• Home
  • News
  • બીજા દિવસના અંતે સૌરાષ્ટ્ર 384/8, અર્પિત અને પુજારાની 142 રનની ભાગીદારીના કારણે ટીમ મજબૂત સ્થિતિમાં
post

અર્પિત અને પુજારાએ છઠ્ઠી વિકેટ માટે 380 બોલ અને 297 મિનિટ બેટિંગ કરી, ત્યારબાદ બંગાળને દિવસની પહેલી વિકેટ મળી

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-11 09:40:24

રાજકોટ: રણજી ટ્રોફી 2019-20ની ફાઇનલમાં બંગાળ સામે સૌરાષ્ટ્રે 8 વિકેટે 384 રન કર્યા છે. 206/5થી દિવસની શરૂઆત કરતા યજમાને આજે 3 વિકેટ ગુમાવી 178 રન ઉમેર્યા હતા. અર્પિત વસાવડાએ સતત બીજી ઇનિંગ્સમાં સેન્ચુરી મારી ટીમને મજબૂત સ્થિતિમાં લાવીને મૂકી દીધી છે. આ તેની ચાલુ સીઝનની ચોથી સેન્ચુરી છે. તેણે એકપણ ફિફટી મારી નથી. ઇન્ડિયાના નંબર 3 ચેતેશ્વર પુજારા 66 રનની લડાયક ઇનિંગ્સ રમી હતી. બંનેએ 380 બોલમાં 142 રનની ભાગીદારી કરી હતી. બીજા દિવસના અંતે ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ચિરાગ જાની બંને 13 રને અણનમ રહ્યા.

સતત બીજી ઇનિંગ્સમાં સદી, ટૂર્નામેન્ટમાં ચોથી
અર્પિતે સેમિફાઇનલમાં જ્યાંથી રમવાનું સમાપ્ત કર્યું હતું, ફાઈનલમાં ત્યાંથી જ શરૂઆત કરી છે. ગુજરાત સામે બીજી ઇનિંગ્સમાં 139 રન કરનાર અર્પિતને પુજારાની બીમારીના કારણે ગઈકાલે ચોથા ક્રમે બેટિંગ કરવા આવું પડ્યું હતું. તે જનરલી સૌરાષ્ટ્ર માટે છઠ્ઠા ક્રમે બેટિંગ કરતો હોય છે. તેણે આજે 29 રને ઇનિંગ્સ રિઝ્યુમ કરી હતી. બંગાળના ફૂલ લેન્થને કવર્સ અને શોર્ટમાં કટ- અને પુલ એટલી સરળતાથી કર્યા જાણે રિમોટનું બટન દબાવીને બેટિંગ કરવાની હોય!

સેન્ચુરી મોમેન્ટ, 255 બોલમાં સદી પૂરી કરી
સ્પિનર મજુમદારના બોલમાં બેકફૂટ પર કટ કરીને બોલને પોઇન્ટ પાછળ સ્લાઈઝ કરાવી અર્પિત ટ્રિપલ ડિજિટ સુધી પહોંચ્યો હતો. તેણે તે પછી સિંહની જેમ ગર્જના કરી અને ડ્રેસિંગ રૂમમાં કપ્તાન જયદેવ ઉનડકટ સહિત આખી ટીમે સ્ટેન્ડિંગ ઓવેશન આપીને આ માઈલસ્ટોનની સરાહના કરી હતી. પુજારાએ તેને હગ કર્યું.

પુજારાએ ફિફટી મારી, અર્પિત સાથે 142 રનની ભાગીદારી કરી
ગઈ કાલે થ્રોટ ઇન્ફેક્શન અને તાવના કારણે રિટાયર્ડ હર્ટ થયેલા પુજારાએ આજે પોતાની નેચરલ શૈલીથી બેટિંગ કરતા 66 રન કર્યા હતા. તેણે આ માટે 237 બોલ રમ્યા હતા અને તેમાં 5 ફોર મારી હતી. તેની અને અર્પિતની ભાગીદારીએ સૌરાષ્ટ્રને મેચમાં મજબૂત સ્થિતિમાં લાવી દીધું છે. તે બંનેએ છઠ્ઠી વિકેટ માટે 380 બોલમાં 142 રન જોડ્યા હતા. તેમજ આ દરમિયાન 297 મિનિટ સાથે બેટિંગ કરી હતી.

વસાવડા અને પુજારા બંને સીધા (સ્ટ્રેટન) થતા બોલમાં આઉટ થયા
1)
શાહબાઝે બોલને ફ્લાઇટ કરાવ્યો હતો, વસાવડા ડાઉન ધ ટ્રેક આવીને સ્પિન માટે રમ્યો, પરંતુ બોલ એન્ગલથી સીધો થયો અને કીપર પાછળ સાહાએ સ્ટમ્પ કર્યો.
2)
મુકેશ કુમારનો ફૂલ બોલ વિથ ધ એન્ગલ પુજારાના પગ પર આવાની જગ્યાએ સીધો રહેતા તે શોટ ચૂક્યો હતો. અમ્પાયરે આઉટ આપતા પુજારાએ રિવ્યુ લીધેલો પરંતુ નિર્ણય ફેરવી શક્યો નહોતો.

પુજારા માંડ માંડ બચ્યો હતો
1)
ઇનિંગ્સની 98મી ઓવરના ત્રીજા બોલે સ્પિનર શાહબાઝ અહેમદે પુજારા સામે એલબીડબ્લ્યુની અપીલ કરી હતી. અમ્પાયરે નોટઆઉટ આપતા બંગાળે રિવ્યુ માંગ્યો હતો. પુજારા બોલને રમવા ક્રિઝની બહાર આવ્યો હતો, બોલ તેના પેડને અડ્યો ત્યારે તે સ્ટમ્પ્સથી 3 મીટર કરતા વધુ દૂર હતો. જ્યારે બેટ્સમેન 3 મીટર (9ફીટ)થી વધારે આગળ હોય તો લિમિટેડ ટેક્નોલોજી વાળા DRSમાં ખબર નથી પડતી કે બોલ સ્ટમ્પ્સને અડશે કે નહીં. બોલ પહેલા પેડને અડ્યો અને ઈમ્પૅક્ટ લાઈનમાં હોવાથી બંગાળે રિવ્યુ ગુમાવ્યો નહોતો. (પુજારા 17 રને રમી રહ્યો હતો)

2) ઇનિંગ્સની 129મી ઓવરના બીજા બોલે વસાવડાની સ્ટ્રેટ ડ્રાઈવ પર બોલ મુકેશના હાથ દ્વારા ડિફલેક્ટ થઈને સ્ટમ્પ પર અડ્યો તેમ જણાતું હતું. બંગાળના પ્લેયર્સ ઉત્સાહિત હતા, જોકે થર્ડ અમ્પાયર પાસે પૂરતો પુરાવો નહોતો કે બોલ મુકેશના હાથે અડ્યો જ હતો. નોટઆઉટ! (પુજારા 39 રને રમી રહ્યો હતો)

સૌરાષ્ટ્રની ગુડ મોર્નિંગ, પુજારા બેટિંગ કરવા આવ્યો
206/5
થી બીજો દિવસ શરૂઆત કરતા સૌરાષ્ટ્ર માટે વસાવડા અને પુજારા બેટિંગ કરવા આવ્યા હતા. ગઈ કાલે થ્રોટ ઇન્ફેક્શનના કારણે પુજારા 5 રને રિટાયર્ડ હર્ટ થયો હતો. પ્રથમ સેશનમાં યજમાને 35 ઓવરમાં 72 રન ઉમેર્યા અને લંચ વખતે તેમનો સ્કોર 278 /5 હતો.વસાવડાએ સીઝનમાં ચોથીવાર 50થી વધુનો સ્કોર કર્યો હતો. તે ફ્રી-ફ્લોઇન્ગ બેટિંગ કરી રહ્યો હતો, જ્યારે બીજી તરફ ક્રિઝ પર પુજારાનું મેડિટેશન ચાલુ હતું. તેણે લંચ બ્રેક સુધીમાં 133 બોલમાં 2 ફોરની મદદથી 28 રન અને વસાવડાએ 191 બોલમાં 8 ફોરની મદદથી 73 રન કર્યા હતા.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post