• Home
  • News
  • રૂપાણી તો ગયા, હવે શું?:પાટીદાર મનસુખ માંડવિયા બની શકે છે ગુજરાતના નવા મુખ્યમંત્રી, ભાજપના 150+ બેઠકોના ટાર્ગેટ માટે પર્ફેક્ટ ચોઇસ
post

ઝડફિયા-રૂપાલાનાં નામોની પણ ચર્ચા, પણ માંડવિયા ટોચે

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-11 18:02:19

ગુજરાતના મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીએ અચાનક આપી દીધેલા રાજીનામા બાદ હવે શું થશે એ સૌથી મોટો પ્રશ્ન સર્જાયો છે. જોકે કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ પાટીદાર નેતા પુરુષોત્તમ રૂપાલાએ ચોખવટ કરી છે કે આવતીકાલ સવાર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અલબત્ત, આજે સવારે સરદારધામમાં થયેલા કાર્યક્રમ બાદ જે રીતે ઘટનાઓ બની એને જોતાં પાટીદાર જ ગુજરાતના નવા મુખ્યમંત્રી બને એ લગભગ નક્કી છે. વિશ્વાસપાત્ર વર્તુળોએ તો ત્યાં સુધી જણાવ્યું છે કે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના આગામી મુખ્યમંત્રી બનશે. આ ઉપરાંત પૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયા અને પુરુસોત્તમ રૂપાલાનાં નામોની પણ ચર્ચા ચાલી રહી છે.

સરદારધામનો કાર્યક્રમ નવા મુખ્યમંત્રી પાટીદાર હોવાનો સ્પષ્ટ સંકેત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે જ વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદમાં સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું હતું. આ સાથે જ વડાપ્રધાન મોદીએ સરદારધામ ફેઝ -2 ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને સંબોધન કરતાં કહ્યું હતું કે કોઈપણ શુભ કાર્ય પહેલાં આપણે ત્યાં ગણેશ પૂજાની પરંપરા છે અને સદભાગ્યે ગણેશ ઉત્સવના પવિત્ર તહેવારના અવસરે સરદારધામ ભવનનું ઉદઘાટન પણ થયું છે. તદુપરાંત પાટીદાર સમુદાયે વેપારક્ષેત્રે દેશને હંમેશાં નવી ઓળખ આપી છે. આ કાર્યક્રમ બાદ જ રૂપાણી સીધા રાજભવન ગયા અને રાજીનામું આપ્યું તે સ્પષ્ટ સંકેત આપે છે કે નવા મુખ્યમંત્રી પાટીદાર જ હોઈ શકે છે.

આગામી ચૂંટણીમાં 150+ના ટાર્ગેટ માટે પાટીદાર સપોર્ટ અનિવાર્ય
ગુજરાતના પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળ્યો ત્યારથી સીઆર પાટીલ આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 150+ સીટ જિતાડવાના ટાર્ગેટની ચર્ચા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ સ્વપ્ન છે કે ગુજરાતમાં ભાજપ 150થી વધુ બેઠકો જીતે અને નવો વિક્રમ રચે. આ સ્વપ્નને સાકાર કરવા ભાજપને આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજની સખત જરુર છે, પરંતુ હાલ પાટીદાર સમાજ ભાજપને ભયંકર નારાજ હોવાના સંકેતો મળતાં ભાજપે જૈન સમાજના રૂપાણીને હટાવીને પાટીદારને જ ગુજરાત સરકારના નવા સુકાની બનાવવાનો નિર્ણય લીધો હોવાનું મનાય છે.

માંડવિયા મોદી અને અમિત શાહ બંનેની ગુડબુકમાં
મનસુખ માંડવિયા કુનેહપૂર્ણ પાટીદાર નેતા છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તેઓ વડાપ્રધાન મોદી ઉપરાંત ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહની પણ ગુડબુકમાં છે. કોરોના મહામારી દરમિયાન ગુજરાત ભાજપમાં સરકારની છબિ બગડે નહીં એ માટે ઘણીખરી કામગીરી માંડવિયાએ પાર પાડી હતી. આ ઉપરાંત પાટીદાર સમાજના બંને ફાંટા- કડવા અને લેઉઆમાં તેમની સારી સ્વીકાર્યતા છે. સ્વભાવે મૃદુભાષી હોવા ઉપરાંત માંડવિયા પ્રામાણિક નેતાની છબિ ધરાવે છે અને સમાજના અન્ય વર્ગોમાં પણ તેમની લોકપ્રિયતા છે.

ઝડફિયા-રૂપાલાનાં નામોની પણ ચર્ચા, પણ માંડવિયા ટોચે
એક વાત એવી પણ આવી છે કે આજે રૂપાણી રાજીનામું આપવા ગાંધીનગર રાજભવન ગયા અને તેમણે રાજીનામાની જાહેરાત કરી ત્યારે માંડવિયા ઉપરાંત રૂપાલા પણ તેમની સાથે હાજર હતા. બીજી તરફ, ગુજરાત ભાજપ સંગઠનમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાનું કદ સતત વધી રહ્યું છે અને તેને જોતાં પાટીદાર સમાજમાંથી રુપાલા અથવા ઝડફિયામાંથી કોઈ એકને પણ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. અલબત્ત, સૂત્રોનું તો એવું જ કહેવું છે કે માંડવિયા જ નવા મુખ્યમંત્રી બની શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post