• Home
  • News
  • મહારાષ્ટ્રમાં વિદેશથી આવેલા લોકોએ પેરાસિટામોલથી તાવના લક્ષણો દબાવી રાખ્યા, હવે એપથી નજર રખાશે
post

મહારાષ્ટ્રમાં 17,295 લોકો હોમ અને 5,928 સંસ્થાઓના ક્વોરન્ટાઇનમાં, ચેપગ્રસ્તોની કુલ સંખ્યા 193

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-31 10:15:57

મુંબઇ: દેશમાં સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે. અહીં કોરોનાના દર્દીઓની સંખ્યા 193 થઇ ગઇ છે, 7 મોત થયા છે. 323 હોસ્પિટલોમાં છે. રાજ્યમાં 17,295 લોકો હોમ ક્વોરન્ટાઇન અને 5,928 સંસ્થાઓમાં ક્વોરન્ટાઇનમાં છે. આ દરમિયાન વિદેશથી પાછા ફરેલા લોકોની ગંભીર બેદરકારી સામે આવી છે. અમેરિકા, દુબઇ, લંડન, ફ્રાન્સ, જર્મનીથી આવેલા ઘણા લોકોએ તાવના લક્ષણો દબાવી રાખવા પેરાસિટામોલ લીધી અને મુંબઇ એરપોર્ટ પર તાવની તપાસમાંથી બચી ગયા. પૂણેમાં કેટલાક લોકો હોમ ક્વોરન્ટાઇન હેઠળ હોવા છતાં બહાર ફરતા દેખાય છે. તેમને સીધા કરવા પૂણે તંત્રએ ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમઆધારિત એપ બનાવી છે. 1,276 લોકો પર 152 પોલીસ ટીમ નજર રાખી રહી છે. શંકાસ્પદ લોકોને ઘડિયાળની સામે ઊભા રહીને સેલ્ફી લઇને એપ પર અપલોડ કરવા જણાવાયું છે. તે સમયનું તેમનું લોકેશન પણ એપ પર આવી જાય છે. આવું દિવસમાં બે વખત કરાવાય છે અને ન કરે તેમની ગેરહાજરીની પોલીસને તત્કાળ જાણ થઇ જાય છે. આ એપના ઉપયોગના સારા પરિણામ સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ તેનો ઉપયોગ કરાઇ રહ્યો છે.


ચીનની તર્જ પર દિલ્હીની તૈયારી
દિલ્હી સરકારે કોરોના સામે લડવા બનાવેલી કમિટીના વડા ડૉ. એસ. કે. સરીને જણાવ્યું કે ચીનના પ્રથમ 1 હજાર દર્દીઓની સ્થિતિના આધારે તૈયારી કરી છે. ત્યાં 1 હજાર દર્દીમાંથી 140 દર્દીએ દાખલ થવું પડ્યું. 50ને આઇસીયુ અને 23ને વેન્ટિલેટરની જરૂર પડી. એક દર્દી 4થી 20 દિવસ દાખલ રહ્યો. દિલ્હીએ રોજ 500 દર્દી અને રોજ 1 હજારને દાખલ કરવાની જરૂરનો પ્લાન બનાવ્યો છે. ખાનગી હોસ્પિટલોની પણ મદદ લેવાશે. એક દિવસમાં 100 દર્દી આવે તો 14ને દાખલ કરવા પડશે અને તે માટે 5 આઇસીયુ બેડ તથા અંદાજે 2.3 વેન્ટિલેટરની જરૂર પડશે. તે માટે લોકનાયક અને રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આઇસીયુના 50-50 બેડ તથા આઇસોલેશનના 200-200 બેડ તૈયાર છે. જરૂર પડે તો લોકનાયકમાં 1 હજાર અને રાજીવ ગાંધીમાં 400 બેડ હોઇ શકે છે. જીટીબી, ડીડીયુ અને આંબેડકર હોસ્પિટલમાં પણ વ્યવસ્થા છે. 26 એમ્બ્યુલન્સ અલગ રખાઇ છે. જરૂર પડે તો બીજી 90 એમ્બ્યુલન્સ છે. રોજ 3 હજાર તપાસની તૈયારી છે. 10 એપ્રિલ સુધી લૉકડાઉન રહ્યું તો દર્દીઓની સંખ્યા વધવામાં ધીમે ધીમે ઘટાડો થવા લાગશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post