• Home
  • News
  • 18મી જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે, 21મીએ પરિણામ
post

લોકસભા, રાજ્યસભા, કેટલાક રાજ્યોમાં વધુ સંખ્યાબળના કારણે ભાજપના ઉમેદવાર જ રાષ્ટ્રપતિ બને તેવી સંભાવના

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-10 12:31:08

નવી દિલ્હી : ચૂંટણી પંચે ગુરુવારે દેશના આગામી રાષ્ટ્રપતિ માટે ૧૮મી જુલાઈએ ચૂંટણીની જાહેરાત કરી હતી, જેમાં ૪,૮૦૯ સાંસદો અને ધારાસભ્યો મતદાન કરી રામનાથ કોવિંદના ઉત્તરાધિકારીની પસંદગી કરશે. આ સાથે દેશને ૨૧મીએ ૧૫મા રાષ્ટ્રપતિ મળશે. જોકે, લોકસભા, રાજ્યસભા તેમજ અનેક રાજ્યોમાં સરકાર હોવાના પગલે ભાજપના ઉમેદવાર સરળતાથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી જાય તેવી શક્યતા વધુ છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગુરુવારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિની ચૂંટણી માટે જાહેરનામુ બહાર પડાયું છે. ઉમેદવારો ૧૫મી જૂનથી ઉમેદવારી પત્ર ભરી શકશે અને ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ ૨૯ જૂન છે. રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૪મી જુલાઈએ પૂરો થાય છે. કુમારે કહ્યું કે, ચૂંટણી પંચ ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી યોજવા સંપૂર્ણપણે તૈયાર છે જ્યારે આ ચૂંટણીમાં મતદાન વખતે અને મત ગણતરી વખતે કોરોના સંબંધિત સલામતીના બધા જ પ્રોટોકોલનો અમલ કરાશે અને દરેક પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે હવે કોઈપણ રાજકીય પક્ષ કોઈપણ પ્રકારનો વ્હિપ જાહેર કરી શકશે નહીં. નોમિનેશન્સની સ્ક્રુટીની ૩૦મી જૂને થશે અને ૨જી જુલાઈ સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. જરૂર પડશે તો ૧૮મી જુલાઈએ મતદાન અને ૨૧મી જુલાઈએ મતગણતરી થશે. મતદાન કરવા માટે ચૂંટણી પંચ વિશેષ ઈન્કવાળી પેન પૂરી પાડશે. મતદારોએ તેમની પસંદગીના ઉમેદવારને મત આપવા માટે ૧, , ૩ ક્રમ આપવાનો રહેશે. પહેલી પસંદના મતોથી વિજેતાનો નિર્ણય ન થાય તો ઉમેદવારના ખાતામાં મતદારોની બીજી પસંદની નવા મત તરીકે ગણતરી કરવામાં આવે છે. આ કારણે તેને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ કહેવાય છે.

કુમારે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં કુલ ૪,૮૦૯ મતદારોમાં ૭૭૬ સાંસદો અને ૪,૦૩૩ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન સંસદ અને રાજ્ય વિધાનસભાઓના પરિસરમાં હાથ ધરાશે જ્યારે રાજ્યસભાના સેક્રેટરી જનરલ રીટર્નિંગ ઓફિસર હશે. સામાન્ય રીતે સાંસદો સંસદમાં મતદાન કરે છે જ્યારે ધારાસભ્યો તેમના રાજ્યની વિધાનસભામાં મતદાન કરે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સાંસદો અને કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી તથા પુડુચેરી સહિત બધા જ રાજ્યોની વિધાનસભાના ધારાસભ્યો જ મતદાન કરી શકે છે. 

રાજ્યસભામાં નોમિનેટેડ સાંસદો અથવા રાજ્યોની વિધાન પરિષદના સભ્યો ચૂંટાયેલા ઉમેદવારો ન હોવાથી તેઓ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી. ઉપરાંત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સામાન્ય જનતા પણ મતદાન કરી શકતી નથી. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ મારફત મતદાન થાય છે. તેનો અર્થ એ છે કે રાજ્યસભા, લોકસભા અને વિધાનસભાનો એક સભ્ય એક જ મત આપી શકે છે. છેલ્લે ૨૦૧૭માં રાષ્ટ્રપતિપદ માટે મતદાન થયું હતું. મતગણતરી ૨૦મી જુલાઈએ પૂરી થઈ હતી. જેમાં રામનાથ કોવિંદ નજીકના પ્રતિસ્પર્ધી મીરા કુમારને ૩,૩૪,૭૩૦ મતોથી હરાવી રાષ્ટ્રપતિ બન્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post