• Home
  • News
  • એસ. જયશંકરની જીત નિશ્ચિત:વિધાનસભામાં વિજયમુહૂર્તમાં ભાજપ તરફથી ઉમેદવારી ફોર્મ ભર્યું, ગુજરાતથી સતત બીજીવાર રાજ્યસભા સાંસદ બનશે
post

કોંગ્રેસના 17 ધારાસભ્ય એટલે મેદાનમાં નહીં ઊતરે

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-10 19:08:50

ગુજરાતમાં 24 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજે સોમવારે એક બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભાના ઉમેદવાર તરીકે વિદેશમંત્રી એસ. જયશંકરે ગુજરાત વિધાનસભા ખાતે ઉમેદવારીપત્ર ભર્યું છે. વિદેશમંત્રી એસ. જયશંકરે બીજી વખત ઉમેદવારી નોંધાવી હતી. મુખ્યમંત્રી તથા ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં તેઓ ઉમેદવારી નોંધાવવા માટે ગુજરાત વિધાનસભા ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે 12-39 વાગ્યે વિજયમૂહુર્તમાં ફોર્મ ભર્યું હતું, એ સમયે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના મંત્રીમંડળના સભ્યો તેમજ સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.

કોંગ્રેસના 17 ધારાસભ્ય એટલે મેદાનમાં નહીં ઊતરે
રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે પ્રત્યેક ઉમેદવારને 60.66 મત, એટલે કે 61 મતની જરૂરિયાત છે. ભાજપના ઉમેદવારને જીત મેળવવા માટે ભાજપના 52 ધારાસભ્યના મતની જરૂરિયાત છે. બીજી તરફ, કોંગ્રેસ પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ માત્ર 17 છે, ત્યારે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઊભા નથી રાખવાના એવા સંજોગોમાં ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.

બે ઉમેદવારનું સસ્પેન્સ યથાવત્
રાજ્યસભાની ચૂંટણી માટે તારીખ 14 જુલાઈ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે, ત્યારે ભાજપ તરફથી એક ઉમેદવારે આજે ઉમેદવારી નોંધાવી છે. હજુ પણ ભાજપના અન્ય બે ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે, ત્યારે હર હંમેશની જેમ આ વખતે પણ આ અન્ય બે ઉમેદવારો કોણ હશે એ સસ્પેન્સ યથાવત્ રાખ્યું છે.

14મી જુલાઈ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
રાજ્યસભાની 10 બેઠક માટે આગામી 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી માટે 14 જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઈ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠક માટે ચૂંટણી યોજાશે. ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠક આવેલી છે, જેમાંથી ભાજપ પાસે 8 બેઠક છે, જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠક છે.

ઓગસ્ટમાં 3 સાંસદનો કાર્યકાળ પૂરો થાય છે
આગામી ઓગસ્ટ મહિનામાં વિદેશમંત્રી એસ. જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આ ત્રણ બેઠક માટે આ મહિનાની 24 તારીખે ચૂંટણી યોજાશે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

ગુજરાત ભાજપના સિનિયર નેતા રાજ્યસભા ઉમેદવાર બની શકે છે
ગુજરાતમાં તારીખ 24 જુલાઈ, 2023ના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ત્રણ સીટ માટે યોજાનારી આ ચૂંટણી ભાજપને ફાળે જ જશે. કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી, એવા સંજોગોમાં આ તમામ બેઠક પર ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ શકે છે. ત્રણ બેઠક પૈકી એક બેઠક પર એસ. જયશંકરને ભાજપ રિપીટ કરશે, જ્યારે બાકીની બે બેઠક માટે ઓબીસી તથા ક્ષત્રિય નેતાની પસંદગી થાય એવી સંભાવના છે. જોકે અંતિમ ઘડીએ ભાજપ સરપ્રાઈઝ આપે તો નવાઈ નહીં, પરંતુ મળતી માહિતી મુજબ, ભાજપ રાજ્યસભામાં ગુજરાતના એક સિનિયર નેતાને લઈ જવા માગે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post