• Home
  • News
  • પદ્મશ્રી ડો. H L ત્રિવેદીના પાર્થિવ દેહને કિડની હોસ્પિટલમાં દર્શનાર્થે રખાયો
post

ભારતમાં કિડની સારવાર તથા ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રના ભીષ્મ પિતામહ અને દુનિયાની સૌથી મોટી કિડની હોસ્પિટલ શરૂ કરનારા ડો. એચ. એલ. ત્રિવેદીનું બુધવારે બપોરે 2.35 વાગ્યે અમદાવાદની કિડની હોસ્પિટલમાં જ નિધન થયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-03 11:31:05

અમદાવાદ: ભારતમાં કિડની સારવાર તથા ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રના ભીષ્મ પિતામહ અને દુનિયાની સૌથી મોટી કિડની હોસ્પિટલ શરૂ કરનારા ડો. એચ. એલ. ત્રિવેદીનું બુધવારે બપોરે 2.35 વાગ્યે અમદાવાદની કિડની હોસ્પિટલમાં જ નિધન થયું હતું. આજે ગુરુવારે તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે ઇન્સ્ટિટ્યૂટમાં સવારે 8 રાખવામાં આવ્યો હતો. લોકો 11 વાગ્યા સુધી દર્શન કરી શકશે.ત્યારબાદ બપોરે 12 વાગ્યે તેમની અંતિમયાત્રા કિડની હોસ્પિટલથી નિકળી દુધેશ્વર સ્મશાનગૃહ જશે.

તેઓ અઢી વર્ષથી પાર્કિન્સનથી ગ્રસ્ત હતા તેમ જ દોઢ મહિના પહેલાં શ્વાસોશ્વાસમાં તકલીફ થતાં વેન્ટિલેટર પર રખાયા હતા. ડો. એચ. એલ. ત્રિવેદી નેફ્રોલોજિસ્ટ હતા, 40 વર્ષના સમયગાળા દરમિયાન તેમના માર્ગદર્શન હેઠળ 5 હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કરી અમેરિકામાં નેફ્રોલોજિસ્ટ બન્યા પછી કેનેડા ગયા હતા. અઢળક કમાણી છોડી વતન પાછા ફરી 1981માં કિડની હોસ્પિટલ સ્થાપી હતી. 2015માં ડો. ત્રિવેદીને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. કિડની હોસ્પિટલમાં અત્યાર સુધી 5618 કિડની ટ્રાન્સપ્લાન્ટેશન, 318 લિવર ટ્રાન્સપ્લાન્ટેશન, 453 રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યા છે.

તેમણે રાજકોટની ધરમસિંહજી કોલેજ ખાતે જૂન 1951-53 દરમિયાન ફેકલ્ટી ઓફ સાયન્સ (પ્રી મેડિકલ)માં અભ્યાસ કર્યો હતો. ઉપરાંત 1953-1963માં એચ એલ ત્રિવેદીએ અમદાવાદ બી જે મેડિકલ કોલેજમાં એમબીબીએસની ડિગ્રી મેળવી હતી.

વિશ્વભરમાં તબીબી ક્ષેત્રે માનવ કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે જાણીતા બનેલા ડો. ત્રિવેદીનું આખુ નામ ડો. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી હતું. તેઓ સુરેન્દ્રનગરના ચરાડવા ગામના વતની હતાં. શરૂઆતમાં તેમણે બી.જે મેડિકલ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી, ત્યારબાદ તેઓ કેનેડા જઇને વસી ગયા હતા. પરંતુ પોતાના વતનની યાદ તેમને ફરી એકવાર ભારત લઇ આવી. તેમણે અમદાવાદમાં આવી સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલની શરૂઆત કરી હતી.

કિડની હૉસ્પિટલમાં વર્ષે અંદાજે 400 ટ્રાન્સપ્લાન્ટ થાય છે. તેમણે સ્વીડનના નોબેલ એસેમ્બલી ચેરમેન અને લિવર ટ્રાન્સપ્લાન્ટેશન સર્જન પ્રોફેસર કાર્લ ગ્રોથની મદદથી લિવર ટ્રાન્સપ્લાન્ટેશન પ્રોગ્રામ શરૂ કર્યો હતો. દર્દીઓને ઇમ્યુનોસપ્રેશન ન થાય તે રિસર્ચ પણ કર્યું હતું. તેમણે દરેક જિલ્લામાં ડાયાલિસીસ સેન્ટર શરૂ કરાવ્યાં હતાં.

બિન લાદેને તેની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા ડો.ત્રિવેદીનો સંપર્ક કરીને કરોડો રૂપિયાની ઓફર કરી હતી. 2007માં બે-ત્રણ જણ તેમને મળવા આવ્યા હતા. તેમને પાકિસ્તાનમાં એક મેડિકલ કોન્ફરન્સના બહાને લઈ જઈ ઓસામાની કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરવા ઓફર કરી હતી. આ લોકોએ કહ્યું હતું કે, અલ કાયદાના વડા ઇચ્છે છે કે, તેની કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ત્રિવેદી સાહેબ જ કરે. ડૉ. ત્રિવેદીએ જવાબમાં કહ્યું હતું કે, ઓપરેશન કરવામાં વાંધો નથી, પણ આ માટે તેમની બે શરત છે. પહેલી એ કે કિડની ઓપરેશન કરાવવા લાદેને અમદાવાદ આઈકેડીસીમાં દાખલ થવું પડશે અને બીજી શરત એ કે ભારત સાથે શત્રુતાપૂર્ણ વ્યવહાર બંધ કરવાનું વચન આપે.

હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદીનું નામ પડે અને કિડનીના રોગોથી પીડાતા દર્દીઓને જાણે હાશકારો થાય. માત્ર ગુજરાત જ નહીં પણ બીજા રાજ્યામાં પણ ત્રિવેદી સાહેબના નામનો ડંકો વાગે. ધાર્યું હોત તો વિદેશમાં રહી કરોડો-અબજોમાં આળોટતા હોત પણ વતનના સાદે બધું જ ત્યજી આવી ગયા. તેમણે સ્ટેમ સેલ થેરાપીનો ઉપયોગ કરીને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટેના અમદાવાદ પ્રોટોકોલને ડેવલપ કરવા જીવન સમર્પિત કરી દીધું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post