• Home
  • News
  • વડોદરામાં રોડ પીગળ્યો:ગરમી વધતા જ નવો બનાવેલો રોડ પીગળી ગયો, રાહદારીઓ અટવાયા; કહ્યું- અત્યારે આ હાલ છે તો આગળ શું થશે?
post

ઉનાળાના પ્રારંભે રોડ પરનો ડામર પીગળી જતા રોડની કામગીરીમાં ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થયા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-17 17:56:59

વડોદરા: રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ ધીમે ધીમે વધી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં ગરમીના કારણે નવો બનાવવામાં આવેલો રોડ પીગળી ગયો હતો. જેના કારણે રોડ પરનો ડામર લોકોના પગમાં ચોંટવા લાગ્યો હતો. જેથી રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને વડોદરા મહાનગરપાલિકાની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ભાયલીમાં રોડ પીગળી ગયો
વડોદરા શહેરમાં ગરમીનો પારો સતત ઉંચે જઈ છે. ગરમીનો પારો વડોદરામાં 40 ડીગ્રીએ પહોંચી ગયો છે, જેને કારણે શહેરીજનો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. માત્ર 40 ડિગ્રી ગરમીમાં જ વડોદરા શહેરના રોડ-રસ્તાઓ પીગળી રહ્યા છે. વડોદરા શહેરના ભાયલી રોડ પર ડામર પીગળીને ઉપર આવી ગયો છે. જેના કારણે લોકોના ચપ્પલ અને શૂઝમાં ડામર ચોટતો હતો. જેથી રાહદારીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત રોડની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

 

રોડની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા
ઉનાળાના પ્રારંભે રોડ પરનો ડામર પીગળી જતા રોડની કામગીરીમાં ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થયા છે. આ પહેલા પણ શહેરમાં રોડ પીગળ્યો હોવાનું સામે આવ્યું હતું અને આજે ફરીથી શહેરમાં રોડ પીગળ્યો છે, ત્યારે લોકો રોડની ગુણવત્તા અને કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે.

પાલિકાએ યોગ્ય કામગીરી કરવી જોઇએ
ભાયલી વિસ્તારમાંથી પસાર થઈ રહેલા રાહદારી અર્જુનભાઇએ જણાવ્યું હતું કે, આજે રજા હોવાથી કામ હોવાથી ઘરેથી બહાર નીકળ્યો હતો. જોકે, રોડ પર ડામર પીગળી ગયો હોવાથી આવવા-જવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત ખૂબ જ ગરમી પણ પડી રહી છે. ઉનાળાની શરૂઆતમાં જ રોડની આ દુર્દશા છે, તો આગળ જતા શું હાલત થશે. આગામી દિવસોમાં આવી સ્થિતિ ન રહે તે માટે પાલિકાએ કામગીરી કરવી જોઇએ. જ્યાં ખરેખર જરૂર હોય ત્યાં ડામર જોવા મળતો નથી અને અહીં ખૂબ જ મોટી માત્રામાં ડામર જોવા મળી રહ્યો છે. જેથી યોગ્ય કામગીરી થઈ રહી નથી. એવુ લાગે છે.

વાહનો સ્લીપ ખાઈ જાય છે
ભાયલી રોડ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકે જણાવ્યું હતું કે, ડામર પીગળવાના કારણે વાહનો સ્લીપ ખાઈ રહ્યા છે અને અકસ્માતો થઈ રહ્યા છે. રેતી અને ડામરનો યોગ્ય ઉપયોગ કરાયો નથી. જેના કારણે અમે હેરાન થઈ રહ્યા છીએ. આ મામલે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.

રેતી નાખવાની સૂચના આપી છે
વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભાયલીમાં ડામર પીગળ્યો હોવાની માહિતી મળતા રેતી નાખવાની સૂચના આપી છે. રોડ પર ડામરનું પાતળું લેયર(સીલકોટ) લાગે છે, તે લાગ્યા બાદ 2થી 3 દિવસ પછી તેના પર રેતી નાખવામાં આવે છે. સીલકોટના કારણે રોડની સમય મર્યાદા 2 વર્ષના બદલે 5 વર્ષ સુધી થઈ જાય છે. હાલ તો ભાયલી વિસ્તારમાં ડામર પીગળ્યો હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી હવે તેની પર રેતી નાખવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post