• Home
  • News
  • 3 મે પછી લોકડાઉન 3.0, મોદી સાથે ચર્ચા પછી 2 સપ્તાહ સુધી લૉકડાઉન વધશે, જ્યાં હોટસ્પોટ નથી ત્યાં હટવાની શક્યતા
post

સીએમ રૂપાણીએ કહ્યું- લૉકડાઉન ધીરે ધીરે જ ખતમ કરવું જોઈએ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-28 08:35:59

નવી દિલ્હી: કોરોના વાઈરસના સંક્રમણના હોટસ્પોટમાં ત્રીજી મે પછી લૉકડાઉન આગળ વધારાશે એ લગભગ નક્કી છે. એ સિવાયના વિસ્તારોમાં લૉકડાઉન ખોલી શકાશે. જોકે, આ અંગે આખરી નિર્ણય રાજ્ય સરકારોનો જ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીઓ વચ્ચે સોમવારે થયેલી વીડિયો કોન્ફરન્સિંગમાં આ મુદ્દે સંમતિ સધાઈ હતી. આ બેઠક પછી પુડુચેરીના મુખ્યમંત્રી વી. નારાયણસામીએ કહ્યું કે, મોટા ભાગના મુખ્યમંત્રી ત્રીજી મે પછી લૉકડાઉન વધારવાના પક્ષમાં છે. આ દરમિયાન ધીમે ધીમે આર્થિક  ગતિવિધિ વધારવાની માંગ કરાઈ હતી. રાજ્યો વચ્ચે ટ્રેન અને હવાઈ સેવા 3 મે પછીયે બંધ રાખવા બધા મુખ્યમંત્રી એકમત છે. આ બેઠકમાં વડાપ્રધાને રાજ્યોની સ્થાનિક સ્થિતિ પ્રમાણે લૉકડાઉનમાં છૂટ આપવાની વ્યૂહનીતિ બનાવવાનું પણ કહ્યું હતું. તેમણે આશ્વાસન આપ્યું છે કે, દેશના અર્થતંત્રની સ્થિતિ સારી છે. ગભરાવવાની જરૂર નથી આપણે અર્થતંત્રને વિશેષ મહત્ત્વ આપવાની સાથે કોવિડ-19 વિરુદ્ધ લડાઈ ચાલુ રાખવી પડશે. આપણે સાહસિક બનીને નાગરિકોનું જીવન યોગ્ય બનાવવા સુધારા લાગુ કરવા પડશે.

દિશાનિર્દેશ કડક રીતે લાગુ કરવાની જરૂર
નારાયણસામીએ જણાવ્યું કે, નિષ્ણાતોના મતે આ વાઈરસની અસર આવનારા દિવસોમાં પણ દેખાશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ આપણા જીવનનો હિસ્સો બની જશે. એટલે હોટસ્પોટ ઝોનમાં કેન્દ્રના દિશાનિર્દેશ કડક રીતે લાગુ કરવાની જરૂર છે. રાજ્યોએ રેડ ઝોનને પહેલા ઓરેન્જ અને પછી ગ્રીન ઝોનમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

લૉકડાઉનથી દોઢ મહિનામાં હજારો જીવ બચાવ્યા 
-
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, લૉકડાઉનના સારા પરિણામ મળ્યા છે. દોઢ મહિનામાં હજારોના જીવ બચી ગયા છે. જોકે, વાઈરસનો ખતરો હજુ ઓછો નથઈ થયો. સતત સતર્ક રહેવું જરૂરી છે. દેશે અત્યાર સુધી બે લૉકડાઉન જોયા, જે બંને કેટલીક રીતે એકબીજાથી અલગ છે. હવે આપણે આગળનું વિચારવું પડશે. આ સ્થિતિમાં દરેક રાજ્યનું લક્ષ્ય ઝડપથી અસરકારક પગલાં લેવાનો જ હોવો જોઈએ.  આજે લોકો ખુદ આગળ આવીને જાણવા માંગે છે કે, તેમની ખાંસી કે શરદી કોરોનાના લક્ષણ તો નથી ને! આ આવકાર્ય બાબત છે. 
-
આ બેઠકમાં પુડુચેરી, ઓડિશા, બિહાર, મેઘાલય, મિઝોરમ, ઉત્તરાખંડ, હિમાચલ અને હરિયાણાના મુખ્યમંત્રીઓને તેમની વાત કરવાની તક અપાઈ હતી. બાકીનાને મુખ્ય સચિવ કે મંત્રીઓને મોકલવાનો વિકલ્પ અપાયો હતો. આ બેઠકમાં પ્રવાસી મજૂરોની વાપસી માટે નીતિ બનાવવાની પણ માંગ ઉઠી હતી.

હોટસ્પોટનો માપદંડ શું?
કેન્દ્રે 30 જિલ્લા હોટસ્પોટ ગણ્યા છે કે જ્યાં 100થી વધુ દર્દી છે. દર્દી બમણા થવાનો દર પણ વધ્યો છે. પણ ઘણા રાજ્યમાં 100થી ઓછા દર્દીવાળા જિલ્લા પણ હોટસ્પોટ જાહેર કરાયા છે.

ઓડિશા સહિત 5 રાજ્ય 3 મે પછી પણ લૉકડાઉન વધારવાના પક્ષમાં

·         મહારાષ્ટ્રના ઉદ્ધ‌વ ઠાકરે પીએમને રાજ્યોને સ્થાનિક સ્થિતિના આધારે લૉકડાઉનમાં છૂટની વ્યૂહનીતિ બનાવવાનું કહ્યું. માર્ગ પરિવહનને છૂટ, દુકાનો ખોલવાની પદ્ધતિ રાજ્યો જ સંભાળશે. 

·         નીતિશ કુમારે કહ્યું કે, જ્યાં સુધી કેન્દ્ર દિશા-નિર્દેશમાં સંશોધન નહીં કરે, કોટામાં ફસાયેલા વિદ્યાર્થીઓને પાછા લાવવા શક્ય નથી. 

·         ગુજરાત તબક્કાવાર લૉકડાઉન ખોલવા ઈચ્છે છે.  

·         લોકડાઉનનો બીજો તબક્કો 3જી મેના રોજ પૂરો થવાનો છે. આ પહેલાં અર્થવ્યવસ્થામાં સુધારો લાવવા માટે કેન્દ્ર સરકાર 20 અને 25 એપ્રિલ બે વાર લોકડાઉનમાં છૂટ આપી ચૂકી છે. જોકે ક્યાં ક્યાં દુકાનો ખોલવામાં આવશે અને આર્થિક ગતિવિધિઓ શરૂ કરવામાં આવશે તે નિર્ણય રાજ્ય સરકાર પર છોડવામાં આવ્યો છે.

મોદીની ચર્ચાની 6 વાતો
1.
લોકડાઉન: આના પરિણામો સકારાત્મક રહ્યા. માર્ચમાં ભારત અને અન્ય દેશોની સ્થિતિ એક જેવી હતી. પરંતુ દોઢ મહિનામાં આપણે હજારો જીવન બચાવવામાં સફળ રહ્યા છીએ.
2.
કોરોના: સંકટ હજી ટળ્યું નથી, આ હજી થોડા મહિના સુધી રહેશે.
3.
ઈકોનોમી: દેશની અર્થવ્યવસ્થાને પણ મહત્વ આપવું પડશે, ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો પડશે.
4.
વિદેશોમાં ફસાયેલા ભારતીયો: તેઓ પરત આવશે પછી તેમના પરિવારના જોખમને ધ્યાનમાં રાખવું પડશે.
5.
હોટ સ્પોટ:  પ્રયત્ન કરો કે રેડ ઝોન પહેલાં ઓરેન્જ અને પછી ગ્રીન ઝોનમાં આવે.
6.
હવામાનમાં ફેરફાર: અત્યારે ગરમી છે, પછી ચોમાસું આવી જશે. હવામાનના ફેરફાર સમયે તકેદારી રાખવી પડશે કેમકે આ જ સમયમાં બિમારીઓ વધારે ફેલાય છે. આ વિશે આપણે પહેલેથી જ રણનીતિ બનાવવી પડશે.

માત્ર કેરળના મુખ્યમંત્રી સામેલ ન થયા, મમતાએ હાજર રહીને ચોંકાવ્યા
કેરળ એક માત્ર એવું રાજ્ય જેના મુખ્યમંત્રી વી વીજયન વીડિયો કોન્ફરન્સમાં સામેલ નહતા થયા. તેમની જગ્યાએ મુખ્ય સચિવ ટોમ જોસે મીટિંગ અટેન્ડ કરી હતી. વીજયનનું નામ તે નવ મુખ્યમંત્રીઓમાં સામેલ નહતું જેમને આજે મોદી સાથે વાત કરવાનો મોકો મળ્યો હતો.
બીજી બાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વિશે અટકળો હતી કે તેઓ આ બેઠકમાં સામેલ થશે કે નહીં, પરંતુ તેઓ મીટિંગમાં હાજર રહ્યા હતા. મીટિંગ પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે, મમતા થોડી વાર માટે મીટિંગમાં બેસશે અને ત્યારપછી તેમની જગ્યાએ ચીફ સેક્રેટરી અથવા અન્ય કોઈ અધિકારી બેસશે. પરંતુ મમતાએ આખી મીટિંગ અટેન્ડ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેઓ એ વાતથી નારાજ છે કે, મોદીની સાથે મુખ્યમંત્રીઓની બેઠકમાં મોટા રાજ્યોને બોલવાનો મોકો આપવામાં આવતો નથી.

મોટા ભાગના ભાજપ શાસિત રાજ્યો લોકડાઉનના પક્ષમાં
પોંડિચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીએ જણાવ્યું કે, ભાજપ શાસિત રાજ્યોના મોટાભાગના મુખ્યમંત્રી લોકડાઉન ચાલુ રાખવાના પક્ષમાં છે. તેઓ ઈચ્છે છે કે, આર્થિક ગતિવિધિઓને ધીમે ધીમે શરૂ કરવામાં આવે. મોટા ભાગના મુખ્યમંત્રીઓનું કહેવું છે કે, જે રીતે ઈન્ફેક્શનના કેસ વધી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને સાવધાની રાખવી જરૂરી છે. વડાપ્રધાને મુખ્યમંત્રીઓના સૂચનના આધારે નિર્ણય લેવો જોઈએ.

20 માર્ચે પહેલીવાર મુખ્યમંત્રીઓ સાથે વાતચીત
દેશમાં કોરોનાના કેસ વધ્યા પછી 20 માર્ચે (શુક્રવારે) વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓ સાથે ઈન્ફેક્શન રોકવાના ઉપાય પર ચર્ચા કરી હતી. વડાપ્રધાને મુખ્યમંત્રીઓને ઈન્ફેક્શનને કાબુમાં કરવા માટે લોકો અને સ્થાનિક પ્રશાસન વચ્ચે તાલમેલ વધારવાની વાત કરી હતી. આ દરમિયાન રાજ્યોમાં ટ્રેન્ડ સ્ટાફ વધારવા અને સ્થાનિક સ્વાસ્થયકર્મીઓને ટ્રેનિંગ આપવાના મુદ્દે પણ વિચાર કરવામાં આવ્યો હતો. આ સિવાય બેઠકમાં બીમારીની સારવાર માટે રાજ્યોમાં ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

11 એપ્રિલે બીજી વખત વીડિયો કોન્ફરન્સ થઈ
લોકડાઉનનો પહેલો તબક્કો 14 એપ્રિલે પૂરો થયો હતો. તે પહેલાં પણ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને લોકડાઉન વધારવા વિશે સૂચનો માંગ્યા હતા. આ દરમિયાન મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું હતું કે, જાન હૈ તો જહાન હૈ. જ્યારે મેં રાષ્ટ્રના નામે સંદેશ આપ્યો હતો ત્યારે આ જ વાત પર જોર આપ્યું હતું કે, દરેક નાગરિકનો જીવ બચાવવા માટે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ખૂબ જરૂરી છે. જ્યારે દેશનો દરેક નાગરિક પોતાના જીવ અને દુનિયા બંનેની ચિંતા કરીને પોતાની જવાબદારી નીભાવશે, સરકાર અને પ્રશાસનના દિશા-નિર્દેશોનું પાલન કરશે ત્યારે કોરોના સામે આપણી લડાઈ વધારે મજબૂત થશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post