• Home
  • News
  • આતંકીઓ ફાયરિંગ કરે તો વળતા જવાબની બુલેટપ્રૂફ જેકેટથી સજ્જ પોલીસની પૂરી તૈયારી હતી
post

ગોરવા મધુનગરના મકાનમાં 3 આતંકવાદી હોવાની બાતમી હતી, ATS અને શહેર પોલીસનું સંયુક્ત ઓપરેશન

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-10 09:37:11

વડોદરાશહેરના ગોરવા મધુનગરના મકાનમાં આઇએસઆઇએસના 3 આતંકવાદીઓ છુપાયા હોવાની પાકી બાતમી મળ્યા બાદ ગુજરાત એટીએસ અને વડોદરા પોલીસે સતત ત્રણ દિવસથી ગુપ્ત વોચ ગોઠવી હતી. બુધવારે સાંજે પુરતી ખાતરી કર્યા બાદ એટીએસની ટીમ આતંકવાદીના ઘર પાસે પહોંચી હતી. આતંકવાદી શસ્ત્રો સાથે છુપાયા હોવાની બાતમી હોવાથી પ્રતિકાર કરે તો અથડામણ પણ થઇ શકે તેવી પુરેપુરી સંભાવનાને જોતાં એટીએસ અને વડોદરા પોલીસે ખાસ તૈયારી કરી બુલેટપ્રુફ જેકેટ અને વાહનોનો પણ ઉપયોગ કર્યો હતો અને આતંકવાદીઓના ઘરની નજીકના અલગ અલગ સ્થળો પર પોલીસ સાદા વેશમાં ગોઠવાઇ ગઇ હતી.મુબારક સહિત ચારને એટીએસે ઉઠાવ્યાની ચર્ચા છે.


વડોદરા પોલીસસાદા ડ્રેસમાં હથિયારો સાથે આતંકવાદીઓના ઘરની નજીક જુદા જુદા સ્થળોએ ગોઠવાઇ અને બુલેટપ્રુફ જેકેટ પહેરેલી એટીએસની ટીમ ટાટા સુમો લઇને ઘર પાસે પહોંચી હતી. ત્યાં કેટલાક છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા. પોલીસે તેમને ત્યાંથી હટી જવાનું કહ્યું એટલે છોકરાઓ કુતુહલવશ ત્યાંથી દુર જઇને ઉભા રહ્યા. એટીએસની ટીમે જાફરઅલીના મકાનનો દરવાજો ખખડાવ્યો. જાફરઅલીએ થોડીવારમાં જાતે દરવાજો ખોલતા એટીએસની ટીમે તેને દબોચી લીધો હતો. એટીએસની ટીમે તેને કોર્ડન કરી લીધો જેથી તે કોઇ પણ પ્રકારનો પ્રતિકાર ના કરી શકે. ઘરમાં તે સમયે અન્ય બે શખ્સ પણ હાજર હતા. જેને પણ પોલીસે પકડી લીધો હતો. પોલીસે તેના નાના રુમ વાળા કાચા પાકા મકાનમાં લાકડાના કબાટમાં તથા ટેબલમાં ઉંડી તપાસ કરી હતી. થોડી મિનીટોમાં જાફરઅલી અને તેની સાથે રહેલા બે શખ્સને એટીએસે ટાટા સુમોમાં બેસાડી દીધો હતો અને સીધા અમદાવાદ જવા રવાના થઇ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે તામિલનાડુ આઇએસઆઇએસ મોડયુઅલનો આતંકવાદી જાફરઅલી મકાનમાંથી મળ્યો હતો, જયારે તેની સાથે બે આતંકવાદીના લોકેશન અન્ય સ્થળોએ મળ્યા હતા.


વડોદરા પોલીસની ટીમો પણ જાફરઅલી રહેતો હતો તે મકાનની આસપાસ થોડે દુર વોચમાં રહી હતી અને સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દીધો હતો. કોઇ પણ પ્રકારનો પ્રતિકાર થાય તો પહોંચી વળવા પોલીસે પુરેપુરી તકેદારી રાખી હતી. પોલીસના ઓપરેશનથી એક તબક્કે સ્થાનિક રહિશોમાં પણ ઉત્તેજના છવાઇ ગઇ હતી અને લોકો કંઇ સમજે તે પહેલાં પોલીસ અને એટીએસ જાફરઅલી અને તેની સાથે અન્ય બે શખ્સને લઇને રવાના થઇ ગઇ હતી. આતંકવાદી જાફરઅલી ઝડપાયા બાદ શહેરમાંથી અન્ય ત્રણથી ચાર વ્યક્તિઓની પણ પોલીસે અટકાયત કરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

જાફરઅલી સાથે સંપર્કમાં રહેનારા ત્રણ ચાર વ્યક્તિની પુછપરછ શરૂ કરવામાં આવી છે. પાડોશમાં રહેતી મહિલાએ જણાવ્યું હતું કે મકાનમાં પુર સમયે પાણી ભરાયા બાદ અહી કોઇ રહેતું હતું પણ છેલ્લા 10થી 12 દિવસથી બે જણા રહેવા આવ્યા હતા. એક યુવક સિલાઇ કામ કરતો હતો. તે એક બે વાર ઘરની બહાર નિકળ્યો ત્યારે તેને જોયો હતો. બંને જણા તેમની સાથે ખાસ કંઇ વાત કરતા હતા. મકાન પણ મોટેભાગે અંદરથી બંધ રહેતું હતું. બંને કોણ છે અને તેમના નામ શું છે તે પણ તેમને જાણ હતી. મહિલાએ કહ્યું હતું કે બુધવારે સાંજે પોલીસ આવી બંનેને લઇ ગઇ હતી.


જૂનાં કપડાંની સીલાઈની આડમાં લોકોની જિંદગીના ચીંથરાં ઉડાવવાનો પ્લાન હતો
જાફરઅલી વડોદરામાં છેલ્લા 12 દિવસથી રહેતો હતો. તેના ઘરમાં બારી પાસે સિલાઇ મશીન પડેલું પણ જોવા મળ્યું હતું. વડોદરામાં રહીને દરજીકામ કરી તે વડોદરામાં નવું મોડયુઅલ શરુ કરવાની ફિરાકમાં હતો. તામિલનાડુમાં ઘાતકહથિયારો પકડાવાના ગુના બાદ 6 આતંકવાદીઓ ફરાર થઇ ગયા હતા અને તે પૈકી જાફરઅલી નેપાળ ભાગી છુટયો હતો. નેપાળથી તે બે માસ પહેલાં યુપી આવ્યો હતો અને ત્યારબાદ તેણે 2 સાથીદારો સાથે ગુજરાતમાં પગ પેસારો કર્યો હતો. તેના ઘરમાં સિલાઇ મશીનની ઉપર દરજીકામનું માપ લેવાનો ચોપડો પણ જોવા મળ્યો હતો, જયારે અડધા સિવેલા કપડાં પણ જોવા મળ્યા હતા. પાછળના ભાગે અવાવરુ જેવી સ્થિતી હતી અને બાથરુમ સહિતનો ભાગ હતો. આતંકવાદી જાફરઅલી મધુનગરના મકાનમાં રહીને કોઇને શંકા ના જાય તે માટે સિલાઇનું કામ કરતો હતો અને તેના ઓથા હેઠળ લોકોના ચિંથરા ઉડાડવાનો કારસો રચી રહ્યો હતો. વડોદરામાં રહીને સ્લીપર સેલનું મોડયુઅલને ચાલુ કરવાનો તેનો ઇરાદો હતો.જાફરઅલી છેલ્લા 12 દિવસથી રહેતો હતો. અલગ અલગ વિસ્તારોમાં જઇને નવું મોડયુઅલ શરુ કરવાની તૈયારી કરી રહ્યો હતો.


ઇજતેમામાં મળેલા જંબુસરના મુબારક સાથે જાફર રહેવા લાગ્યો
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે જંબુસરમાં મુબારક અને જાફરનો સંપર્ક થયો હતો. નેપાળથી યુપી થઇને ગુજરાતમાં આવેલા જાફર અને તેના અન્ય 2 સાથીદારો સૌ પ્રથમ જંબુસરમાં પહોંચ્યા હતા. ધાર્મીક પ્રવચનોના કાર્યક્રમ ઇજતેમામાં મુબારક અને જાફરનો સંપર્ક થયો હતો. જંબુસર અને તેની આસપાસ યોજાતા ઇજતેમામાં તે બંને અવાર નવાર મળતા ઓળખાણ થઇ હતી અને બંને વચ્ચે ગાઢ મિત્રતા થઇ હતી. ત્યારબાદ 12 દિવસ પહેલા મુબારક અને જાફરઅલી વડોદરા ગોરવાના મધુનગરના મકાનમાં રહેવા આવ્યા હતા. મુબારક અને જાફર વચ્ચે મિત્રતાપુર્ણ વ્યવહાર હતો. એટીએસે ગુપ્ત રાહે તપાસ કરતાં જંબુસરનું પગેરું મળ્યું હતું. જંબુસરમાં તપાસ દરમિયાન જાફર વડોદરામાં હોવાનું જણાયું હતું,


મકાન માલિક ઝહીરે કહ્યું, પૂરમાં ફિરોજને રહેવા મકાન આપ્યું હતું
રિક્ષા ચલાવતા ઝહીર ઉર્ફે સદ્દામ રણજીત રાઠોડે (મોરેસલામ ગરાસીયા) જણાવ્યું હતું કે ચોમાસામાં કેનાલ ફાટતાં પાણી ફરી વળ્યા હતા, જેથી તેના ઓળખીતા રિક્ષા ચાલક ફિરોજ ઘર વિહોણો થતાં તેણે વિનંતી કરી હતી, જેથી તેને મકાન રહેવા આપ્યું હતું. મકાનમાં બીજો પરિવાર પણ રહેતો હતો. થોડા દિવસ પહેલા અન્ય પરિવાર જતો રહ્યો હતો, જયારે 15 દિવસ પહેલાં ફિરોજ પણ તેના મકાનમાં રહેવા જતો રહ્યો હતો. જો કે ત્યારબાદ ફિરોજનો જંબુસરમાં રહેતા સાળાે મુબારક રહેવા આવ્યો હતો. તેને10 દિવસમા મકાન ખાલી કરવાનું પણ જણાવ્યું હતું. મકાનમાં જાફરઅલી, મુબારક અને અન્ય મિત્ર રહેતો હતો, પોલીસ ત્રણેયને લઇ ગઇ હતી.


ધોરણ 10 સુધી ભણેલો જાફર તમિલનાડુમાં ડ્રાઇવિંગ કરતો હતો
વડોદરામાંથી ઝડપાયેલા જાફરઅલીની પ્રાથમિક પૂછપરછમાં ખુલવા પામ્યું હતું કે, તે ધો.10 સુધી ભણેલો છે અને તે અગાઉ તમીલનાડુમાં ડ્રાઇવીંગનું કામ કરતો હતો. તેની ઉંમર 25 વર્ષની હોવાનું અને તે અનમેરીડ હોવાનું પણ ખુલવા પામતા પોલીસે તમામ બાબતો અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આરોપી સામે તમીલનાડુમાં પણ કોઇ ગુનાઓ નોંધાયેલા હોવાનું જણાઇ રહ્યું હોય ગુજરાત પોલીસે શખ્સની તમામ વિગતો મેળવવા માટે હાલ તમીલનાડુ પોલીસનો સંપર્ક કર્યો છે અને આરોપી સબંધી તમામ વિગતો માંગી છે.

adv

Related News

post
post
post
post
post
post
post