• Home
  • News
  • રોહિત શર્માએ કહ્યું- ન્યૂઝીલેન્ડ પ્રવાસ સરળ નહીં રહે, હું દરેક પડકાર માટે તૈયાર છું
post

ટેસ્ટમાં ઓપનર તરીકે રોહિતનો પહેલો વિદેશ પ્રવાસ હશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-09 11:12:08

ભારતીય બેટ્સમેન રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ પ્રવાસને પોતાના માટે એક પડકાર કહ્યો છે. સોમવારે એક ન્યૂઝ એજેન્સી સાથે વાત કરતા રોહિતે કહ્યું કે, "મારા માટે ન્યૂઝીલેન્ડમાં નવા બોલનો સામનો કરવો સરળ નહીં રહે. ત્યાં બોલ વધારે સ્વિંગ થાય છે અને પિચથી ફાસ્ટર્સને વધુ મદદ મળે છે. પરંતુ હું આના માટે તૈયાર છું." તેણે કહ્યું કે, ન્યૂઝીલેન્ડ ક્રિકેટ રમવા માટે સરળ દેશ નથી. ગઈ વખતે અમારે ટેસ્ટ સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે અમે સારી ટક્કર આપી હતી. અમારું અત્યારનું બોલિંગ યુનિટ ત્યારની સરખામણીમાં એકદમ અલગ છે.

કોઈપણ જગ્યાએ નવા બોલનો સામનો કરવો સરળ નથી
કોઈપણ કંડિશનમાં, કોઈપણ જગ્યાએ નવા બોલનો સામનો કરવો સરળ નથી. ભારતની બહાર બોલ વધુ સ્વિંગ થાય છે. પરંતુ મેં ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી ટેસ્ટમાં પુણે ખાતે બોલને જેટલો સ્વિંગ થતા જોયો એટલો ભારતમાં ક્યારેય જોયો નથી. તેમણે શરૂઆતમાં પિચનો સારો ફાયદો ઉઠાવ્યો હતો. તે પછીની ટેસ્ટમાં રાંચી ખાતે (જ્યાં રોહિતે બેવડી સદી મારી) પણ અમે ત્રણ વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. મને ખબર છે કે ન્યૂઝીલેન્ડમાં વિકેટ કેવી હશે, કારણકે છેલ્લે 2014ની સીરિઝમાં હું ટીમનો ભાગ હતો. હું દરેક પડકાર માટે તૈયાર છું.

કિવિ બોલરને સમજવા ઓસ્ટ્રેલિયા સીરિઝ જોઈ
કિવિ બોલરને સમજવા માટે મેં તેમની અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સીરિઝ જોઈ હતી. ન્યૂઝીલેન્ડ 0-3થી હાર્યું, પરંતુ તેમના બોલર્સે બહુ સારી બોલિંગ કરી હતી. ઘરઆંગણે તેઓ વધુ ઘાતક થઇ જાય છે.

રોહિતે ગયા વર્ષે ઓપનર તરીકે 556 રન કર્યા
રોહિતે 32 ટેસ્ટમાં 2141 રન કર્યા છે, જેમાં 6 સદીનો સમાવેશ થાય છે. તેણે ઓપનર તરીકે 2019માં 5 ટેસ્ટમાં 92.66ની એવરેજથી 556 રન કર્યા છે. તેણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઓક્ટોબરમાં વિશાખાપટ્ટનમ ખાતે 176 અને 127 રન ફટકાર્યા હતા. જ્યારે રાંચીમાં 212 રનની ઇનિંગ્સ રમી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post