• Home
  • News
  • PMએ કહ્યું- ઈન્દોર દુનિયામાં લાજવાબ છે:ભારત સ્કીલ કેપિટલ છે, તે વિશ્વના વિકાસનું એન્જિન બની શકે તેમ છે
post

ગુયાનાના રાષ્ટ્રપતિએ મોદીને કહ્યું, આપણે દૂર છીએ, પણ દિલ અને આત્મા જોડાયેલા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-09 19:21:11

ઈન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય સંમેલનનો આજે બીજો દિવસ છે. ખરાબ હવામાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્દોર મોડા પહોંચ્યા હતા. તેઓ સવારે 10 વાગ્યે પહોંચવાના હતા, પણ એક કલાક મોડા એટલે સવારે 11 વાગ્યે ઈન્દોર એરપોર્ટ પર ઊતર્યા હતા. રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, મંત્રી તુલસી સિલાવત, ઈન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવે પીએમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને પોતાના સંબોધનમાં ભારતને સ્કીલ કેપિટલ બનવાની ક્ષમતા ધરાવતો દેશ ગણાવ્યો હતો.

સંમેલન સ્થળ પર 2200ની ક્ષમતાના હોલમાં 3000થી વધારે લોકોનો ધસારો થતાં જગ્યા ટૂંકી પડી હતી અને આમંત્રિતોને બહાર ઊભા રહેવાનો વારો આવ્યો હતો. જોકે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે ધક્કામુક્કી અંગે માફી માગતાં કહ્યું, જગ્યા ટૂંકી છે, પણ અમારું દિલ મોટું છે.

ભારતના યુવાનોમાં સ્કીલ્સ છે અને વેલ્યૂઝ પણ છે : PM

પીએમ મોદી આજે ​​બીજા દિવસે ઈન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે વિશ્વ ભારતનું સાંભળે છે. ભારત પાસે સ્કીલ કેપિટલ બનવાની ક્ષમતા છે, એ વિશ્વના વિકાસનું એન્જિન બની શકે છે. આજે ભારતમાં સક્ષમ યુવાનો મોટી સંખ્યામાં છે. આપણા યુવાનોમાં સ્કીલ્સ પણ છે, વેલ્યૂઝ પણ છે. કામ કરવા માટે જુસ્સો અને પ્રમાણિકતા પણ છે.

પીએમએ કહ્યું કે ઈન્દોર દુનિયામાં લાજવાબ છે. લોકો કહે છે કે ઇન્દોર એક શહેર છે, પરંતુ હું કહું છું કે ઇન્દોર એક દૌર છે, જે સમય કરતાં આગળ ચાલે છે. આ વર્ષે ભારત વિશ્વના G-20 જૂથની અધ્યક્ષતા પણ કરી રહ્યું છે. ભારત આ જવાબદારીને એક મોટી તક તરીકે જોઈ રહ્યું છે. આ આપણા માટે વિશ્વને ભારત વિશે જણાવવાની તક છે. આપણે G-20ને માત્ર રાજદ્વારી કાર્યક્રમ નહીં, પરંતુ જનભાગીદારીનો કાર્યક્રમ બનાવવો પડશે.

જ્યારે મોદી બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરના હોલમાં સ્ટેજ પર પહોંચ્યા ત્યારે હોલ મોદી-મોદીના નારાથી ગુંજી ઉઠ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, પ્રિયજનોને રૂબરૂ મળવાનો એક અલગ જ આનંદ અને મહત્વ છે. તેમણે એનઆરઆઈને કહ્યું કે એમપી પાસે મા નર્મદાનું જળ, જંગલ, આદિવાસી પરંપરા અને ઘણું બધું છે, જે તમારી મુલાકાતને અવિસ્મરણીય બનાવશે. ઉજ્જૈનમાં પણ ભવ્ય મહાકાલ લોકનો વિસ્તાર થયો છે. તમે બધા ત્યાં જાઓ અને મહાકાલના આશીર્વાદ લો.

શિવરાજસિંહે કહ્યું : ભારતમાં બે નરેન્દ્ર થયા છે

બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરના ગ્રાન્ડ હોલમાં મોદી સ્ટેજ પર પહોંચ્યા, ત્યારે હોલ મોદી-મોદીના નારાથી ગુંજી ઊઠ્યો હતો. સ્વાગત પ્રવચનમાં વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે વડાપ્રધાનના વિઝન અને માર્ગદર્શનથી આપણે લક્ષ્યોને હાંસલ કરવામાં સફળ રહીશું. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે આઝાદીના અમૃતમાં મને લાગે છે કે મધ્યપ્રદેશમાં અમૃત વરસી રહ્યું છે. આજે ભારત વિશ્વને શાંતિ અને પ્રેમનો સંદેશ આપી રહ્યું છે. CMએ કહ્યું- ભારતમાં બે નરેન્દ્ર થયા છે... 100 વર્ષ પહેલાં એક એવા નરેન્દ્ર સ્વામી વિવેકાનંદજી હતા, જેમણે ભારતને વિશ્વગુરુ કહ્યું હતું. આજે આ કામ બીજા નરેન્દ્રના નેતૃત્વમાં થઈ રહ્યું છે.

સૂરીનામના રાષ્ટ્રપતિએ કહ્યું, અમારા દેશમાં અમે હિન્દી ભાષાની ટ્રેનિંગ પર કામ કરી રહ્યા છીએ

સૂરીનામનાં પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખીએ પોતાના ભાષણની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વંદન કરીને કરી હતી. તેમણે કહ્યું, અમે અમારા દેશમાં હિન્દી ભાષા, સંસ્કૃતિ અને આયુર્વેદ પર તાલીમ કેન્દ્ર સ્થાપવા પર કામ કરી રહ્યા છીએ. અમે હિન્દી ભાષાની શાળાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આ એક યાદગાર ક્ષણ છે.

ગુયાનાના રાષ્ટ્રપતિએ મોદીને કહ્યું, આપણે દૂર છીએ, પણ દિલ અને આત્મા જોડાયેલા છે

ગુયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલીએ કોરોના સમયગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલા ંપગલાંની પ્રશંસા કરી હતી. ખાસ કરીને રસીકરણ. તેમણે મોદીના સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે આના વિના કોઈ આગળ વધી શકે નહીં. મહાત્મા ગાંધીને યાદ કરીને તેમણે કહ્યું હતું કે ભારતનો સ્વતંત્રતા સંગ્રામ અન્ય દેશો માટે પ્રેરણાદાયી છે. ભારત પ્રવાસીઓ માટે જે કાર્યક્રમો ચલાવી રહ્યું છે એમાંથી અમે ઘણું શીખી રહ્યા છીએ. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે આપણી વચ્ચે અંતર છે, પરંતુ દિલ અને આત્મા જોડાયેલા છે. અહીં ભારતીયો તરફથી મને જે પ્રેમ મળ્યો છે એના માટે હું આભારી છું.

 

adv

Related News

post
post
post
post
post
post
post