• Home
  • News
  • 1000 કરોડના ખર્ચે રામાનુજાચાર્ય મંદિર બની રહ્યું છે, 120 કિલોની સોનાની મૂર્તિ સ્થાપિત થશે, 216 ફૂટ ઊંચી પ્રતિમા ગિનીઝ બુકમાં નોંધાઇ
post

મંદિર આવતાં વર્ષે બનીને તૈયાર થઇ જશે, સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીને બનાવવામાં 400 કરોડ રૂપિયા ખર્ચ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-28 12:23:55

ભારતમાં પહેલીવાર સમાનતાની વાત કરનાર વૈષ્ણવ સંત રામાનુજાચાર્ય સ્વામીના જન્મને 1000 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. હૈદરાબાદમાં રામાનુજાચાર્યનું એક ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. 1000 કરોડથી વધારે ખર્ચમાં મંદિર તૈયાર થશે. મંદિરની ખાસિયત છે કે, અહીં રામાનુજાચાર્યની બે મૂર્તિઓ હશે અને બંને જ ખાસ રહેશે.

પહેલી મૂર્તિ અષ્ટધાતુની 216 ફૂટ ઊંચી છે, જે સ્થાપિત કરવામાં આવી છે, તેને સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી નામ આપવામાં આવ્યું છે. બીજી મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવશે, જે 120 કિલો સોનાથી બનેલી હશે. હૈદરાબાદથી લગભગ 40 કિમી દૂર રામનગરમાં બની રહેલાં આ મંદિરની અનેક ખાસિયત છે.

સનાતન પરંપરાના કોઇપણ સંત માટે હાલ આટલું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું નથી. રામાનુજાચાર્ય સ્વામી પહલાં એવા સંત છે, જેમની આટલી મોટી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મંદિરનું નિર્માણ 2014મા શરૂ થયું હતું. રામાનુજાચાર્યની વિશાળ પ્રતિમા ચીનમાં બનેલી છે. જેની કિંમત લગભગ 400 કરોડ રૂપિયા છે. આ અષ્ટધાતુથી બનેલી સૌથી મોટી પ્રતિમા છે. તેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે.

રામાનુજાચાર્ય 120 વર્ષ જીવ્યા હતાં, એટલે 120 કિલો સોનાની મૂર્તિઃ-રામાનુજાચાર્યની 120 કિલો સોનાથી બનેલી મૂર્તિ પાછળ એક વિશેષ કારણ છે. મંદિરના સંસ્થાપક ચિન્ના જિયાર સ્વામીના જણાવ્યાં પ્રમાણે, રામાનુજાચાર્ય સ્વામી ધરતી ઉપર 120 વર્ષ સુધી જીવિત રહ્યા હતાં, એટલે 120 કિલો સોનાથી બનેલી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી રહી છે.

રામાનુજાચાર્ય સ્વામીએ સૌથી પહેલાં સમાનતાનો સંદેશ આપ્યો હતો. સમાજમાં તેમના યોગદાનને આજ સુધી તે સ્થાન મળી શક્યું નથી, જેના તેઓ હકદાર હતાં. આ મંદિર દ્વારા તેમનું સમાન નિર્માણમાં રચનાત્મક યોગદાન દર્શાવવામાં આવશે.

45 એકરમાં આ મંદિર બની રહ્યું છે, 25 કરોડના મ્યૂઝિકલ ફાઉન્ટેનઃ-
સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી અને રામાનુજાચાર્ય ટેમ્પલ 45 એકર જમીન ઉપર બનાવવામાં આવી રહ્યું છે. મંદિરનું મૂળ ભવન લગભગ 1.5 લાખ સ્ક્વેયર ફૂટના ક્ષેત્રમાં બની રહ્યું છે. જે 58 ફૂટ ઊંચું છે. તેના ઉપર સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી રાખવામાં આવી છે. આ મંદિરમાં લગભગ 25 કરોડની કિંમતના મ્યૂઝિકલ ફાઉન્ટેન લગાવવામાં આવશે. તેમના દ્વારા પણ સ્વામી રામાનુજાચાર્યની ગાથા સંભળાવવામાં આવશે.

ઇતિહાસ 5 ભાષાઓમાં સંભળાવવામાં આવશેઃ-
મંદિરમાં ભક્તોને 5 ભાષાઓમાં ઓડિયો ગાઇડ મળી શકશે. અંગ્રેજી, હિંદી, તામિલ, તેલુગુ સહિત એક અન્ય ભાષા તેમાં સામેલ હશે. અહીં દરેક પ્રકારની સુવિધા હશે. મંદિરની અંદર રામાનુજાચાર્યના સંપૂર્ણ જીવનને ચિત્રો અને વીડિયોમાં દર્શાવવામાં આવશે. સાથે જ, દક્ષિણ ભારતના પ્રસિદ્ધ 108 દિવ્ય દેશોની રિપ્લિકા પણ આ સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીની ચારેય બાજુ બનાવવામાં આવી રહી છે.

ડિઝાઇન ઉપર બે વર્ષ સુધી કામ કર્યું-
આનંદ સાંઇસ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીની ડિઝાઇન આર્કિટેક્ટ અને દક્ષિણ ભારતીય ફિલ્મોના આર્ટ ડાયરેક્ટર આનંદ સાંઈએ બનાવી છે. તેમના જણાવ્યાં પ્રમાણે આ મંદિર અને સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીની ડિઝાઇન ઉપર લગભગ બે વર્ષ સુધી કામ કરવામાં આવ્યું છે. પૂજ્ય ચિન્ના જિયાર સ્વામીએ આ અંગે અનેક મીટિંગ કરી. તેમણે જ 108 દિવ્ય દેશનો કોન્સેપ્ટ મને આપ્યો હતો. સ્વામીજી સાથે બે વર્ષ સુધી આ કામ કર્યું અને પછી ડિઝાઇન ફાઇનલ કરી. આ મંદિર પોતાની ખાસિયતના કારણે દુનિયાના સૌથી સુંદર અને દુર્લભ મંદિરોમાંથી એક હશે.

સંત રામાનુજાચાર્ય કોણ હતાંઃ-
વૈષ્ણવ સંત રામાનુજાચાર્યનો જન્મ વર્ષ 1017માં થયો હતો. તે વિશિષ્ટાદ્વૈત વેદાંતના પ્રવર્તક હતાં. તેમનો જન્મ તમિલનાડુમાં જ થયો હતો અને કાંચીમાં તેમણે આલવાર યમુનાચાર્યજી પાસેથી દીક્ષા લીધી હતી. શ્રીરંગમના યતિરાજ નામના સંન્યાસી પાસેથી તેમણે સંન્યાસની દીક્ષા લીધી હતી. સંપૂર્ણ ભારતમાં ફરીને તેમણે વેદાંત અને વૈષ્ણવ ધર્મનો પ્રચાર કર્યો.

તેમણે અનેક સંસ્કૃત ગ્રંથોની પણ રચના કરી હતી. તેમાંથી શ્રીભાષ્યમ્ અને વેદાંત સંગ્રહ તેમના સૌથી પ્રસિદ્ધ ગ્રંથ રહ્યાં હતાં. 120 વર્ષના આયુષ્યમાં 1137માં તેમણે દેહત્યાગ કર્યો. રામાનુજાચાર્ય પહેલાં સંત હતાં, જેમણે ભક્તિ, ધ્યાન અને વેદાંતને જાતિ બંધનોથી દૂર રાખવાની વાત કરી હતી. ધર્મ, મોક્ષ અને જીવનમાં સમાનતાની પહેલી વાત કરનાર રામાનુજાચાર્ય જ હતાં.

 

adv

Related News

post
post
post
post
post
post
post