• Home
  • News
  • રાહુલ ગાંધીને ફરી જામીન મળ્યા:સજા પર સ્ટે અંગે 13 એપ્રિલે સુનાવણી થશે જેમાં રાહુલ ગાંધીએ હાજર રહેવાની જરૂર નથી
post

કોર્ટમાંથી નીકળ્યા બાદ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કર્યું હતું. જેમાં લખ્યું હતું કે, યે મિત્રકાલ કે વિરુદ્ધ, લોકતંત્ર બચાને કી લડાઈ હૈ. ઈસ સંઘર્ષ મેં, સત્ય મેરા અસ્ત્ર હૈ, ઔર સત્ય હી મેરા આસરા !..

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-03 18:19:40

સુરત: સુરતની કોર્ટમાં કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી સામે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ 'મોદી' અટક ધરાવતી વ્યક્તિઓ પર ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં 23 માર્ચે ચુકાદો આવ્યો હતો, જેમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગ્યા હતા અને તરત જ 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા. સજાના બીજા જ દિવસે 24 માર્ચે રાહુલ ગાંધીને સાંસદપદ ગુમાવવું પડ્યું હતું. હવે આજરોજ સાંસદપદ ગુમાવ્યાના 11 દિવસ બાદ રાહુલ ચુકાદા સામે સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરવા આવ્યાં હતા. કોર્ટમાં રાહુલ ગાંધીની કન્વિક્શન પરની વધુ સુનાવણી 13 એપ્રિલના રોજ હાથ ધરાશે.જ્યારે ફરિયાદીના વકીલે 10 એપ્રિલ સુધીમાં કોર્ટમાં જવાબ રજૂ કરવાનો રહેશે.

15 હજારના જામીન મંજૂર
સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને 15 હજારના જામીન ઉપર મુક્ત કર્યા હતાં. આ સંજોગોમાં નીચલી કોર્ટે રાહુલ ગાંધીને 30 દિવસ માટે જામીન પર છોડ્યા હતા તે હુકમની જગ્યાએ સેશન્સ કોર્ટે રૂબરૂની અપીલનો જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી રાહુલ ગાંધીને સેશન કોર્ટે જામીન મુક્ત કર્યા છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું
કોર્ટમાંથી નીકળ્યા બાદ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કર્યું હતું. જેમાં લખ્યું હતું કે, યે મિત્રકાલ કે વિરુદ્ધ, લોકતંત્ર બચાને કી લડાઈ હૈ. ઈસ સંઘર્ષ મેં, સત્ય મેરા અસ્ત્ર હૈ, ઔર સત્ય હી મેરા આસરા !..

અપીલમાં આ મુદ્દા રજૂ કરાયા
-
રાહુલ ગાંધીએ અપીલમાં કહ્યું કે, એકમાત્ર વાક્ય 'બધા ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે' તેના પર સજા કરી છે. તે વધુ પડતી અને આકરી છે. એટલું જ નહી પણ તે માટે સજા જ ખોટી કરી છે.
-
મોદી નામે કોઈ સમાજ નથી અને બદનક્ષી થઈ હોય તેવું નીચલી કોર્ટે ઠરાવ્યું નથી, પણ મોદી અટકધારી હોવાથી પૂર્ણેશ મોદીને ફરિયાદ કરવાનો અધિકાર છે. તેવું ઠરાવેલું છે.પરંતુ તેમના જ કહેવા પ્રમાણે દેશમાં 13 કરોડ મોદી છે.
-
ભાષણમાં માત્ર નરેન્દ્ર મોદી, લલીત મોદી અને નિરવ મોદીના સંદર્ભમાં જણાવ્યું હતું. અન્ય મોદીની બદનક્ષી કરવાનો ઈરાદો નહોતો.
-
મોદી અટકધારીઓનું કોઈ ગ્રુપ નથી.મોદી અટક ફક્ત ઓબીસીમાં આવે છે તેવું પણ નથી.
-
પૂર્ણેશ મોદી એક ચોક્કસ નાના ગ્રુપના સભ્ય હોવા જોઈએ તેઓ પોતે કહે છે કે મોદીઓ 13 કરોડ છે, ત્યારે તે નાનું અને ચોક્કસ ગ્રુપ કહેવાય નહીં અને તેથી તેવા કોઈ કહેવાતા ગ્રુપના સભ્ય તરીકે પૂર્ણેશ મોદીને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી.

3 બાબત માટે રાહુલ આવ્યા હતા-વકીલ
રાહુલ ગાંધીના વકીલ બી.એમ.માંગૂકિયાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી આજે 3 બાબતોને લઈને આવ્યાં હતાં. જેમાં અપીલ દાખલ કરવી, જામીન અને સસ્પેન્શન ઓફ કન્વીક્શન. આ ત્રણમાં અપીલ દાખલ થઈ છે. જામીન મળી ગયા છે અને ત્રીજું સસ્પેન્શન ઓફ કન્વીક્શન એટલે કે, સભ્યપદ માટેની જે વાત છે. તેની સુનાવણી આગામી 13મીએ થવાની છે.

સુનાવણી 13 એપ્રિલે થશે
રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં મળેલી સજા પર સ્ટેની અરજી કરવામાં આવી હતી. આરોપીના વકીલ દ્વારા આરોપીને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ અંગેની માગ કરવામાં આવી હતી. જેમાં નામદાર કોર્ટે હાજર રહેવામાંથી મુક્તિ આપી છે. જે રાહુલ ગાંધી માટે રાહતના સમાચાર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post