• Home
  • News
  • PM મોદી 3 કલાક રોકાશે, ભૂમિપૂજન માટે 48 કેમેરા સાથે 100થી વધુ લોકોની ટીમ લાઇવ કવરેજ માટે તૈયાર
post

અયોધ્યામાં 5 ઓગસ્ટે 12:30 વાગ્યે ભૂમિપૂજન શરૂ થશે, દીપોત્સવ કાર્યક્રમનું રામ કી પૈડીથી આજે જીવંત પ્રસારણ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-04 11:38:55

અયોધ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે રામમંદિરનું ભૂમિપૂજન કરવા અયોધ્યામાં 3 કલાક સુધી રહેશે. 12:30 વાગ્યે ભૂમિપૂજન શરૂ થશે, જે 10 મિનિટ સુધી ચાલશે. ત્યાર બાદ વડાપ્રધાન સમારોહમાં જોડાશે. આ કાર્યક્રમ લગભગ સવા કલાક સુધી ચાલશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોમવારે અયોધ્યા સીલ કરી દેવાયું છે. મોદી અહીં પારિજાતનો એક છોડ રોપશે. ભૂમિપૂજન સમારોહના દેશમાં જીવંત પ્રસારણ માટે દૂરદર્શન અને એએનઆઇના 48થી વધુ અત્યાધુનિક કેમેરા લગાવાયા છે. બંનેની હાઇટેક એચડી ઓબી વેન પરિસરમાં હાજર છે. દૂરદર્શન અને એએનઆઇના 100થી વધુ સભ્ય પરિસરમાં હશે, જેમના કેમેરા સમારોહનું જીવંત પ્રસારણ કરશે. 4 ઓગસ્ટના અયોધ્યાના દીપોત્સવ અને બીજા કાર્યક્રમો માટે દૂરદર્શન તથા અન્ય ટીવી ચેનલોની 4 ઓબી વેન રામ કી પૈડીમાં 3 દિવસથી તૈયાર રખાઇ છે.

યોગીએ કહ્યું, ‘માત્ર આમંત્રિતો જ આવે
જન્મભૂમિ પરિસરમાં તૈયાર થનારા મંચ પર પીએમ નરેન્દ્ર મોદી સાથે ખાસ અતિથિના રૂપમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત, શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર હશે. બીજી તરફ તૈયારીઓની સમીક્ષા કરવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે કોરોના પ્રોટોકોલનું કડકાઇથી પાલન થશે. માત્ર જેમને આમંત્રિત કરાયા હોય તેઓ જ અહીં આવે. વડાપ્રધાન મોદી અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણનો પાયો મૂકશે તે ઐતિહાસિક ક્ષણ હશે. યોગીએ દેશની જનતાને દીવા પ્રગટાવવા આહવાન કર્યું. અભિજિત મુહૂર્ત હોવાના કારણે મંદિર નિર્માણમાં કોઇ અવરોધ નહીં આવે. આ ગાળામાં રોગબાણ, અગ્નિબાણ, રાજબાણ, ચોરબાણ અને મૃત્યુબાણ નથી, જેથી બીમારી, આગ, રાજકીય સંકટ, ચોરી અને મૃત્યુનું સંકટ નહીં આવે.

અયોધ્યા માર્ગ પર માટીના 5,100 રંગબેરંગી ઘડા મુકાશે, આંબાના પાનથી સજાવાયા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સાંસ્કૃતિક પાંખ સંસ્કાર ભારતી માટીના 5,100 ઘડા કલાત્મક રીતે સજાવી રહી છે. તેમને રંગ, કાપડ, ફૂલો, આંબાના પાન અને દીવાથી સજાવાઇ રહ્યા છે. આ ઘડા સાકેત મહાવિદ્યાલય આગળના અયોધ્યા માર્ગ પર રખાશે.

મુહૂર્ત બધી જ રીતે શ્રેષ્ઠ છે, વિઘ્ન વિના યશસ્વી રીતે મંદિરનિર્માણ પૂર્ણ થશે
રામમંદિરના ભૂમિપૂજનનું મુહૂર્ત કાઢનારા ગણેશ્વર શાસ્ત્રીએ કહ્યું કે અભિજિત મુહૂર્તના 16 ભાગમાંથી 15 અતિ શુદ્ધ હોય છે, જેમાં આ 32 સેકન્ડ મહત્ત્વની છે. બુધવાર હોવાથી મંદિર નિર્માણ કોઇ વિઘ્ન વિના યશસ્વી રીતે પૂર્ણ થશે.

104 કરોડ રૂપિયાના ખર્ચે અયોધ્યા રેલવે સ્ટેશનને ભવ્ય રામમંદિરનો આકાર મળશે
ઉત્તર રેલવે અયોધ્યા સ્ટેશનને 104 કરોડ રૂ.ના ખર્ચે ભવ્ય રામમંદિરનો આકાર આપશે. ઉત્તર રેલવેના જી.એમ. રાજીવ ચૌધરીએ જણાવ્યું કે સ્ટેશનની અંદર અને બહારના પરિસર નવેસરથી બનાવાશે. ટિકિટ કાઉન્ટર્સની સંખ્યા વધારાશે, વેઇટિંગ રૂમ એસી હશે અને રેસ્ટ રૂમમાં સુવિધાઓ વધારવામાં આવી રહી છે. સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજ, ફૂડ પ્લાઝા, દુકાનો ઉપરાંત પર્યટક કેન્દ્ર, ટેક્સી બૂથ, શિશુ વિહાર, વીઆઇપી લાઉન્જમાં સુવિધાઓ વિકસાવાશે.

મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ બોલ્યાઃ રામલલ્લાને બે દિવસ દૂધ, ફળનો જ ભોગ લગાવી શક્યા, ત્યારે આંસુ રોકાતા ન હતા
શ્રીરામલલ્લાના મુખ્ય પુજારી સત્યેન્દ્ર દાસે અત્યંત ભાવુક થઈને કહ્યું કે, આજે અયોધ્યાનું સૌંદર્ય જોઈને સમજાય છે કે, ત્રેતા યુગમાં ભગવાનનું આવું જ સ્વાગત થયું હશે. રામની નગરીનો વૈભવ જોઈને દેવલોક પણ હર્ષિત થઈ રહ્યું હશે. જૂના દિવસો યાદ કરીને તેમણે કહ્યું કે, હું 7-8 ડિસેમ્બર, 1992ના દિવસ ભુલી શકતો નથી, જ્યારે રામલલ્લાને બે દિવસથી વધુ સમય સુધી માત્ર થોડા ફળ અને દૂધનો ભોગ ચડાવી શકાયો હતો. 6 ડિસેમ્બર, 1992ના રોજ જ્યારે લાગ્યું કે, માળખું નહીં બચે તો કેટલાક સહયોગીઓ સાથે શ્રીરામલલ્લાનું સિહાસન બહાર કાઢીને લઈ આવ્યા. થોડા કલાકોમાં જ આખું માળખું તુટી ગયું. આજુ-બાજુમાં કોઈ ખાદ્ય સામગ્રી મળતી ન હતી. માંડ-માંડ થોડા ફળ અને દૂધની વ્યવસ્થા કરી સંધ્યા આરતી અને ભોગ લગાવી શક્યો. આખી રાત સુરક્ષા કર્મચારીઓની હલચલ રહી.

સાંજ સુધી ચબૂતરો બની ગયો હતો
મારે મંગળા આરતી કરીને સવારનો ભોગ લગાવવાની તૈયારી પણ કરવાની હતી. આ 6 અને 7 ડિસેમ્બર વચ્ચેની રાત હતી. બે સહયોગીને અયોધ્યાના બજારમાંથી સવારના ભોગની સામગ્રીની વ્યવસ્થા કરવા કહ્યું. મંગળા આરતી તો થઈ ગઈ, પરંતુ ભોગની ચિંતા રહી. સામગ્રી લેવા ગયેલા સહયોગીને આવતાં મોડું થયું તો હું મારા આંસુ રોકી શક્યો નહીં. સવારનો ભોગ ચડાવતા સમયે પણ મારા આંસુ રોકાતા ન હતા. સવારનો ભોગ લગાવ્યા પછી ફરી સાંજની ચિંતા થવા લાગી. કારસેવકોએ રામલલ્લા માટે ચબુતરો બનાવવાનું શરૂ કરી દીધું હતું. સાંજ સુધી મોટાભાગના ચબુતરો બની ગયો હતો. જેમતેમ કરીને સાંજનો ભોગ ચડાવી શયન આરતી કરી શક્યો હતો. 8 ડિસેમ્બરે પણ આ જ સ્થિતિ રહી. 9 ડિસેમ્બરથી સ્થિતિ સુધરી ગઈ. પછી સુપ્રીમ કોર્ટે પૂજન ભોગના રિસીવરને જવાબદારી આપી હતી.

નેપાળના જાનકી મંદિરના મહંત પણ આવશે: ચંપત રાય
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું કે, કોરોના પ્રોટોકોલ સાથે જ વડાપ્રધાન મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખી અહીં બંદોબસ્ત કડક રહેશે. કાર્યક્રમમાં 135 સંતો સહિત કુલ 175 લોકોને આમંત્રિત કરાયા છે. નેપાળના જાનકી મંદિરના મહંત પણ આવશે. નિમંત્રણ પત્ર પર એક સિક્યોરિટી કોડ છે. નિમંત્રણ પત્રનો ઉપયોગ એક વખત જ કરી શકાશે. કાર્ડ પર નોંધાયેલા નંબર અને નામ ક્રોસ ચેક થશે, ત્યારે જ આગંતુકોને પ્રવેશ મળશે. ચંપત રાયે કહ્યું કે, અહીં રામલલ્લાના લીલા રંગના વસ્ત્રો અંગે જાત-જાતની વાતો થવા લાગી છે. ભગવાન લીલા રંગના કપડા પહેરશે તેને પણ વડાપ્રધાન મોદી સાથે જોડી દેવાયા છે. તેનો વડાપ્રધાન કાર્યાલય, મુખ્યમંત્રી કે ટ્રસ્ટ સાથે સંબંધ નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post