• Home
  • News
  • સુરતમાં હર્ષ સંઘવી, મુકેશ પટેલ બાદ કામરેજ બેઠક જીતનાર પ્રફુલ પાનસેરિયાએ મંત્રી પદ માટે શપથ લીધા
post

પ્રફુલ પાનસેરિયા 2012માં કામરેજ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-12 17:23:51

સુરતમાં શહેર અને જિલ્લાની કુલ 16 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી (BJP)નો ભગવા લહેરાયા છે. સ્વાભાવિક રીતે સુરતનાં વિજેતા ધારાસભ્યો પૈકી મંત્રી પદ માટે નક્કી કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં હર્ષ સંઘવી અને મુકેશ પટેલને ફરી એક વખત મંત્રી પદ મળ્યા છે. તેમજ કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાને પણ મંત્રી પદ મળવા જઈ રહ્યું છે. આ તમામ વિજેતા ધારાસભ્યોને ફોન આવ્યા હતાં. ત્યારબાદ મંત્રીપદના શપથ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે લીધા હતાં.

પ્રફુલ પાનસેરિયાની પસંદગી કેમ?
પ્રફુલ પાનસેરિયા 2012માં કામરેજ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પાટીદાર આંદોલનને કારણે તેમને રીપીટ કરવામાં આવ્યા ન હતા. તેમને સ્થાને વીડી ઝાલાવાડીયાને ધારાસભ્ય તરીકે ટિકિટ આપવામાં આવી હતી. આ વખતે ફરી એકવાર પ્રફુલ પાનસેરિયાને ટિકિટ આપતા તેઓ કામરેજ વિધાનસભા બેઠક ઉપરથી જીત્યા હતા. કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં તેઓ ધારાસભ્યો ન હોવા છતાં પણ તેમના વિસ્તારમાં અલગ અલગ સેવાકીય કામગીરી કરતા રહ્યા અને સોશિયલ મીડિયા ઉપર પણ તે ખૂબ જ એક્ટિવ રહ્યા હતા, જેની નોંધ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ લીધી હતી. સી આર પાટીલે મંચ ઉપરથી કહ્યું હતું કે, સેવા કરવા માટે કોઈ પદની જરૂરિયાત હોતી નથી. ભલે તમે ધારાસભ્ય કે અન્ય પદ પર ન હો. છતાં પણ સુરતના પ્રફુલ પાનેશરિયા જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અને કામ કરી રહ્યા છે. તે નોંધનીય છે.

કુમાર કપાયા પાનસેરિયા મેદાન મારી ગયા
આ બાબત ધ્યાને આવતાની સાથે જ વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમને ટિકિટ મળશે તેવી પૂર્ણ શક્યતા હતી. તેમને ટિકિટ મળ્યા બાદ વિજય થતાં જ મંત્રી પદના દાવેદાર તરીકે પણ જોવામાં આવી રહ્યા હતા. પ્રફુલ પાનસેરિયા વિવાદોથી દૂર રહે છે. ગત વખતે રૂપાણી સરકારમાં સુરતની બારે બાર બેઠકો જીતા પાટીદાર નેતાને મંત્રી પદ આપવું એ પ્રકારની ગણતરી હોવાને કારણે કુમાર કાનાણીને રાજ્ય આરોગ્ય મંત્રી પદ આપવામાં આવ્યું હતું. આ વખતે કુમાર કાનાણીનો પણ ભવ્ય વિજય થયો છે. છતાં પણ તેમના સ્થાને પ્રફુલ પાનસેરિયાને મંત્રી પદ આપવાનું નક્કી થયું છે.

સંતોના આશીર્વાદ કામ લાગ્યા
કામરેજ વિધાનસભા મત વિસ્તારમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ જ મોટો પ્રભાવ જોવા મળે છે. જે રીતે કતારગામ બેઠક ઉપર ગોપાલ ઇટાલિયાના હાર પાછળનું કારણ ધર્મ વિરોધી નિવેદન હોવાનું જાણવા મળી રહ્યું છે. તેવી જ રીતે પ્રફુલ પાનસેરિયાનો સંતો પ્રત્યેનો પ્રેમ તેમને ફળી ગયો છે. એક તરફ બિલ્ડર લોબી પણ પ્રફુલ પાનસેરિયાની શહેરી વિકાસ વિભાગ મળે તેવા પ્રયાસો કરશે. સુરતના જાણીતા રિયલ એસ્ટેટના ઉદ્યોગપતિઓ અને પ્રફુલ પાનસેરિયા ખૂબ સારા સંબંધો છે.

હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયા શપથ લીધા
સુરતમાંથી બે ધારાસભ્યોને ફોન આવતા તેઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. હર્ષ સંઘવી રાજ્યગૃહ મંત્રી તરીકે હતા તેમને ફરીથી મોટું મંત્રી પદ મળી શકે છે. મોરબી ખાતે જ્યારે વડાપ્રધાન આવ્યા હતા, ત્યારે પણ તેમણે તમામ સ્થિતિ અંગેની માહિતી હર્ષ સંઘવી પાસે લીધી હતી. હર્ષ સંઘવીને સ્ટાર પ્રચારકની યાદીમાં પણ સ્થાન મળ્યું હતું. આ વખતે સૌથી રસાકસીવાળી બેઠક વરાછા રહી હતી. પરંતુ કુમાર કાનાણીને બદલે પ્રફુલ પાનસેરિયાને મંત્રી પદ આપવામાં આવ્યું છે. પ્રફુલ પાનસેરિયાની શૈક્ષણિક લાયકાત પણ ખૂબ સારી છે, તે પણ એક ફેક્ટર છે, જેના કારણે તેમને મંત્રી માટે પસંદ કરવામાં આવ્યા છે.

મુકેશ પટેલને ફરી મંત્રી પદ
ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ પણ શપથ લીધા છે. શપથવિધિ માટે કેટલાક ધારાસભ્યને ફોન આવ્યા છે. મુકેશ પટેલ હાલ રાજ્ય પેટ્રો કેમિકલ અને કૃષિ મંત્રી હતા. તેમને ફરીથી મંત્રી પદ મળ્યું છે. સુરત શહેરના 12 ધારાસભ્યો પૈકી ત્રણ ધારાસભ્યોને મંત્રી પદ મળવું નક્કી થઈ હતું. મુકેશ પટેલે ઉર્જા અને કૃષિ મંત્રી તરીકે કરેલી કામગીરીની નોંધ લેવામાં આવી હતી. મુકેશ પટેલના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુકેશ પટેલની કામગીરીની ભારે પ્રશંસા કરી હતી અને લોકોમાં જઈને તેઓ કામ કરી રહ્યા છે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. મુકેશ પટેલના મંત્રી તરીકેના કાર્યકાળમાં કોઈ મોટો વિવાદ સામે આવ્યો ન હતો. જેને કારણે તેમને ફરી એકવાર મંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post