• Home
  • News
  • મધુ શ્રીવાસ્તવને જ ટિકિટ ન મળી, બાકી બધા દબંગ ફાવી ગયા, ભૂપેન્દ્ર પટેલના 5 મંત્રીને પણ પડતા મુકાયા
post

ભુજમાં હાલનાં ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યની ટિકિટ કપાઈ છે. તેઓ અત્યારે ગુજરાત વિધાનસભાનાં પ્રથમ મહિલા સ્પીકર છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-10 17:38:04

ભાજપ દ્વારા વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની 160 જેટલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાંથી 2017માં જેમને ટિકિટ આપવામાં આવી હતી તેવા 85ની ટિકિટ કાપી નાખવામાં આવી છે, જ્યારે 75 ધારાસભ્યને રિપીટ કરવામાં આવ્યા છે. ગુજરાતના ભાજપના દબંગો પૈકી માત્ર મધુ શ્રીવાત્સવને ટિકિટ આપવામાં આવી નથી, જ્યારે બાકીના અન્ય દબંગોને ટિકિટ ફાળવવામાં આવી છે. આ સાથે જ ભૂપેન્દ્ર પટેલની સરકારના 5 મંત્રીને પણ પડતા મૂકવામાં આવ્યા છે.

દબંગ મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, જેમાં બીજા તબક્કામાં વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં 5મી ડિસેમ્બર 2022ના રોજ મતદાન યોજાવાનું છે. આ પહેલાં વડોદરાની વાઘોડિયા બેઠક પર દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી નાખવામાં આવી છે. ગત રોજ જ મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે મારી પત્નીને હું ચૂંટણી લડાવવા ઇચ્છું છું, મારી જરાક ઓછી ઇચ્છા છે. મારી પત્નીને ટિકિટ આપવાના છે. રૂપાલા આવીને ગયા, તેમણે મળવા માટે મને બોલાવ્યો પણ નથી અને હું ગયો પણ નથી. હું ભાજપનો સેવક છું અને રહેવાનો છું. જોકે ત્યાર બાદ નિવેદન ફેરવી તોળ્યું હતું છતાં મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ છે.

આ દબંગોને ટિકિટ મળી
ગુજરાત ભાજપના દબંગ ધારાસભ્યોમાંથી માત્ર મધુ શ્રીવાસ્તવની ટિકિક કપાઈ છે, જ્યારે બાબુ બોખીરિયા, પુરુષોત્તમ સોલંકી, હીરા સોલંકી, કાંતિ અમૃતિયા સહિતાના દબંગોને ભાજપે રિપીટ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીની પેટર્ન રહી છે કે ઉમેદવારોનાં ફોર્મ ભરવાનાં હોય એના ચાર કે પાંચ દિવસ પહેલાં જ ઉમેદવારો જાહેર કરે છે. એનું કારણ એ છે કે ભાજપના જે ઉમેદવારો જાહેર થાય એને કારણે ભાજપમાં જ અસંતોષની આગ વધુ ન ફેલાય અને પક્ષને નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન રખાય છે. ખાસ તો કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારોને જો ટિકિટ અપાય છે તો પક્ષના જ આગેવાનો અને કાર્યકરોમાં કચવાટ ફેલાય છે. આ ભાજપને નુકસાન કરી શકે છે.

મધુ શ્રીવાત્સવનો પુત્રને રાજકારણમાં લાવવાનો પ્રયાસ
વિવાદાસ્પદ નિવેદનો કરવા અને ધમકીની ભાષા વાપરવા માટે જાણીતા વડોદરાની વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ છે. તેઓ પોતાના પુત્ર દીપકને રાજકારણમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ આ વાત પર હાલપૂરતું પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. ભાજપે તાજેતરમાં જ સ્પષ્ટતા કરી હતી કે વર્તમાન ધારાસભ્યો કે સાંસદોનાં સગાંને ટિકિટ નહીં મળે. મધુ શ્રીવાસ્તવ એક દબંગ નેતાની છાપ ધરાવે છે અને ઘણી વખત તેમના કારણે પક્ષને શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું છે. તેઓ વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી છ વખતથી ચુંટાયા છે.

વાસણભાઈ આહીરની ટિકિટ પણ કપાઈ
ભુજમાં હાલનાં ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યની ટિકિટ કપાઈ છે. તેઓ અત્યારે ગુજરાત વિધાનસભાનાં પ્રથમ મહિલા સ્પીકર છે. એવી જ રીતે અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહીરની ટિકિટ પણ કપાઈ છે. તાજેતરનાં વર્ષોમાં વાસણભાઈની કેટલીક ઓડિયો-ક્લિપ ફરતી થઈ હતી, જેમાં તેઓ એક મહિલા સાથે જે રીતે વાત કરે છે એને કારણે ભાજપે શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post