• Home
  • News
  • રામાયણ' ફૅમ અરૂણ ગોવિલ ભાજપમાં જોડાયા; પાંચ રાજ્યની ચૂંટણી પહેલાં કેસરીયો ખેસ ધારણ કર્યો
post

માનવામાં આવે છે કે અરૂણ ગોવિલ ભાજપની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી લડશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-19 11:25:13

રામાનંદ સાગરની 'રામાયણ'માં ભગવાન રામનું પાત્ર ભજવીને ઘેર-ઘેર લોકપ્રિય થનાર અરૂણ ગોવિલ ભાજપમાં જોડાયા છે. તેમણે દિલ્હીમાં ભાજપની સદસ્યતા લીધી છે. થોડાં સમયથી ચર્ચા હતી કે અરૂણ ગોવિલ ભાજપમાં જોડાઈ શકે છે. ત્રણ દાયકા સુધી ભાજપ રામની શરણમાં રહ્યો અને સત્તા સુધી પહોંચ્યો. હવે રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અરૂણ ગોવિલ ભાજપમાં જોડાતા 'રામ' પણ ભાજપની શરણમાં આવી ગયા છે.

પાંચ રાજ્યની ચૂંટણી
ટૂંક સમયમાં પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, આસામ, કેરળ તથા પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સમયે અરૂણ ગોવિલ ભાજપમાં જોડાયા તે ખાસ વાત છે. ભાજપમાં સામેલ થયા બાદ અરૂણ ગોવિલ હવે પ.બંગાળમાં ભાજપનો પ્રચાર કરશે. ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી કોંગ્રેસની ટિકિટ પરથી અરૂણ ગોવિલને ચૂંટણી લડાવવા માગતા હતા, પરંતુ તે સમયે તેમણે આ ઓફર ઠુકરાવી દીધી હતી.

કહેવાઈ રહ્યું છે કે અરૂણ ગોવિલ ચૂંટણી લડી શકે છે. જોકે, આ અંગે ભાજપ કે પછી અરૂણ ગોવિલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

'રાવણ', 'સીતા' બાદ હવે 'રામ' ભાજપનો હિસ્સો
ઉલ્લેખનીય છે કે 'રામાયણ'માં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા તથા રાવણનો રોલ કરનાર અરવિંદ ત્રિવેદીએ 1991માં ગુજરાતમાંથી ચૂંટણી લડી હતી. દીપિકાએ વડોદરા સીટ પરથી તથા અરવિંદ ત્રિવેદીએ સાબરકાંઠાથી ચૂંટણી જીતી હતી.

મેરઠમાં જન્મ
અરૂણ ગોવિલનો જન્મ 12 જાન્યુઆરી, 1958માં મેરઠ, ઉત્તર પ્રદેશમાં થયો છે. જ્યારે તેઓ મેરઠ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં ત્યારે કેટલાંક નાટકોમાં કામ કર્યું હતું. ટીનએજ લાઈફ સહારનપુરમાં વીતી હતી. અરૂણના પિતા ઈચ્છતા હતા કે તે સરકારી નોકરી કરે, પરંતુ તેઓ કંઈક અલગ જ કરવા માગતા હતા. મુંબઈમાં બિઝનેસ શરૂ કરવાના ઈરાદેથી આવેલા અરૂણે અહીં આવીને એક્ટિંગમાં જવાનું નક્કી કર્યું હતું.

અરૂણનો પરિવાર
અરૂણ પિતાના આઠ સંતાનો (6 પુત્રો, બે દીકરીઓ)માં ચોથા નંબર પર આવે છે. અરૂણની પત્નીનું નામ શ્રીલેખા છે. તેમને બે સંતાનો છે, એક દીકરો અમલ તથા દીકરી સોનિકા.

મોટા પડદે પહેલો બ્રેક
અરૂણને લોકપ્રિયતા ભલે 'રામાયણ'માં કામ કર્યા બાદ મળી હોય, પરંતુ 1977માં તારાચંદ બરજાત્યાની ફિલ્મ 'પહેલી'માં ફર્સ્ટ બ્રેક મળ્યો હતો. ત્યારબાદ 'સાવન કો આને દો', 'સાંચ કો આંચ નહીં', 'ઈતની સી બાત', 'હિમ્મતવાલા', 'દિલવાલા', 'હથકડી' તથા 'લવકુશ' જેવી બોલિવૂડ ફિલ્મમાં મહત્ત્વનો રોલ પ્લે કર્યો છે.

વિક્રમાદિત્યના પાત્રને કારણે રામનો રોલ મળ્યો
રામાનંદ સાગરે અરૂણ ગોવિલને સૌ પહેલાં સિરિયલ 'વિક્રમ ઔર બેતાલ'માં રાજા વિક્રમાદિત્યનો રોલ આપ્યો હતો. આ સિરિયલ સફળ રહી હતી. ત્યારબાદ 1987માં 'રામાયણ'માં ભગવાન શ્રીરામનો રોલ ભજવ્યો હતો. આ રોલ એટલો લોકપ્રિય થયો કે આજે પણ ચાહકો શ્રીરામ કહીને જ બોલાવે છે. આમ તો અરૂણે 'લવ કુશ', 'કૈસે કહું', 'બુદ્ધા', 'અપરાજિતા', 'વો હુએ ન હમારે' તથા 'પ્યાર કી કશ્તી' જેવી લોકપ્રિય સિરિયલમાં કામ કર્યું છે.

શ્રીરામના રોલ માટે કેવી રીતે તૈયારી કરી હતી?
એક ઈન્ટરવ્યૂમાં જ્યારે અરૂણને પૂછવામાં આવ્યું હતું કે શ્રીરામના રોલ માટે કેવી તૈયારી કરી હતી? તો તેમણે કહ્યું હતું, 'મેં કોઈ ફિલ્મ જોઈ નહોતી. મારા ઘરમાં શ્રીરામની જેટલી પણ તસવીરો હતી, તે જોઈ હતી. તેમના તમામ ગુણોના આધારે તેમની કલ્પના કરી હતી. શૂટિંગ પહેલાં અમે શ્રીરામના લુકમાં ફોટો ક્લિક કર્યો હતો, જેથી ખ્યાલ આવી શકે કે હું કેવો લાગું છું.'

'રામાયણ'ની સાઈડ ઈફેક્ટ્સ
એક ઈન્ટરવ્યૂમાં અરૂણ ગોવિલને સવાલ કરવામાં આવ્યો હતો કે 'રામાયણ' પછી ચાહકો તમને શ્રીરામ માનવા લાગ્યા હતા અને તો આને કારણે કઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો? તો તેમણે કહ્યું હતું, 'રામાયણ' પછી મને કમર્શિયલ ફિલ્મની ઑફર આવતી બંધ થઈ ગઈ હતી. દરેક વાતનું નેગેટિવ તથા પોઝિટિવ પાસું હોય છે. 'રામાયણ'ને કારણે મને જે મળ્યું તે હું ગમે તેટલી ફિલ્મ કરત તો પણ ના મળત. મારું નામ શ્રીરામ સાથે જોડાયું. હું માણસ બનીને રહું, મારા માટે એ જ બહુ છે.'

adv

Related News

post
post
post
post
post
post
post