• Home
  • News
  • નેશનલ હેરાલ્ડના 16 ઠેકાણાઓ પર દરોડા:સોનિયા-રાહુલની પૂછપરછ પછી કાર્યવાહી, રાહુલે કહ્યું- તાનાશાહના દરેક ફરમાન સામે અમે લડીશું
post

આ કેસમાં જૂન 2014માં કોર્ટે સોનિયા, રાહુલ સહિત અન્ય આરોપીઓ સામે સમન્સ જાહેર કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-02 18:50:14

દિલ્હીમાં ઈડીએ મંગળવારે નેશનલ હેરાલ્ડ ઓફિસ સહિત 10 ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈડીએ નેશનલ હેરાલ્ડ ઓફિસમાં તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં જ ઈડીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. કોંગ્રેસે ઈડીની કાર્યવાહીના વિરોધમાં સમગ્ર દેશમાં સત્યાગ્રહ કર્યો હતો.

નેશનલ હેરાલ્ડ કેસમાં કોઈ હાજર નથી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે નેશનલ હેરાલ્ડ ઓફિસમાં સિક્યુરિટી ગાર્ડ સિવાય કોઈ હાજર નહતું. બીજી બાજુ કોંગ્રેસ સાંસદ ઉત્તર રેડ્ડીએ ઈડીની કાર્યવાહી વિશે કહ્યું છે કે, આ ચોંકાવનારી વાત છે. આ રાજનીતિના બદલા સિવાય બીજુ કઈ નથી.

રાહુલે કહ્યું હતું- જનતાનો અવાજ દબાવવાનો પ્રયત્ન
ED
ની કાર્યવાહી દરમિયાન રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું, પોતાને એકલા ના સમજતા. કોંગ્રેસ તમારો અવાજ છે અને તમે કોંગ્રેસની તાકાત. તાનાશાહના દરેક ફરમાનથી, જનતાનો અવાજ દબાવવાના દરેક પ્રયત્ન સામે અમે લડીશું. તમારા માટે હું અને કોંગ્રેસ પાર્ટી લડી રહ્યા છીએ અને આગામી સમયમાં પણ લડીશું. અત્યારે દેશના કયા મુદ્દાઓ પર ચર્ચા વિચારણાં થવી જોઈએ તે તેમને બધાને ખબર છે. કારણકે સરકારની દરેક ખોટી નીતિની અસર તમારા જીવન પર પડી રહી છે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું, આ સરકાર ઈચ્છે છે કે, તમે કોઈ પણ સવાલ કર્યા વગર તાનાશાહની દરેક વાત સ્વીકારી લો. હું તમને વિશ્વાસ અપાવું છું કે, આમનાથી ડરવાની કે તાનાશાહ સહન કરવાની જરૂર નથી. આ લોકો ડરપોક છે. તમારી તાકાત અને એકતાથી ડરે છે, તેથી તેના પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. જો તમે એકજૂથ થઈને સામનો કરશો તો આ લોકો ડરી જશે. મારું તમને વચન છે કે, ના અમે ડરીશું, ના આ લોકોને તમને ડરાવવા દઈશું.

નેશનલ હેરાલ્ડ કેસ શું છે?

BJP નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ 2012માં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. એમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાન્ડિઝ, સેમ પિત્રોડા અને સુમન દુબે પર નુકસાનમાં ચાલતા નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપરને દગાખોરી અને પૈસાની હેરાફેરી દ્વારા હડપવાનો આરોપ લગાવ્યો હતો.

આરોપ પ્રમાણે આ કોંગ્રેસી નેતાઓએ નેશનલ હેરાલ્ડની સંપત્તિ પર કબજો કરવા માટે યંગ ઈન્ડિયા લિમિટેડ એટલે કે YIL નામનું ઓર્ગેનાઈઝેશન બનાવ્યું અને એના દ્વારા નેશનલ હેરાલ્ડને પ્રકાશન કરતી એસોસિયેટ જર્નલ લિમિટેડ, એટલે કે AJLનો બિનકાયદેસર હસ્તગત કર્યું. સ્વામીનો આરોપ હતો કે આવું દિલ્હીના બહાદુર શાહ જફર માર્ગ પર આવેલા હેરાલ્ડ હાઉસની 2000 કરોડ રૂપિયાના બિલ્ડિંગ પર કબજો કરવા માટે કરવામાં આવ્યું હતું.

સ્વામીએ 2000 કરોડ રૂપિયાની કંપનીને માત્ર 50 લાખમાં ખરીદવા માટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત કેસ સાથે જોડાયેલા કોંગ્રેસના અન્ય સિનિયર અધિકારીઓ સામે ફરિયાદ નોંધવવાની માગ કરી હતી.

આ કેસમાં જૂન 2014માં કોર્ટે સોનિયા, રાહુલ સહિત અન્ય આરોપીઓ સામે સમન્સ જાહેર કર્યું હતું. ઓગસ્ટ 2014માં EDએ આ કેસની નોંધ લઈને મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યો હતો. ડિસેમ્બર 2015માં દિલ્હીની પટિયાલા કોર્ટે સોનિયા, રાહુલ સહિત દરેક આરોપીઓને જામીન આપી દીધા. હવે EDએ આ કેસમાં ફરી પૂછપરછ માટે સોનિયા અને રાહુલને સમન્સ જાહેર કર્યું છે.

નેહરુએ શરૂ કર્યું હતું નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર

જે નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર કેસમાં સોનિયા-રાહુલને સમન્સ મોકલવામાં આવ્યું છે, એને 1938માં જવાહરલાલ નેહરુએ 5 હજાર સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે મળીને શરૂ કર્યું હતું. આ ન્યૂઝપેપરનું પ્રકાશન એસોસિયેટેડ જર્નલ લિમિટેડ (AJL) દ્વારા કરવામાં આવતું હતું. આઝાદી પછી આ ન્યૂઝપેપર કોંગ્રેસનું મુખપત્રક બની ગયું હતું.

AJLઆ ન્યૂઝપેપરનું પ્રકાશન ત્રણ ભાષામાં કરતી હતી. અંગ્રેજીમાં 'નેશનલ હેરાલ્ડ' સિવાય હિન્દીમાં 'નવજીવન' અને ઉર્દૂમાં 'કોમી અવાજ'. ધીમે-ધીમે ન્યૂઝપેપર નુકસાનમાં જવા લાગ્યું અને કોંગ્રેસ પાસેથી મળેલા 90 કરોડ રૂપિયાના દેવા સાથે એ 2008માં બંધ થઈ ગયું.

2010માં યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (YIL) નામનું ઓર્ગેનાઈઝેશન બન્યું, જેણે નેશનલ હેરાલ્ડને ચલાવનાર AJLને હસ્તગત કરી લીધું. YILના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામેલ હતાં. YILમાં સોનિયા અને રાહુલની ભાગીદારી 76% હતી અને બાકી 24% હિસ્સો મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાન્ડિઝ પાસે હતો. મોતીલાલ વોરાનું 2020માં અને ઓસ્કર ફર્નાન્ડિઝનું 2021માં નિધન થયું. ત્યાર પછી કોંગ્રેસે AJLની 90 કરોડ રૂપિયાની લોન YILને ટ્રાન્સફર કરી દીધી.

કોંગ્રેસની લોન ચૂકવવાના બદલામાં AJLએ યંગ ઈન્ડિયાને 9 કરોડના શેર આપ્યા. આ 9 કરોડના શેરની સાથે યંગ ઈન્ડિયાને AJLના 99% શેર મેળવ્યા. ત્યાર પછી કોંગ્રેસે AJLની 90 કરોડની લોન માફ કરી દીધી. સુબ્રહ્મણ્યમ સ્વામીએ આ સોદા સામે સવાલ ઊભા કરીને ફરિયાદ નોંધાવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post