• Home
  • News
  • ટ્રમ્પના રવાના થતાં જ પોલીસ એક્શનમાં, તોફાનીઓને દેખતાં જ ગોળી મારવાનો આદેશ, હિંસાથી 13ના મોત
post

ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સોમવારે સતત બીજા દિવસે હિંસા થઈ, જેમાં હેડ કોન્સ્ટેબલ સહિત પાંચ લોકોના મોત થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-26 08:25:45

નવી દિલ્હી: ઉતર-પૂર્વ દિલ્હીમાં હિંસા પ્રભાવિત વિસ્તારોમાં નાગરિક્તા સંશોધન કાયદો(CAA)ના મુદ્દા પર અહીં સતત ત્રીજા દિવસે બે જુથોની વચ્ચે હિંસા ચાલુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતથી અમેરિકા જવા રવાના થતાં જ દિલ્હી પોલીસ દ્વારા તોફાનીઓ પર શૂટ એટ સાઇટના ઓર્ડર આપવામાં આવ્યા છે. પોલીસે મોડી સાંજે જણાવ્યું હતું કે જાફરાબાદનો રસ્તો ક્લિયર કરવામાં આવ્યો છે. તોફાનીઓએ મંગળવારે મૌજપુર, ભજનપુરા, બ્રહ્મપુરી અને ગોકલપુરી વિસ્તારમાં પથ્થર મારો કર્યો હતો. મૌજપુર મેટ્રો સ્ટેશનની પાસે બે જુથો વચ્ચે થયેલી મારામારી દરમિયાન ફાયરિંગ થયું હતું. જ્યારે જાફરાબાદમાં પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. બાદમાં કરાવલ નગર રોડ સ્થિત ચાંદબાગમાં સ્થિતિ ત્યારે બગડી જ્યારે હિંસક તત્વોએ પથ્થરમારો કરવાની શરૂઆત કરી. લગભગ 4 કલાક સુધી આ પથ્થરમારો થતો રહ્યો હતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત પથ્થરમારો કરનારાઓને રોકવા માટે માત્ર 20 પોલીસ કર્મચારીઓ જ હાજર હતા. બાદમાં ઘટનાસ્થળે પોલીસની ટુકડી પહોંચી હતી. આ દરમિયાન કાઉન્સિલર તાહિર હસનની ઓફિસમાં તોફાની તત્વોએ આગ ચાંપી હતી. તેમની ઓફિસ પર પેટ્રોલ બોમ્બથી હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ જ ઓફિસની ચાર માળની ઈમારતની છત પર ચઢીને ઘણા લોકો પથ્થરમારો કરી રહ્યાં હતા. પોલીસની ટીમે બે જુથો સાથે વાતચીતની કોશિશ કરી હતી. લગભગ 10 મિનિટ માટે બંને પક્ષ શાંત પણ થઈ ગયા અને પથ્થરમારો રોકાઈ ગયો, જોકે બાદમાં ફરીથી પથ્થરમારો આંગ લગાડવાના બનાવો શરૂ થઈ ગયા. અહીં ઘણી દુકાનોમાં આગ લગાવી દેવામાં આવી હતી.

પ્રાઇવેટ ટીવી ચેનલને એડવાઇઝરી જાહેર કરવામાં આવી

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ખાનગી ચેનલોને એક એડવાઇઝરી જાહેર કરીને ધાર્મિક લાગણી દૂભાય તે પ્રકારના દ્રષ્યો તેમજ ખોટી માહિતી ન ફેલાય તે અંગે સાવચેતી રાખવા જણાવ્યું હતું.

 

સાંજે 6.30 વાગ્યે એક પક્ષના તોફાની તત્વોને ભગાડવા માટે પોલીસે પેપર શેલ અને ટિયર ગેસના સેલ છોડ્યા હતા. ત્યારબાદ સામેના પક્ષે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ચાંદબાગમાં 4 કલાક બાદ પથ્થમારો બંધ થયો હતો. SSB, RAF અને દિલ્હી પોલીસની કમ્બાઇન યુનિટ સ્થળે પહોંચી ત્યારબાદ બન્ને પક્ષ પાછળ હટી ગયા હતા. સ્પેશ્યલ પોલીસ કમિશ્નર સતીશ ગોલચાએ ઘટનાસ્થળનું નિરિક્ષણ કર્યું હતું. અત્યારે પણ આ વિસ્તારમાં વાતવારણ તંગ છે.
રતન લાલને ગોળી વાગી હતી, મરનારાઓની સંખ્યા વધીને 13 થઇ
જાફરાબાદ અને મૌજપુર વિસ્તારમાં સોમવારે હિંસક અથડામણ બાદ મૃતકોની સંખ્યા વધીને 13 થઇ ગઇ છે. સોમવારે 5 અને મંગળવારે 8 લોકોનું મૃત્યુ થયું હતું. 150 લોકો ઘાયલ છે. હેડ કોન્સ્ટેબલ રતન લાલનું સોમવારે મૃત્યુ થયું હતું. પહેલા એવા રિપોર્ટ હતા કે તેમનું મૃત્યુ માથા પર પથ્થર લાગવાથી થયું છે પરંતુ મંગળવારે ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો થયો કે રતનલાલને ખભા પર ગોળી વાગી હતી અને તેના લીધે તેમનું મૃત્યુ થયું હતું. તાવ હોવા છતાં તેઓ ડ્યૂટી કરી રહ્યા હતા. રતનલાલ મૂળ રાજસ્થાનના સીકરના રહેવાસી હતા. મરનારા બાકીના લોકોના નામ શાહિદ, મોહમ્મદ ફુરકાન, રાહુલ સોલંકી, નજીમ અને વિનોદ છે. બાકીના લોકોની ઓળખ થઇ શકી નથી. 42 વર્ષના વિનોદનું તેના પુત્ર મોનુ સામે પથ્થર લાગવાથી મૃત્યુ થયું હતું જ્યારે મોનુ ઘાયલ છે.

દિલ્હીના ચાર વિસ્તારમાં કર્ફ્યૂ
દિલ્હીના પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકે કહ્યું- ઉત્તર પૂર્વી દિલ્હીનમાં 4 સ્થળો...મોજપુર અને જાફરાબાદ, ચાંદબાગ અને કરાવલનગરમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. હિંસાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કલમ 144 લગાવવામાં આવી છે. તેમણે કહ્યું કે હિંસામાં સામેલ લોકોને છોડવામાં નહીં આવે. તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે હિંસા કાબૂ કરવામાં પોલીસ ફોર્સની અછતથી ઇનકાર કર્યો અને કહ્યું કે જરૂરિયાત પ્રમાણે ફોર્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. બીજી તરફ દિલ્હી-ગાઝિયાબાદ વચ્ચેની અપ્સરા બોર્ડરને પોલીસે સીલ કરી દીધી છે. આ રૂટના ટ્રાફિકને સૂર્યાનગર તરફ ડાયવર્ટ કરવામા આવ્યો છે.
વડીલે ભીડ સામે હાથ જોડ્યા ત્યારે ઘરે જઇ શક્યા
ભજનપુરા અને યમુનાવિહારના લોકોએ પરિસ્થિતિ વિશે વાત કરી. એક વડીલે ન્યૂઝ એજન્સીને કહ્યું- હું ગંગારામ હોસ્પિટલથી પરત આવતો હતો. મારો પૌત્ર ત્યાં દાખલ છે. સોમવારે રાતે ઘરે પહોંચવું ખૂબ મુશ્કેલ હતું. રસ્તામાં મને અમુક લોકો ઉભેલા દેખાયા. મેં તેમને બે હાથ જોડીને જવા માટે કહ્યું હતું. ભજનપુરાના સ્થાનિકોનું કહેવું છે કે પોલીસ માત્ર મેન રોડ પર હતી. અંદરની ગલીઓમાં સુરક્ષાની કોઇ વ્યવસ્થા ન હતી. પોલીસની ઉપસ્થિતિમાં ભીડ ઉગ્ર બનીને બજારમાં ગઇ અને પોલીસે કંઇ કર્યું ન હતું. લગભગ 200 તોફાની તત્વોએ ઘરોમાં તોડફોડ કરી પરંતુ પોલીસ મદદે આવી નહીં.

RAFની ફ્લેગમાર્ચ, 5 મેટ્રો સ્ટેશન બંધ
તોફાનીઓએ મંગળવારે સવારે મોજપુર મેટ્રો સ્ટેશન પાસે અને બ્રહ્મપુરી વિસ્તારમાં ફરી પથ્થરમારો કર્યો હતો. તેમાં ફાયરબ્રિગેડની એક ગાડીને આગ ચાંપી દીધી હતી. ગોકલપુરીમાં પણ ફાયરબ્રિગેડની બે ગાડી સહિત ઘણા વાહનોમાં આગ લગાવી દેવામાં આવી હતી. હંસામાં ત્રણ મીડિયાકર્મી પણ ઘાયલ થયા હતા. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં અર્ધસૈનિક દળોની 35 કંપની તૈનાત કરવામાં આવી છે. બ્રહ્મપુરી વિસ્તારમાં મંગળવારે પથ્થરમારા બાદ RAFના જવાનોએ ફ્લેગમાર્ચ કર્યું હતું.

દિલ્હી પોલીસમાં જવાન ઓછા તેથી હિંસા ભડકતી રહી
ગૃહમંત્રાલયમાં થયેલી બેઠકમાં દિલ્હી પોલીસ તરફથી જણાવવામાં આવ્યું હતું કે પૂરતા પોલીસ જવાન ન હોવાના કારણે હિંસા ભડકતી રહી હતી. દિલ્હીમાં અર્ધસૈનિક દળોની 35 કંપની આવી હતી. તેમાંથી 20 કંપનીઓને છેલ્લા ત્રણ દિવસથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં તૈનાત કરવામાં આવી છે. આ સવાલો ઉઠ્યા તો પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકે સ્પષ્ટતા કરી હતી કે આ સમાચાર ખોટા છે. અમારી પાસે પૂરતા જવાનો છે.
રાજઘાટ પર શાંતિ પ્રાર્થના બાદ ઘાયલોને મળવા GTB હોસ્પિટલ પહોંચ્યા કેજરીવાલ

·         દિલ્હીમાં શાંતિ માટે પ્રયાસ કરવા માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા રાજઘાટ પહોંચ્યા હતા. બન્ને નેતાઓએ શાંતિ માટે અહીંયા પ્રાર્થના કરી હતી. રાજઘાટ પર કેજરીવાલ, મનીષ સિસોદીયા સાથે આમ આદમી પાર્ટીના ઘણા નેતા હાજર રહ્યા હતા.

·         અરવિંદ કેજરીવાલ તેમની પાર્ટીના નેતાઓ સાથે રાજઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે શાંતિની પ્રાર્થના કરતા મીડિયાને કહ્યું કે, આખો દેશ દિલ્હીની હિંસા અંગે ચિંતિત છે. તેમણે કહ્યું કે છેલ્લા બે દિવસોની હિંસા અંગે સરકાર ચિંતામાં છે.આ હિંસામાં જાન માલ અને સંપત્તિને નુકસાન થયું છે. જો હિંસા વધશે તો તેની સૌના પર અસર પડશે. અમે સૌ ગાંધીજીની સામે શાંતિ પ્રાર્થના કરવા માટે આવ્યા હતા જે અહિંસાના પૂજારી હતા.

 

4000 ઉપદ્રવિઓનો વીડિયો અને તસવીરોથી ઓળખ કરવામાં આવશેઃપોલીસ
પોલીસની ટીમ ઉપદ્રવીઓની ઓળખ કરવા માટે 30 વાઈરલ વીડિયો અને ફોટાઓને ખંખેરી રહી છે. આવું કરવાથી ચાર હજારથી વધારે હિંસક લોકો વિશે માહિતી મળશે. દિલ્હી પોલીસની સાઈબર સેલે આ વીડિયો અને તસવીરોને કબ્જામાં લીધી છે. પોલીસ આ માટે બાતમી આપતા તંત્રની મદદ પણ લઈ રહી છે. જેમના વિશે ચોક્કસ માહિતી મળ્યા બાદ પોલીસ તેમની ધરપકડ કરશે. CAAના વિરોધ અને સમર્થનમાં ભડકાવેલી હિંસામાં 100થી વધારે લોકોના નામ છે. જેમાં ઘણા નેતાઓના નામ પણ સામેલ હોવાની વાત ચર્ચાઈ છે. પોલીસને શંકા છે કે જે લોકો નકાબમાં જોવા મળી રહ્યા છે, તે આ હિંસક ઘટનાઓનું કાવતરું ઘડનારાઓના મોટા ચહેરા હોઈ શકે છે.

પૂર્વ પોલીસ અધિકારીએ કહ્યું- પહેલાથી જ એક્શન લઈ લીધું હોત તો આ દિવસ ન આવતો
દિલ્હીમાં હિંસાની ઘટના પોલીસની મોટી નિષ્ફળતા છે. પોલીસે યોગ્ય સમયે કોઈ કાર્યવાહી કરી ન હતી, જેનો ભોગ નિર્દોષ પોલીસકર્મીએ ભોગવવો પડ્યો હતો. દિલ્હી પોલીસમાંથી રિટાયર્ડ અધિકારીએ સ્વીકાર્યું કે, શરૂઆતથી જ પોલીસનું વલણ નબળું રહ્યું હતું. એક રિટાયર્ડ પોલીસ અધિકારીએ કહ્યું કે, શાહીનબાગમાં જે દિવસે લોકોએ રસ્તાને બ્લોક કર્યો હતો, ત્યારે તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ હતી. પોલીસે ત્યારે એક્શન લઈ લીધું હોત તો આજે આ દિવસ ન જોવો પડતો.

હિંસા પર ગૃહમંત્રાલયની નજર, પોલીસનો દાવો- સ્થિતિ નિયંત્રણમાં
પૂર્વ દિલ્હીના અલગ અલગ વિસ્તારમાં થયેલી હિંસક ઘટનાઓને ગૃહ મંત્રાલયે એકદમ ગંભીરતાથી લીધું છે. દિવસભર ચાલેલા હોબાળાની પોલીસ પાસેથી સતત માહિતી લેવામાં આવી રહી છે. ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. સીનિયર પોલીસ અધિકાર ઘટનાસ્થળે તહેનાત છે. સાથે જ દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક કંટ્રોલ રૂમમાંથી પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. ત્યાંથી જ તેઓ સીનિયર પોલીસ અધિકારીઓને જરૂરિયાત પ્રમાણે સૂચનો પણ આપી રહ્યા છે.


સોમવારે જાફરાબાદ-મૌજપુરમાં શું થયું?
કારવલ નગર રોડ ખાતે આવેલા શેરપુર ચોક પર સોમવારે સવારે જ મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. એક બાજુ CAAના વિરોધી તો બીજી બાજુ સમર્થકોનો જમાવડો હતો. મોટી સંખ્યામાં પોલીસ પણ તહેનાત હતી. ડીસીપી નોર્થ ઈસ્ટ વેદપ્રકાશ સૂર્યાએ કહ્યું હતું કે, બન્ને પક્ષો સાથે વાત કરી રહ્યા છીએ અને તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, લોકોએ કોઈ વાત ન માની અને સામ સામે આવી ગયા હતા. આનાથી પમ ભયંકર સ્થિતિ મૌજપુરમાં જોવા મળી હતી. લગભગ 50 મીટરના અંતર બન્ને જૂથોના લોકો નારાબાજી કરતા રહ્યા હતા. આ લોકોએ પોલીસની સામે તલવાર લહેરાવી પથ્થરમારો કર્યો હતો. બીજી બાજુથી પણ પથ્થરમારો થયો તો ઘણા ઘરોના કાચ પણ તૂટ્યા હતા. ઘણી દુકાનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આ સ્થિતિ બાબરપુરમાં પણ રહી હતી, ગોકુલપુરી ટાયર બજારમાં પણ આગચંપી થઈ હતી. પોલીસે ટીઅર ગેસના સેલ પણ છોડ્યાં હતા. ઘણા ઉપદ્રવીઓ એવા હતા જે ઓળખ છુપાવવાના ઈરાદાથી મોઢું સંતાડવા રૂમાલ લાવ્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post