• Home
  • News
  • મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા:ગુજરાત હાઈકોર્ટે 2 વર્ષની સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો
post

રાહુલને 2 વર્ષની સજા થઈ, પછી સંસદ સભ્યપદ પણ ગયું

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-15 17:27:11

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે સુપ્રીમ કોર્ટમાં મોદી સરનેમ કેસમાં 2 વર્ષની સજા પર રોક લગાવવા અરજી દાખલ કરી હતી. સુરત સેશન્સ કોર્ટે કોંગ્રેસના પૂર્વ સાંસદને 23 માર્ચે સજા ફટકારી હતી. ચુકાદા સામે રાહુલના વકીલો ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા, જ્યાં 7 જુલાઈએ થયેલી સુનાવણીમાં કોર્ટે સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો.

શું છે સમગ્ર મામલો
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા 2019ના કેસમાં સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે 23 માર્ચે રાહુલ ગાંધીને ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. 13 એપ્રિલ, 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી કે 'બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે?' ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ટિપ્પણી બદલ રાહુલ ગાંધી સામે માનહાનિનો ફોજદારી કેસ દાખલ કર્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું હતું?
ન્યાયાધીશ હેમંત પ્રચ્છકે અરજીને ફગાવી દેતાં કહ્યું હતું કે રાહુલ ગાંધી સામે પહેલેથી જ દેશભરમાં 10 કેસ ચાલી રહ્યા છે અને કોંગ્રેસનેતાને તેમની ટિપ્પણી માટે બે વર્ષની જેલની સજાનો ટ્રાયલ કોર્ટનો આદેશ "વાજબી, યોગ્ય અને માન્ય" છે. કોર્ટે કહ્યું હતું કે દોષિત ઠેરવવાના ચુકાદા પર પ્રતિબંધ લગાવવા માટે કોઈ વાજબી કારણ નથી. કોર્ટે કહ્યું, 'તે (ગાંધી) બિલકુલ પાયાવિહોણા આધારો પર દોષિત ઠરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અયોગ્યતા માત્ર સાંસદો, ધારાસભ્યો સુધી મર્યાદિત નથી. એટલું જ નહીં, આરોપી વિરુદ્ધ 10 ફોજદારી કેસ પેન્ડિંગ છે.

જોકે, સેશન્સ કોર્ટના નિર્ણયની 27 મિનિટ બાદ રાહુલને જામીન મળી ગયા હતા. બીજા દિવસે એટલે કે 24 માર્ચે રાહુલનું સંસદ સભ્યપદ રદ થયું હતું. થોડા દિવસો પછી તેણે પોતાનો સરકારી બંગલો ખાલી કરવો પડ્યો.

રાહુલને 2 વર્ષની સજા થઈ, પછી સંસદ સભ્યપદ પણ ગયું
રાહુલનું સંસદ સભ્યપદ 24 માર્ચે બપોરે 2.30 વાગ્યે રદ કરવામાં આવ્યું હતું. તેઓ કેરળના વાયનાડથી લોકસભાના સભ્ય હતા. લોકસભા સચિવાલયે પત્ર જારી કરીને આ અંગે માહિતી આપી હતી. રાહુલનું નામ લોકસભાની વેબસાઈટ પરથી પણ હટાવી દેવામાં આવ્યું છે.

હકીકતમાં, સુપ્રીમ કોર્ટે 11 જુલાઈ, 2013ના રોજ આપેલા તેના ચુકાદામાં કહ્યું હતું કે, કોઈપણ સાંસદ અથવા ધારાસભ્યને નીચલી કોર્ટમાં દોષિત ઠેરવવાની તારીખથી સંસદ અથવા વિધાનસભાના સભ્યપદ માટે અયોગ્ય ઠેરવવામાં આવશે.

કોર્ટે આ આદેશ લીલી થોમસ વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયાના કેસમાં આપ્યો હતો. અગાઉ કોર્ટનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી ધારાસભ્ય કે સાંસદનું સભ્યપદ ખતમ ન કરવાની જોગવાઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post