• Home
  • News
  • હંગામો:મધ્યપ્રદેશમાં કંગનાની ખેડૂત વિરોધી પોસ્ટના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ શૂટિંગ સ્પોટ પર બેરિકેડ તોડ્યા, પોલીસનો લાઠીચાર્જ
post

કંગનાએ ખેડૂતોને આતંકી તથા ખાલિસ્તાની કહ્યાં હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-13 12:56:19

કંગના રનૌત હાલમાં મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લામાં શૂટિંગ કરી રહી છે. શૂટિંગ દરમિયાન ભારે હંગામો થયો હતો. કોંગ્રેસે શુક્રવાર, 12 ફેબ્રુઆરીના રોજ કોલ હેડલિંગ પ્લાન્ટના મુખ્ય દરવાજા પર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને બેરીકેડ તોડી નાખ્યા હતા. અહીંયા ફિલ્મ 'ધાકડ'નું શૂટિંગ ચાલી રહ્યું છે. ત્યારબાદ પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો હતો, જેમાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સીમા અતુલકર સહિત અનેક કાર્યકર્તા ઘાયલ થયા હતા. કોંગ્રેસ કાર્યકર્તાએ કંગનાની ટ્વીટ પર માફી માગવાની માગણી કરી હતી. કંગનાએ પોતાની ટ્વીટમાં ખેડૂતોને આતંકી કહ્યાં હતાં.

હંગામો થયો ત્યારે કંગના હાજર નહોતી
હંગામો થયો ત્યારે કંગના ચૂરના રેસ્ટ હાઉસમાં હતી. પોલીસે તેને શૂટિંગ સ્થળે આવવાની ના પાડી દીધી હતી. કોંગ્રેસ નેતાઓએ કહ્યું હતું કે કંગના જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. કોંગ્રેસે સરાણીમાં થઈ રહેલા શૂટિંગને અટકાવવાની ધમકી આપી હતી. ત્યારબાદ ગૃહમંત્રીના આદેશ પર પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા કરી હતી.

કંગના માફી માગે, નહીંતર ઉગ્ર દેખાવો થશેઃ કોંગ્રેસ
કોંગ્રેસના કાર્યકર્તા પર લાઠીચાર્જ થયા બાદ કોંગ્રેસ IT સેલના જિલ્લાધ્યક્ષ ભૂષણ કાંતિએ તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે 48 કલાકની અંદર કંગના વિરુદ્ધ FIR કરવામાં નહીં આવે તો બીજીવાર ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે શનિવાર, 13 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના સમર્થનમાં સરાણીમાં ટ્રેક્ટર રેલી કાઢશે. કોંગ્રેસ કાર્યકર્તાઓ પર થયેલા લાઠીચાર્જ પર બૈતુલ ધારાસભ્ય નિલય ડાગાએ કહ્યું હતું કે કંગના માફી નથી માગતી તો આગળ પણ ઉગ્ર આંદોલન ચાલુ રહેશે. કંગનાએ અન્નદાતાઓનું અપમાન કર્યું છે.

લાઠીચાર્જ પર બૈતુલના ASP શ્રદ્ધા જોષીએ કહ્યું હતું કે કોંગ્રેસી બેરીકેડ્સ તોડીને અંદર ઘુસવાનો પ્રયાસ કરતાં હતાં. તેમને સમજાવવામાં આવ્યા પરંતુ તેઓ માન્યા નહીં. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરવી પડી હતી.

કંગનાએ ખેડૂતોને આતંકી તથા ખાલિસ્તાની કહ્યાં હતાં
કેન્દ્ર સરકારે બનાવેલા ત્રણ કૃષિ બિલ વિરુદ્ધ ખેડૂતો છેલ્લાં 78 દિવસથી પણ વધુ સમયથી આંદોલન કરે છે. દેશભરના અનેક ખેડૂત સંગઠન આ આંદોલનમાં જોડાયા છે. જોકે, કંગના પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં આંદોલનકારી ખેડૂતો માટે આતંકવાદી તથા ખાલિસ્તાની જેવા શબ્દોનો ઉપયોગ કરી ચૂકી છે. આટલું જ નહીં તેણે એવું પણ કહ્યું હતું કે આ આંદોલનને ચીન તથા પાકિસ્તાનના ફંડિંગથી ચલાવવામાં આવી રહ્યું છે.

થોડાં દિવસ પહેલાં જ્યારે ઈન્ટરનેશનલ પોપ સિંગર રિહાનાએ ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું ત્યારે કંગનાએ કહ્યું હતું, 'કોઈ આ અંગે વાત નથી કરી રહ્યું, કારણ કે તેઓ ખેડૂતો નથી, આતંકવાદી છે. આ લોકો દેશના ભાગલા પડાવવાનો પ્રયાસ કરે છે, જેથી ચીન તેનો ફાયદો ઉઠાવીને પોતાનો અધિકાર જમાવી શકે, જેવી રીતે તેણે અમેરિકામાં કર્યું છે. તમે મૂર્ખ છો. આથી ચૂપ રહો. અમે તમારી જેમ અમારા દેશને વેચતા નથી.'

 

adv

Related News

post
post
post
post
post
post
post