• Home
  • News
  • પંજાબી સિંગર સિધ્ધુના હત્યારા શાર્પ શૂટર કચ્છમાંથી ઝડપાયા
post

દિલ્હી પોલીસની STFનું મુંદ્રાના બારોઈ ગામમાં ઓપરેશન

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-21 11:10:00

ભુજ- અમદાવાદ : પંજાબમાં જાણીતા સિંગર સિધ્ધુની હત્યા કરનાર લોરેન્સ બિશ્નોઇ ગેંગના ત્રણ શાર્પશૂટર કચ્છના મુંદ્રા નજીક બારોઈ ગામમાંથી ઝડપી લેવાયા છે. દિલ્હી સ્પેશિયલ ટાસ્ટ ફોર્સે કચ્છ પોલીસની મદદ લઈને સિંગર સિધ્ધુ મુસેવાલા ઉપર ગોળી છોડનાર મુળ હરિયાણાના  પ્રિયવર્ત ઉર્ફે ફૌજી અને કશિષ ઉપરાંત  તેમને મદદ કરનાર પંજાબના કેશવકુમાર નામના સાગરિતને ઝડપી લીધા છે. બિશ્રોઈ ગેંગના ત્રણેય શખ્શોએ કચ્છમાં કામની તલાશમાં આવ્યા હતા અને રૃમ ભાડે રાખીને રહેતા હતા તેવી કેફિયત આપી છે. ઉલ્લેખનિય છે કે, ગત તા. ૧૩ના રોજ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો શાર્પશૂટર સંતોષ જાધવ અને સાગરિતને કચ્છના માંડવીથી પૂણે પોલીસ દ્વારા ઝડપી લેવાયાં હતાં.

જાણીતા પંજાબી લોકગાયક સિધ્ધુ મુસેવાલાની ગત તા. ૨૯ મે ના દિવસે હત્યા કરનારાં શાર્પશૂટર પ્રિયવર્ત ઉર્ફે ફૌજી (ઉ.વ. ૨૬ ) અને કશિષ (ઉ.વ. ૨૪) ઉપરાંત તેમના મદદગાર કેશવકુમાર (ઉ.વ. ૨૯)ને દિલ્હી સ્પેશિયલ ટાસ્ટ ફોર્સની ટીમે મુંદ્રાના બારોઈ ગામેથી ઝડપી લીધા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ પોલીસ કમિશનર એચજીએસ ધાલીવાલે જણાવ્યું હતું કે, આરોપીઓએ મુસેવાલાની હત્યા કરતાં પહેલાં રેકી કરી હતી. આરોપીઓ પાસેથી આઠ ગ્રેનેડ, નવ ઈલેક્ટ્રિક ડીટોનેટર્સ, ત્રણ પિસ્ટલ અને એક એસોલ્ટ રાઈફલ કબજે કરવામાં આવી છે. 

 

કચ્છના મુંદ્રા પાસેથી પકડાયેલઆ આરોપી પ્રિયવર્ત ઉર્ફે ફૌજીએ મુસેવાલાની હત્યામાં સંડોવાયેલી ટૂકડીની આગેવાની લીધી હતી. હત્યા સમયે પ્રિયવતે કેનેડામાં રહેતા ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સાથે  સંપર્કમાં હતો. હત્યાની ઘટના પહેલાં પેટ્રોલ પમ્પના સીસીટીવી મળ્યાં છે તેમાંથી પ્રિયવર્ત જોવા મળ્યો છે. પ્રિયવર્ત મુખ્ય સુત્રધાર અને શાર્પશૂટર તરીકે ઉપસી આવ્યો છે. જ્યારે, બીજો શાર્પશૂટર કશિષ પણ સીસીટીવીમાં  જોવા મળ્યો હતો. પ્રિયવર્ત ઉર્ફે ફૌજી સામે વર્ષ ૨૦૧૫માં હત્યા ઉપરાંત વર્ષ ૨૦૨૧માં હત્યા કેસમાં વોન્ટેડ હોવાના કેસ છે. જ્યારે, કશિષ સામે પણ હરિયાણામાં વર્ષ  ૨૦૨૧માં હત્યાનો ગુનો નોંધાયો હતો. જ્યારે, ત્રીજો આરોપી કેશવકુમાર મદદગાર હતો. કેશવકુમારે શાર્પશૂટર્સને ફાયરિંગ કરીને મુસેવાલાની હત્યા કર્યા પછી ભાગવા માટે અલ્ટો કારની વ્યવસ્થા કરી આપી હતી. કેશવકુમાર સામે પણ પંજાબમાં વર્ષ ૨૦૨૦માં હત્યા કેસ અને ખંડણીના ગુના નોંધાયેલાં છે.

આવા ખૂંખાર આરોપી એક સપ્તાહ પૂર્વે ત્રણેય શખ્સો કામની તલાશમાં કચ્છ આવ્યા હતા અને બારોઇ ગામે રૃમ ભાડે રાખીને રહેતા હતા. ત્રણેય શખ્સોની મકોકા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.  ઉલ્લેખનિય છે કે, મુસેવાલાની હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણી ખૂલી છે. લોરેન્સ બિશ્નોઈનો શાર્પશૂટર સંતોષ જાધવ અને તેને આશ્રય આપનાર સાગરિત નવનાથ સૂર્યવંશી માંડવીથી ઝડપાયા હતા. એક વર્ષથી કચ્છમાં સ્થાયી થયેલા સંતોષ જાધવને પૂણે પોલીસની ટીમે ઝડપી લીધો હતો.

મુંદ્રાના પોલીસ ઇન્સ્પેક્ટર હાદક ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની પંજાબી સિંગર સિધ્ધુ મુસેવાલાની હત્યાના કેસમાં પંજાબ પોલીસે ધરપકડ કરી હતી. હવે તેની આખી ગેંગ પર તવાઈ ઉતારવામાં આવી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post