• Home
  • News
  • રાજ્યસભા ચૂંટણી:રબારી સમાજના ભામાશા અને પૂર્વ MLA બાબુ દેસાઈ અને વાંકાનેર રાજવી પરિવારના કેસરીદેવસિંહ ઝાલાએ નામાંકનપત્ર ભર્યું
post

કેસરીદેવસિંહને 2011માં વડાપ્રધાને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-12 18:24:06

ગુજરાતમાં ત્રણ બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જેમાં વિદેશ મંત્રી એસ.જયશંકર બાદ ભાજપે વધુ બે ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં રબારી સમાજના ભામાશા તરીકે ઓળખાતા, બનાસકાંઠાના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુ દેસાઈ અને વાંકાનેરના રાજવી પરિવારના કેસરીદેવસિંહ ઝાલાના નામ પર ભાજપે મહોર મારી છે. આજે બન્નેએ 2 વાગ્યે ગુજરાત વિધાનસભામાં ઉમેદવારીપત્ર ભર્યું હતું.

બાબુભાઈ પહેલાં બિલ્ડર હતા
બાબુભાઈ અમદાવાદમાં સોલા રોડ પર રહે છે. રબારી સમાજમાં તેમને ભામાશા કહેવાય છે, મૂળ બિલ્ડર હતા અને તેમાંથી તેઓ ધારાસભ્ય બન્યા હતા. હાલ સામાજિક પ્રવૃત્તિ કરી રહ્યા છે. જ્યારે વાંકાનેર વિધાનસભા બેઠક પર જીતુ સોમાણીનું નામ જાહેર થતાં સામે કેસરીદેવસિંહ ઝાલા નારાજ થયા હતા અને અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું અને બળવો કર્યો હતો.

બાબુ દેસાઇનો પરિચય
નામ: બાબુ જેસંગભાઇ દેસાઇ

હોદ્દો: પૂર્વ ધારાસભ્ય, કાંકરેજ (2007થી 2012)

કન્વિનરઃ ગૌ સંવર્ધન સેલ, ગુજરાત પ્રદેશ ભાજપ (2012થી વર્તમાન)

જ્ઞાતિ: હિન્દુ દેસાઇ (રબારી)

જન્મ તા: 1 જૂન, 1975

જન્મ સ્થળ: મુ. ઉંબરી, તા. કાંકરેજ, જિ. બનાસકાંઠા

સરનામું: એ-25 ભાવનગર સોસાયટી, ગુલાબ ટાવર સામે, સોલા રોડ, અમદાવાદ

વતન: મુ. મકતુપુર, તા. ઊંઝા, જિ. મહેસાણા

શિક્ષણ: ઓલ્ડ એસ.એસ.સી અને સ્ટેનોગ્રાફી (ઈંગ્લિશ મીડિયમ- ચાર વર્ષ)

વ્યવસાય: ખેતી- પશુપાલન તેમજ લેન્ડ ડેવલોપર્સ એન્ડ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન

ઓફિસ: 401, સરમાઉન્ટ બિલ્ડિંગ, ઇસ્કોન મંદિર સામે, સરખેજ-ગાંધીનગર હાઇવે, અમદાવાદ. 079- 26860290

વિધાનસભા ટીમ માટે ઉમેદવારી: પાટણ (18), ડીસા (13), ધાનેરા (9), કાંકરેજ (15), દિયોદર (14), પાલનપુર (12), ચાણસ્મા (17)

 

બાબુ દેસાઇ 2007માં કાંકરેજ બેઠકથી ધારાસભ્ય બન્યા હતા
બાબુ દેસાઇ 2007માં બનાસકાંઠાની કાંકરેજ બેઠકથી ધારાસભ્ય બન્યા હતા. 2012થી ગુજરાત પ્રદેશ ભાજપના ગૌ સંવર્ધન સેલના કન્વિનર રહ્યા હતા. દ્વારકા સહિત રાજ્યભરની અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. અનેક સમૂહલગ્ન અને ધાર્મિક કાર્યક્રમના દાતા છે. ઊંઝા પાસે મકતુપુરની અનેક સંસ્થાઓમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. 10 જેટલી સેવાભાવી અને ધાર્મિક સંસ્થાઓમાં ટ્રસ્ટી છે.

કેસરીદેવસિંહને 2011માં વડાપ્રધાને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો
કેસરીદેવસિંહ વાંકાનેર સ્ટેટના રાજવી અને ભાજપના સંનિષ્ઠ નેતા અને કાર્યકર્તા છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ કેસરીદેવસિંહની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી અને સ્થાનિક કક્ષાએ તેમના નેતૃત્વમાં જ દાયકાઓ બાદ વાંકાનેરની બેઠક કોંગ્રેસના પીરજાદા પાસેથી આંચકી ભાજપના ઉમેદવારને જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત કેસરીદેવસિંહને કારણે વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપે સત્તાનો સ્વાદ ચાખ્યો હતો. કેસરીદેવસિંહને 2011માં અત્યારના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.

કેસરીદેવસિંહનું માર્ચ 2022માં રાજતિલક કરાયું હતું
આ ઉપરાંત કેસરીદેવસિંહે 2014, 2019 લોકસભા ચૂંટણીમાં ચૂંટણીલક્ષી જોગવાઈઓની જવાબદારી પણ સંભાળી હતી. 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈન્ચાર્જની જવાબદારી સંભાળી હતી. તેઓ રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા પ્રમુખ રહ્યા છે. રાજકીય ઉપરાંત સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ અનેક પ્રવૃત્તિઓ સાથે તેઓ સંકળાયેલા છે. કેસરીદેવસિંહ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના યુવા પાંખના પ્રમુખ છે. અમરસિંહજી હાઈસ્કૂલના ઉપપ્રમુખ, રમાકુંવરબા કન્યા છાત્રાલયના ટ્રસ્ટી, બોયસ બોર્ડિંગના ટ્રસ્ટી છે. 9 વર્ષથી જન્માષ્ટમી સેવા સમિતિ સાથે સંકળાયેલા છે. તેઓ વર્ષોથી ગણપતિ ઉત્સવનું આયોજન કરે છે. તમામ જ્ઞાતિના ધાર્મિક કાર્યક્રમોમાં અચૂક હાજરી આપે છે. વાંકાનેર સ્ટેટના રાજવી દિગ્વિજયસિંહનું નિધન થતા તેમના પુત્ર કેસરીદેવસિંહનું માર્ચ 2022માં રાજતિલક કરાયું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post