• Home
  • News
  • પ્રધાનમંત્રીએ તબીબી કર્મચારીઓ – ડૉક્ટરો, નર્સો સાથે ચર્ચા કરી
post

કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે નિઃસ્વાર્થ સેવા કરવા બદલ પ્રધાનમંત્રીએ તબીબી કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-25 10:42:00

નવી દિલ્લી : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ડૉક્ટરો, નર્સો અને લેબ ટેકનિશિયનો સહિત સમગ્ર દેશના તબીબી કર્મચારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોવિડ-19નો સામનો કરવા માટે ભારતના મેડિકલ પ્રોફેશનલ્સ નિઃસ્વાર્થ ભાવે તેમનું કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, સમગ્ર રાષ્ટ્રએ ‘જનતા કર્ફ્યૂ’ દરમિયાન તેમને સલામ આપી હતી અને ફરી એકવખત તેમણે રાષ્ટ્રને સમર્પિત આ લોકોની સેવાને સ્વીકારી હતી. તેમણે કહ્યું કે, તબીબી કર્મચારીઓના પરિવારજનોના યોગદાનને પણ સ્વીકારવું જરૂરી છે કારણ કે તેઓ આ લોકોના આધારસ્તંભ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર સમક્ષ આવેલો આ પડકાર અભૂતપૂર્વ અને ઐતિહાસિક છે. અત્યારે આ મુકામ પર, સમગ્ર દેશ તબીબી કર્મચારીઓ સામે આશાની નજરે જુએ છે અને મોટામાં મોટા પડકારનો સામનો કરતી વખતે પણ તેમનું મનોબળ ક્યારેય ઘટે નહીં તે આવશ્યક છે.

તબીબી કર્મચારીઓને સરકાર તરફથી તમામ પ્રકારનો સહકાર મળશે તેવી ખાતરી આપતા પ્રધાનમંત્રીએ તેમને જણાવ્યું હતું કે તેઓ તમામ જરૂરી પ્રોટોકોલનું પાલન કરે અને તેમને પોતાને કોઇ ચેપ ન લાગે તે માટે પૂરતી તકેદારી રાખે. તેમણે આ તમામ લોકોને કહ્યું હતું કે, તેઓ જાહેર જનતાને ‘આટલું કરવું’ અને ‘આટલું ન કરવું’ તેના વિશે માર્ગદર્શન આપે, સેલ્ફ-ક્વૉરેન્ટાઇન અને સામાજિક અંતર જાળવવાના મહત્વ વિશે સલાહ આપે અને તેઓ ક્યાં સારવાર મેળવી શકે છે તેના વિશેની માહિતી પૂરી પાડે.

તેમણે લોકોમાં તમામ પ્રકારની જાગૃતિ લાવવા માટે તેમને વિનંતી કરી હતી અને લોકોને બિન-વૈજ્ઞાનિક સારવારો તેમજ ખોટી માહિતીથી દૂર રાખવા પણ જણાવ્યું હતું. તેમણે સ્વાસ્થ્ય કામદારો અને ટેકનિશિયનોને ઝડપથી તાલીમ આપવા અને તેમના કૌશલ્યને અપગ્રેડ કરવા અંગે પણ પ્રોત્સાહિત કર્યા હતા જેથી દેશ સમક્ષ આવેલા વિરાટ પડકારનો સામનો થઇ શકે.

જરૂરિયાતના આ સમયમાં નેતૃત્વ સંભાળવા બદલ તબીબી કર્મચારીઓની પ્રતિનિધીઓએ પ્રધાનમંત્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. દેશને ‘સંકલ્પ અને સંયમનો મંત્ર આપવા બદલ તેમણે પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ફ્લોરન્સ નાઇટેંગલની 200મી જન્મજંયતિની ઉજવણીમાં નર્સોના યોગદાનની નોંધ લેવા બદલ ઑલ ઇન્ડિયા નર્સ ફેડરેશને પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

જરૂરિયાતમંદ લોકોને તબીબી અને મનોચિકિત્સક સહાય આપવા અંગેના તમામ પ્રયાસો વિશે પ્રતિનિધીઓએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી. તેમણે ક્વૉરેન્ટાઇનના મહત્વકોવિડ-19થી અસરગ્રસ્ત કેસોને સંભાળવા માટે સમર્પિત હોસ્પિટલો/વિભાગો અને ઑનલાઇન તાલીમ મોડ્યૂલની ગોઠવણીઓ અંગે પણ વાત કરી હતી. તેમણે જરૂરિયાતના આ સમયમાં તબીબી કર્મચારીઓની જરૂરિયાત અંગે સંવેદના દર્શાવતા સમુદાયના મહત્વ અંગે પણ ચર્ચા કરી હતી.

ખૂબ જ વ્યાપક પ્રમાણમાં અને બહુપરિમાણીય સુચનો આપવા બદલ પ્રધાનમંત્રીએ તમામ તબીબી કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તબીબી સારવાર માટે ટેલિકન્સલ્ટન્સના શ્રેષ્ઠ ઉપયોગ વિશેના પ્રસ્તાવનું સરકાર પરીક્ષણ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ડૉક્ટરોની સુરક્ષાની ચિંતાને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, તેમનો આશાવાદી સૂર સાંભળવાથી દિલને રાહત થાય છે અને તેના કારણે તેમનામાં ખૂબ જ આત્મવિશ્વાસ જાગ્યો છે કે, દેશ આ પડકારનો સફળતાપૂર્વક સામનો કરી શકશે અને આ લડાઇમાં વિજયી થશે.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવે પણ સૌ કર્મચારીઓના યોગદાનને સ્વીકાર્યું હતું. તેમણે સક્રીય, ક્રમિક પ્રતિસાદ વિશે વાત કરી હતી જે વિકસી રહેલી પરિસ્થિતિની સાથે ઉન્નત થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રી, અગ્ર સચિવ, કેબિનેટ સચિવ અને ICMRના મહા નિદેશકે આ વાર્તાલાપમાં ભાગ લીધો હતો.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post