કેન્દ્ર સરકાર દ્વારા 50 અમૃત ભારત એક્સપ્રેસને મંજૂરી અપાઈ: અશ્વિની વૈષ્ણવ
ભારતીય રેલવે દ્વારા થોડા સમય પહેલા જ યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને બે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. તેમાંથી પ્રથમ ટ્રેન દરભંગા-અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ વચ્ચે દોડાવવામાં આવી હતી. બીજી ટ્રેન માલદા ટાઉન-સર એમ વિશ્વેશ્વરૈયા ટર્મિનસ (બેંગલુરુ) વચ્ચે દોડી હતી. આ બંને ટ્રેનોની સફળ શરૂઆત બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા 50 અમૃત ભારત એક્સપ્રેસને મંજૂરી આપવામાં આવી છે.
30 ડિસેમ્બરથી શરૂ થઈ હતી ટ્રેન
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 50 નવી અમૃત ભારત ટ્રેનની મંજૂરી સાથે સંબંધિત માહિતી શેર કરી છે. આ નિર્ણય વડાપ્રધાન મોદી દ્વારા 30 ડિસેમ્બરના રોજ શરૂ કરવામાં આવેલી અમૃત ભારત ટ્રેનોને મળેલા જબરજસ્ત પ્રતિસાદ બાદ લેવામાં આવ્યો છે. અમૃત ભારત ટ્રેનનું નિર્માણ સરકારે 'મેક ઈન ઈન્ડિયા' અંતર્ગત કર્યું છે. આ ભારતીય રેલવેની આધુનિક ટ્રેન છે. સામાન્ય માણસની સુવિધાને ધ્યાનમાં રાખીને આ ટ્રેન તાજેતરમાં જ શરૂ કરવામાં આવી હતી.
અમૃત ભારત ટ્રેનની વિશેષતાઓ
આ નોન-એસી ટ્રેનમાં સેકન્ડ ક્લાસ અનરિઝર્વ્ડ અને સ્લીપર કોચ છે. બંને છેડે 6,000 એચપી WAP5 લોકોમોટિવના સાથે ટ્રેન 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવામાં સક્ષમ છે. આ ટ્રેનમાં બે એન્જિન લગાવવામાં આવ્યા છે કારણ કે તે લિન્ક હોફમેન બુશ (LHB) પુશ-પુલ ડિઝાઈનવાળી હાઈ સ્પીડ ટ્રેન છે. ટ્રેનના આગળના ભાગમાં લગાવેલું એન્જિન ટ્રેનને આગળ ખેંચે છે. જ્યારે પાછળ લગાવવામાં આવેલું એન્જિન ટ્રેનને આગળ વધારવામાં મદદ કરે છે. જેના કારણે તે સરળતાથી હાઈ સ્પીડ હાંસલ કરી લે છે.