• Home
  • News
  • ભાજપને ભરતસિંહ હારે તેના કરતાં જીતે તેમાં વધુ રસ, લાંબા ગાળાનું આયોજન
post

ભાજપમાં ચર્ચા છે કે નરહરિ અમિત શાહની ચોઇસ નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 11:00:41

ગાંધીનગર: ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે રાજ્યસભા ચૂંટણીમાં નરહરિ અમીનને ઉતાર્યાં બાદ ચાર બેઠકનો આ જંગ રસાકસીભર્યો બની ગયો છે, પરંતુ ભાજપને કોંગ્રેસના બીજા ઉમેદવાર ભરતસિંહ નરહરિ અમીનની સામે હારે તેના કરતાં જીતે તેમાં વધુ રસ છે. ભરતસિંહ જીતીને રાજ્યસભામાં જાય તે પછી ભાજપને તેમનાથી લાભની આશા વધુ છે.


ભરતસિંહ આ રાજ્યસભાનો જંગ હારી જાય તો તે ભાજપ માટે ખાસ કામના ન રહે
ભાજપની શિર્ષસ્થ નેતાગીરીના જણાવ્યાં અનુસાર જો ભરતસિંહ આ રાજ્યસભાનો જંગ હારી જાય તો તે ભાજપ માટે ખાસ કામના ન રહે, પરંતુ તેને બદલે જો જીતીને રાજ્યસભામાં જાય તો તેમના માટે ખૂબ મહત્ત્વના રહે. આ વાતનો સીધો અર્થ એ રહે કે ભરતસિંહ હાલ રાજ્યસભા જીતીને ભવિષ્યમાં રાજીનામું આપી ભાજપમાં પોતાના લોકો સાથે જોડાય તો આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ખૂબ મોટો ફાયદો થાય અને મધ્ય તથા ઉત્તર ગુજરાતની મોટાભાગની ચિંતા તેમના માથેથી દૂર થઇ શકે. આ ઉપરાંત ભવિષ્યમાં ભરતસિંહ ભાજપના ઉમેદવાર તરીકે રાજ્યસભાની ચૂંટણી લડી સીધાં કેન્દ્રમાં મંત્રી પણ બની શકે, કારણ કે તે વખતે એક બેઠક માટે ચૂંટણી થાય તો ભાજપનું સંખ્યાબળ વધુ હોવાથી તેઓ સીધા જ ચૂંટાઇ આવે. જો કે આ તમામ બાબતો જો અને તો આધારિત રહે છે.

નરહરિ અમીનને ટિકિટ અપાવવામાં આનંદીબેન પટેલની ભૂમિકા
આ તરફ ભાજપમાં જ ચર્ચા જાગી રહી છે કે નરહરિ અમીન રાજ્યસભાના ઉમેદવાર તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પસંદગી નથી. ખાનગીમાં ચર્ચાતી વાત મુજબ નરહરિને ટિકિટ અપાવવા પાછળ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની ભૂમિકા વધુ છે અને તેથી જ અમિત શાહ ગુજરાતની રાજ્યસભાની આ ચૂંટણીમાં તેટલો રસ લઇ રહ્યા નથી.


અમીનને ભરતસિંહ કરતા ઓછા એકડા
હાલ પક્ષવાર મતોની ગણતરી કરીએ તો ભાજપના 103 MLA પૈકી પહેલા બે ઉમેદવારોને 72 મતો મળે તો નરહરિ માટે 31 મત રહે, તે પણ તે શરતે કે ભાજપ પહેલા બે ઉમેદવારોને કટ ટુ કટ 36 મત અપાવવાનો વ્યૂહ અપનાવે તો જ. જો તે બન્ને ઉમેદવારોના જીતની શક્યતા પાક્કી કરાવવા એક-એક મત વધુ નંખાવવાનો આગ્રહ રખાય તો નરહરિને માત્ર 29 મત મળે. તેની સામે કોંગ્રેસના પહેલા ઉમેદવાર શક્તિસિંહને 36 મત મળે તો પાર્ટીના બાકી MLA અને અપક્ષ જિજ્ઞેશ મેવાણીના મત ભરતસિંહને જ મળવાના હોય તો તે સંખ્યા 33ની થાય. આમ ભરતસિંહને નરહરિ અમીન કરતાં બેથી 4 મત વધુ મળે અને તેમના જીતવાની શક્યતા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post