• Home
  • News
  • વિધાનસભામાંથી વિપક્ષનો વોકઆઉટ:વિના વિરોધે ઇમ્પેક્ટ ફી બિલ મંજૂર, કોંગ્રેસનો રાજ્યપાલના પ્રવચન મુદ્દે ચર્ચા કરવાની તક ન મળતાં હોબાળો
post

ચૈતર વસાવાએ પ્રશ્નોનો મારો ચલાવી ઘેરવા પ્રયાસ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-20 19:11:38

ગાંધીનગર: વિધાનસભાના એક દિવસના સત્રમાં રાજ્યપાલના પ્રવચન બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યને રાજ્યપાલના પ્રવચન પર બોલવા માટે તક ન આપતા કોંગ્રેસના ધારાસભ્યએ હોબાળો કર્યો હતો. જો કે, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કોંગ્રેસના ધારાસભ્યને વોક આઉટ કરતાં પહેલા રોક્યા હતા. ઇમ્પેક્ટ ફી બિલ વિના વિરોધે આજે મંજૂર થઈ ગયું છે.

અધ્યક્ષે કોંગ્રેસ સભ્યોને બોલવા માટે સમય આપ્યો હતો- મંત્રી પ્રફુલ પાનસેરિયા
કોંગ્રેસના વોક આઉટ પર સત્તા પક્ષ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ પાનશેરિયાએ મીડિયા સમક્ષ કોંગ્રેસના સભ્યોના વોક આઉટ બાબતે ખુલાસો કર્યો હતો. મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું હતું કે, એક દિવસના સત્રમાં રાજ્યપાલના પ્રવચન પર અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવી રહ્યો હતો. આજે ગૃહમાં કોઈ નીતિ વિષયક નિર્ણય લેવામાં આવ્યો નથી. 29ડિસેમ્બર 2002માં પણ એક દિવસીય સત્ર બોલવામાં આવ્યું હોવાનું કહી વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યપાલના પ્રવચન પર પ્રસ્તાવ પર બોલવા માટે અધ્યક્ષે પોતાના પાવરને આધારે કોંગ્રેસના સભ્યોને બોલવા માટે સમય ફાળવવાની વાત કરી હતી. કોંગ્રેસે અધ્યક્ષનો નિર્ણય સ્વીકાર્યો નહીં અને ગૃહમાંથી વોક આઉટ કર્યું. જો કે, રાજ્યપાલના પ્રવચનની બુક તમામ સભ્યને આપવામાં આવી હતી. કોંગ્રેસના સભ્યોને કોઈ બાબતથી અજાણ રાખવામાં આવ્યા નથી.

તમારા વિપક્ષ નેતા નક્કી થયા નથી- અધ્યક્ષ
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કોંગ્રેસના ધારાસભ્યને સમજાવતા કહ્યું હતું કે, કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી ન હતી. આ ઉપરાંત કોંગ્રેસ તરફથી બોલવા માટે કોઈના નામ અધ્યક્ષને મળ્યા નથી. તેમ છતાં રાજ્યપાલના પ્રવચન પર બોલવા માટે કોંગ્રેસ ધારાસભ્યને યોગ્ય સમય આપવામાં આવશે તેની ખાતરી આપવામાં આવે છે. શંકર ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે, હજી તમારા વિપક્ષ નેતા નક્કી થયા નથી. જેથી કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી નથી. પરંતુ વિધાનસભાના નિયમો પ્રમાણે અધ્યક્ષ તરીકે વિપક્ષના સભ્યને બોલવાની તક આપવામાં આવશે.

કામકાજ સલાહકાર સમિતિની બેઠક માટે કહેવાયું નહીં- વિપક્ષ
અધ્યક્ષની ખાતરી છતાં કોંગ્રેસના તમામ ધારાસભ્યએ ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું. કોંગ્રેસના સભ્ય શૈલેષ પરમારનું કહેવું હતું કે, કામકાજ સલાહકાર સમિતિની બેઠક માટે અમને કોઈ તરફથી કહેવામાં આવ્યું નથી. સત્તા પક્ષના દંડકની વરણી છતાં દંડક તરફથી અમારી પાસે નામ માંગવામાં આવ્યા નથી. જો ગૃહમાં અપક્ષ સભ્યોને બોલવાની તક ન મળે તો ગૃહની કામગીરીમાં ભાગ લેવો વ્યર્થ છે.

ચૈતર વસાવાએ પ્રશ્નોનો મારો ચલાવી ઘેરવા પ્રયાસ કર્યો
જ્યારે પહેલીવાર વિધાનસભા પહોંચેલા આપના ધારાસભ્યએ ધૂંઆધાર પ્રશ્નોના મારા ચલાવીને સરકારને ઘેરવા પ્રયાસ કર્યો હતો. ડેડિયાપાડાથી આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ લગાવ્યો હતો કે, સૌનો સાથ, સૌના વિકાસની વાત ગળે ઊતરતી નથી. મારા વિસ્તારમાં 305 ગામમાં એક પણ આધુનિક એક્સ રે મશીન અપાયું નથી. ડિલીવરી માટે વડોદરા કે ભરૂચ જવું પડે છે. બેટી બચાવો, બેટી પઢાઓની શરૂઆત તો થઈ પણ 29 શાળામાં એક જ શિક્ષક છે. નલ સે જળ યોજના હેઠળ નળ આવ્યા પણ પાણી નથી આવતું. સૌથી વધારે પીવાના પાણી માટે ઝઘડા થાય છે. નર્મદા ડેમની બાજુમાં આવેલા ગામોમાં પીવાના પાણીના ફાંફા છે.

adv

Related News

post
post
post
post
post
post
post