• Home
  • News
  • પીરાણા કેમિકલ બ્લાસ્ટ:ગેરકાયદે ફેક્ટરીમાં વપરાતાં કેમિકલ્સ અંગે તપાસ માટે FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી, ઘટનાસ્થળથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ
post

PM મોદીના ટ્વીટ બાદ મુખ્યમંત્રી, મેયર સહિતનું તંત્ર જાગ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-05 11:53:23

પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે ચાલતી ફેકટરીમાં થયેલા કેમિકલ બ્લાસ્ટ મામલે FSLની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. FSLની એક ટીમ આજે સવારે ઘટનાસ્થળે પહોંચી છે અને કેમિકલ ફેકટરીમાં કઈ રીતે બ્લાસ્ટ થયો અને ક્યાં ક્યાં કેમિકલ હતાં એ અંગેની તેણે તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાસ્થળે પોલીસબંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આજે GPCB અને રાજ્ય સરકારની તપાસ કમિટીના સભ્યો ઘટનાસ્થળે મુલાકાત લે એવી શક્યતા છે. હાલમાં ઘટનાસ્થળથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બે જેસીબી મશીનોની મદદથી સમગ્ર કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.

પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે. સેકટર 2 જેસીપી ગૌતમ પરમારે વાતચીતમાં જણાવ્યું હતું કે સાહિલ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં કેમિકલ બ્લાસ્ટ થયો હતો, જેમાં હાઇડ્રોજન પેરોકસાઈડ અને ઇથેનોલ-મિથેનોલ જેવાં બેથી ત્રણ કેમિકલ વાપરી કેટાલિસ્ટ બનાવાતો હતો, જેમાં આ કેમિકલ વપરાતું હતું. ઘટના મામલે હાલમાં અકસ્માત મોતની નોંધ કરવામાં આવશે. કંપનીનું ગોડાઉન બિટુ ભરવાડ નામની વ્યક્તિનું છે અને હિતેશ સૂતરિયા નામની વ્યક્તિએ ભાડે રાખ્યું હતું. દસ્તાવેજી પુરાવા અને FSLના અભિપ્રાય બાદ આ મામલે ગુનો નોંધવામાં આવશે. કેમિકલ ક્યાંથી લાવતો હતો, એની પાસે લાઇસન્સ હતું કે કેમ તેમજ એને સ્ટોરેજ માટે કોઈ વ્યવસ્થા હતી કે કેમ, તમામ પાસા પર તપાસ કરી ગુનો નોંધી કાર્યવાહી થશે. હિતેશ સૂતરિયાની પૂછપરછ કરવામાં આવી રહી છે.

શું હતી સમગ્ર ઘટના?
શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે કેમિકલ ફેક્ટરીમાં ગઈકાલે બપોરે બ્લાસ્ટ બાદ આગની ઘટના બની છે, જેને પગલે ફાયરબ્રિગેડની 24 જેટલી ગાડી ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. આ બ્લાસ્ટની આસપાસનાં 9 ગોડાઉનને અસર થઈ હતી. જ્યારે કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત વિસ્ફોટને કારણે ધરાશાયી થઈ હતી. આ 9 ગોડાઉનમાં 25 જેટલા લોકો ફસાયા હતા, જેમાંથી 7 પુરુષ અને 5 મહિલા સહિત 12નાં મોત થઈ ગયાં છે. જ્યારે ફાયરની ટીમ દ્વારા હાલ રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી હતી છે. ફાયરબ્રિગેડની 24 ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો કરાયા હતા. હાલ ઈજાગ્રસ્તો એલ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રેસ્ક્યૂ કામગીરી કરવા માટે NDRFની ટીમ પહોંચી હતી. આ ટીમે અત્યાધુનિક અદ્યતન સાધનો વડે રેસ્કયૂ કામગીરી કરી હતી.

PM મોદીના ટ્વીટ બાદ મુખ્યમંત્રી, મેયર સહિતનું તંત્ર જાગ્યું હતું
જોકે આ દુર્ઘટના અંગે સ્થાનિક તંત્ર ઊંઘતું ઝડપાયું છે. પીએમ મોદીના ટ્વીટ બાદ મુખ્યમંત્રી સહિતનું તંત્ર દોડતું થયું હતું. મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપીને મૃતકોના પરિવારજનોને રૂ.4 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. જ્યારે મેયર બીજલ પટેલ પણ મોડાં મોડાં જાગ્યાં હતાં. પીએમના ટ્વીટ બાદ તેઓ હરકતમાં આવ્યાં હતાં. આ પહેલાં 9નાં મોત થઈ ગયાં હોવા છતાં મેયર એલ.જી. હોસ્પિટલમાં કે સ્પોટ પર ફરક્યાં પણ નહોતાં.

 

adv

Related News

post
post
post
post
post
post
post