• Home
  • News
  • અદાણીના સોલર પાવર પ્લાન્ટ સામે રાજસ્થાન હાઇકોર્ટનો સ્ટે, અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી યથાસ્થિતિ જળવાશે
post

1500 મેગાવોટના પ્રોજેક્ટ મામલે અદાણી ગ્રૂપને મોટો ફટકો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-10 11:44:26

અદાણી ગ્રૂપને સોલર એનર્જી પાર્ક પ્રોજેક્ટ માટે રાજસ્થાનના જેસલમેર જિલ્લાના પોખરણના નેદાન ગામમાં અઢી વર્ષ પૂર્વે તત્કાલીન વસુંધરા રાજે સરકારના સમયમાં ફાળવાયેલી જમીનના મામલાને રાજસ્થાન હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. નિયમ વિરુદ્ધ જઇને અદાણી ગ્રૂપને આ જમીન ફાળવવામાં આવી હોવાની દલીલ કરાઇ છે. અરજદાર સિંગલ જજની બેન્ચમાં કેસ હારી ચૂક્યા હતા. હવે તેમણે 2 જજની બેન્ચ સમક્ષ અપીલ કરી છે.

હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ સંગીત લોઢા તથા રામેશ્વર વ્યાસની બેન્ચ સમક્ષ આ અપીલ મામલે મંગળવારે સુનાવણી થઇ અને રાજ્ય સરકારે કેસની સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી કે અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી યથાસ્થિતિ જાળવી રાખવાની બાંયધરી આપી છે. આ બાંયધરીથી અદાણી ગ્રૂપને મોટો ફટકો પડ્યો છે. આ કેસમાં સુનાવણી પૂરી ન થાય કે કોર્ટ અરજીનો નિકાલ ન લાવે ત્યાં સુધી 1500 મેગાવોટનો સોલર એનર્જી પાર્ક પ્રોજેક્ટ સાકાર નહીં થઇ શકે.

અરજદાર બરકત ખાન વતી વકીલ મોતીસિંહ રાજપુરોહિતે અપીલ દાખલ કરીને કોર્ટને જણાવ્યું કે પોખરણના સબ-ડિવિઝનલ ઓફિસરે (એસડીઓ) વર્ષ 2006માં જમીન ફાળવવા રાજસ્થાન જમીન મહેસૂલ (કૃષિ ઉદ્દેશ માટે જમીન ફાળવણી) નિયમ, 1970 હેઠળ યોગ્ય ભાડૂત ખેડૂતો માટે જાહેરાત આપી હતી. આ જમીન ઉજ્જડ કે ખરાબ ન હોવાથી માત્ર ખેતીના હેતુસર ઉપયોગમાં આવી શકે છે. તેમ છતાં વર્ષ 2015માં અદાણી રિન્યૂએબલ એનર્જી પાર્ક રાજસ્થાન લિમિટેડને સોલર પ્લાન્ટ માટે 6,115 વીઘા જમીન ફાળવવા ભલામણ મોકલી દેવાઇ.

ત્યાર બાદ 2017ની 30 મેએ મહેસૂલ વિભાગે આદેશ જારી કરીને અદાણી ગ્રૂપને સોલર પ્લાન્ટ માટે ફાળવવાના હેતુથી જમીનનો હેતુફેર કર્યો. ત્યાર પછી રાજ્ય સરકારની મંજૂરીથી જિલ્લા કલેક્ટરે 2018ની 11 જાન્યુઆરીએ 6,115 વીઘા જમીન અદાણી ગ્રૂપને ફાળવી દીધી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post