છે નિશાન તરીકે આપવામાં આવ્યુ હતું.

2. AIADMK: શશિકલા અને પલાનીસ્વામી વચ્ચેનો વિવાદ

જ્યારે ઓ પનીરસેલ્વમ અને વીકે શશિકલાએ AIADMKના પ્રતીક બે પાંદડા પર દાવો કર્યો હતો, ત્યારે ચૂંટણી પંચે માર્ચ 2017માં તેને ફ્રીજ કરી દીધું હતું. જો કે, બાદમાં CM ઇ પલાનીસ્વામી જુથે શશિકલા સામે બળવો કર્યો હતો અને પનીરસેલ્વમ સાથે જોડાઈ ગયા હતા.

ત્યારબાદ, પલાનીસ્વામી-પન્નીરસેલ્વમ જૂથે સંગઠન અને વિધાનસભામાં બહુમતી મેળવી હતી. નવેમ્બર 2017માં તેને પાર્ટીનું નિશાન બે પાંદડાનું મળી ગયું હતું. જો જોવામાં આવે તો આ સમયે શિવસેનામાં પણ આવો જ કિસ્સો જોવા મળી રહ્યો છે.

3. સમાજવાદી પાર્ટીઃ અખિલેશ અને મુલાયમ સિંહ વચ્ચેનો વિવાદ

આ પછી મુલાયમે ચૂંટણી પંચને કહ્યું કે તેઓ હજુ પણ પાર્ટીના અધ્યક્ષ છે અને પાર્ટીનું નિશાન તેમને આપવામાં આવે. આ બાબતે અખિલેશ જુથે તેમની સામે વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે અખિલેશે પક્ષના પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખો વતી આયોગમાં સોગંદનામું આપીને તેમણે પાર્ટીમાં બહુમતી સાબિત કરી હતી.

આ પછી પંચે બંને જૂથોને સાંભળ્યા અને લગભગ 5 કલાક સુધી ચાલેલી સુનાવણી દરમિયાન અખિલેશ કેમ્પે સાંસદો, ધારાસભ્યો, ધારાસભ્યોને કાઉન્સિલના સભ્યો અને પદાધિકારીઓએ બહુમતી હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ મુલાયમ જૂથે કહ્યું કે પાર્ટીમાં કોઈ વિવાદ નથી. જાન્યુઆરી 2017માં ચૂંટણી પંચે અખિલેશ જુથને સપાનું સિમ્બોલ સાઇકલ આપી દીધુ હતુ.

 

adv

Related News

post
post
post
post
post
post
post