• Home
  • News
  • કચ્છની મુલાકાત દરમિયાન PM મોદી કૌભાંડમાં સંડોવાયેલા લલ્લુજીના ટેન્ટમાં નહીં રોકાય, મોદીએ પ્રવાસ ટૂંકાવી એક દિવસનો કર્યો
post

વડા પ્રધાનની ધોરડો મુલાકાત વેળાએ યોજાનારા કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થા માટેનું ટેન્ડર રાજકોટની પેઢીને અપાયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-09 08:44:48

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે તા.15/12ના એક દિવસ માટે જ કચ્છ આવી રહ્યા છે. અગાઉ તા.14ના આવવાના હતા અને રાત્રિ રોકાણ ધોરડો ખાતે કરશે તેવા અહેવાલો વચ્ચે હવે માત્ર 15મીએ એક દિવસ માટે મોદી આવવાના હોવાની વિગતો સાપડી રહી છે. ઉત્તરપ્રદેશ સરકારે ટેન્ટના મામલામાં ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહેલા લલ્લુજી એન્ડ સન્સ સામે કાર્યવાહી કરી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવાં સંજોગોમાં કચ્છના સફેદ રણમાં આવેલાં ટેન્ટ સિટીમાં રોકાણનો કાર્યક્રમ રદ્દ કર્યો છે.

સરકારની ચાહિતી પેઢી લલ્લુજી એન્ડ સન્સને ધોરડો ખાતે યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની વ્યવસ્થામાંથી બાકાત રખાઇ છે અને રાજકોટની પેઢીને કામ અપાયું છે. કુંભ મેળામાં તંબુ લગાડવાના ઠેકામાં કરોડોના કૌભાંડના પગલે પાણીચુ અપાયું ત્યારે કચ્છમાં પણ તેને અળગી કરી દેવાતાં જાણકારોમાં તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રીપદે કાર્યરત હતા ત્યારથી લલ્લુજી એન્ડ સન્સને તંબુ નગરી (ટેન્ટ સિટી)નો ઠેકો મળતો રહ્યો છે. આમ, આ પેઢી સરકારની ચાહિતી રહી હોવાની છાપ દ્રઢ બની છે. કચ્છમાં દર વર્ષે રણોત્સવ પ્રસંગે તંબુ નગરી ઉભી કરવી અને અન્ય સરકારી કાર્યક્રમો પ્રસંગે ડોમ તૈયાર કરવાથી લઇને કાર્યક્રમની વ્યવસ્થા વગેરે કામગીરી લલ્લુજી એન્ડ સન્સને અપાતી હતી. વર્તમાન સમયે ધોરડો સફેદ રણમાં લલ્લુજી એન્ડ સન્સ દ્વારા દર વર્ષની જેમ ટેન્ટ સિટી ઉભી કરાઇ છે અને તે જ સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ તા.15મી ડિસેમ્બરના યોજાશે પરંતુ તે કાર્યક્રમ માટે ડોમ સહિતની વ્યવસ્થા માટે આ જ પેઢીને ટેન્ડર ન આપી એક બાજુ ધકેલી દેવાઇ છે. 15મીએ યોજાનારા કાર્યક્રમ માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વતન રાજકોટની પેઢી કિશોર પરમાર એન્ડ મંડપ સર્વિસને ટેન્ડર અપાયું છે.

તંબુ નગરીની બાજુમાં વિશાળ ડોમ ઉભો કરાશે
માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટીવ એન્જિનિયર જે.એમ. સોલંકીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીનો રેકોર્ડ રહ્યો છે કે, અમે લલ્લુજી એન્ડ સન્સને ટેન્ડર આપતા જ નથી. વડાપ્રધાનના કાર્યક્રમને લઇને રાજકોટની પેઢી દ્વારા વિશાળ ડોમ અને હેલીપેડની વ્યવસ્થા કરાશે. હેલીપેડ તો અગાઉથી તૈયાર જ છે અને મંજૂર થયેલા ભાવ મુજબ રાજકોટની પેઢીને ડોમ ઉભું કરવાનું ટેન્ડર અપાયું છે.

લંચ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ટેન્ડર મળ્યું છે
ધોરડોમાં તંબુ નગરી ઉભી કરનારી પેઢી લલ્લુજી એન્ડ સન્સના મેનેજર ભાવિક શેઠનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી રણોત્સવમાં પણ બજાર સહિત બહારના કામોનું ટેન્ડર મળતું નથી. મોદીના કાર્યક્રમને પ્રવાસન વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું ટેન્ડર અમને અપાયું છે અને વડાપ્રધાનના લંચની વ્યવસ્થા પણ અમે કરવાના છીએ.

રણોત્સવમાં પ્રવાસી ઘટતા મોદીએ અધિકારીઓને ઝાટક્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવવાના છે ત્યારે મંગળવારે ટૂરિઝમ વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ધોરડોમાં યોજાઈ રહેલા રણોત્સવમાં પ્રવાસીઓની ઘટતી જતી સંખ્યાને લઇને અધિકારીઓની ઝાટકણી કાઢી હતી.

પ્રવાસીઓને આકર્ષવા વિવિધ જાહેરાતો કરાશે
કચ્છમાં પ્રવાસીઓની સંખ્યા ઘટી રહી હોવાથીે વડાપ્રધાન મોદીએ પ્રવાસન અધિકારીઓને ખખડાવી નાખ્યા છે, જેના પગલે જિલ્લામાં પ્રવાસીઓને આકર્ષવા માટે આગામી સમયમાં પ્રવાસન વિભાગ દ્વારા રણોત્સવમાં વિવિધ જાહેરાતો મુકાશે અને માધ્યમો દ્વારા તેનો પ્રસાર કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post