• Home
  • News
  • જસદણમાં જૂથવાદ ચરમસીમા પર:ભાજપના નેતાએ કોંગી ઉમેદવારનો કોડવર્ડમાં પ્રચાર કર્યો, બાવળિયાએ કહ્યું: ભરત બોઘરા પણ સામેલ, કમલમમાં ફરિયાદ થશે
post

જસદણ બેઠક પર સૌથી વધુ 35% કોળી સમાજનું પ્રભુત્વ રહેલું છે ,જ્યારે બીજા નંબર પર 20% લેઉવા પાટીદાર સમાજનું પ્રભુત્વ રહેલું છે. અને બાકીના 45% પર અન્ય સમાજનું પ્રભુત્વ રહેલું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-06 17:45:03

રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામને આડે હવે 48 કલાકનું જ અંતર રહ્યું છે. ત્યારે જસદણ બેઠક પર ભાજપના નેતાઓએ જ ભાજપના ઉમેદવારોને હરાવવા પ્રયાસ કર્યા હોવાના આક્ષેપ લાગી રહ્યા છે. આ અંગે જસદણ પંથકની એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ રહી છે. જેમાં જસદણમાં ભાજપ નેતા ગજેન્દ્ર રામાણી ખુદ કોંગી ઉમેદવાર ભોળા ગોહેલને સમર્થન આપતા હોવાની વાત કરે છે તથા ઓડિયોક્લિપમાં 'જય ભોળાનાથ' કોડવર્ડ સાથે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને હરાવવાની વાત પણ કરે છે. આ ઓડિયા ક્લિપમાં ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નામ પણ સામે આવ્યું છે. આ મામલે કુંવરજી બાવળિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, આ ટોળકી પહેલેથી જ પાર્ટી વિરુદ્ધનું કામ કરે છે અને તેમાં ભરત બોઘરા પણ સામેલ છે. હવે કમલમમાં ફરિયાદ થશે. એ તો સર્વવિદિત છે કે જસદણ બેઠક પર ભાજપના ઉમેદવાર કુંવરજી બાવાળિયા ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા જ તેમનો વિરોધ થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ગજેન્દ્ર રામાણી મારી વિરુદ્ધ ખુલ્લેઆમ પ્રચાર કરે છે
વધુમાં કુંવરજી બાવળિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ઓડિયો સાબિત કરે છે કે ગજેન્દ્ર રામાણીએ મારા વિરુદ્ધ ચૂંટણી દરમિયાન કામ કર્યું છે. જય ભોલેનાથ કરીને સાંકેતિક ભાષામાં તેઓ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરતા હતા. અગાઉ પણ ગજેન્દ્ર રામાણીએ મારી વિરુદ્ધ ખુલ્લેઆમ પ્રચાર કર્યો હતો. જેમાં નગરપાલિકાના પ્રમુખ અને અન્ય 5-6 લોકો સામેલ છે. આ મામલે ઉપર રજૂઆત કરી હતી. જોકે તે સમયે યોગ્ય કાર્યવાહી ન થતાં આજે ફરીવાર તેમણે આવી હરકત કરી છે. ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ પણે ભરત બોઘરાનું નામ બોલાય છે એટલે તે પણ પક્ષ વિરુદ્ધની કામગીરીમાં સામેલ હશે. હું સમગ્ર મામલે હાઈકમાન્ડમાં અને કમલમમાં ફરિયાદ કરીશ.

ઓડિયો ભાજપ નેતા ગજેન્દ્ર રામાણીની હોવાનું ખૂલ્યું
જાણવા મળતી વિગત મુજબ, વિધાનસભા ચૂંટણી પૂર્ણ બાદ જસદણના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેમાં જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવાળિયાને હરાવવા માટેની વાતચીત ભાજપના જ નેતા દ્વારા 'જય ભોળાનાથ' કોડવર્ડ હેઠળ કરાઈ રહી હોવાનું સામે આવ્યું છે. ઓડિયોમાં પ્રદેશ અને જિલ્લા નેતૃત્વ તેમજ સ્થાનિક નેતાઓ કુંવરજી બાવળિયા હારે તેવું ઇચ્છતા હોવાનું જણાવાઈ રહ્યું છે. આ બેઠકમાં ભોળા ગોહેલ કોંગ્રેસના ઉમેદવાર હોવાથી સમગ્ર ચર્ચા દરમિયાન 'જય ભોળાનાથ'નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓડિયો ભાજપ નેતા ગજેન્દ્ર રામાણીનો હોવાનો ખુદ કુંવરજી બાવળિયાએ સ્વીકાર્યું છે.

ઓડિયો ક્લિપના અંશો
ભાજપ નેતા: આપણે તો જય ભોળાનાથ
વ્યક્તિ: પરંતુ અમે તો તમારી સાથે છીએ
ભાજપ નેતાઃ ભરતભાઈએ કીધું નહીં હોય તમને
વ્યક્તિ: ભરતભાઈએ જેવું તેવું કહ્યું
ભાજપ નેતા: આ તો અમે ખૂલીને ન કહી શકીએ બધું કહીએ તો ખુલ્લું પડી જાય એટલે ભોળાનાથ બોલીએ એમાં સમજી જવાનું
વ્યક્તિ: મને પણ એ જ થયું કે આ કોઈ દેખાતા નથી શું ચાલે છે કંઈ સમજાયું નહીં
ભાજપ નેતા: તમે હજુ ન સમજ્યા. ક્યાં ભાજપનો કોઈપણ કાર્યકર દેખાય છે? જસદણ વીંછિયામાં ભાજપના જે મૂળ છે તે ક્યાંય દેખાતા નથી માત્ર બાવળિયા સાહેબની સાથે આવ્યા હોય એ લોકો જાય છે
વ્યક્તિ: ઠીક અમને તો વધુ ખબર ન હોય એટલે શું ચાલે છે તેનાથી અમે તો અજાણ છીએ
ભાજપ નેતા: ભાઈ! અમે રોજ સવારે કારખાને શાંતિથી બેસીએ અને બેઠાં બેઠાં ભોળાનાથની જય કરીએ હવે તો તમારા મગજમાં બેઠું ને!
વ્યક્તિ: હા, હવે સમજાયું
ભાજપ નેતા: અમે તો કોઈને આ બાબતે કહેતાં જ નથી કોઈને પૂછતા પણ નથી અને કોઈ સાથે ફોન પર વાત પણ નથી કરતા.
વ્યક્તિ: તમારી વાત સાચી છે, પરંતુ અમે તો તમારા જ હિસાબે ભાજપમાં હતા. બાકી પહેલાં તો અમે કોંગ્રેસમાં હતા હવે તમે આમ કરો તો અમે શું કરીએ
ભાજપ નેતા: હા પરંતુ અમે આ વખતે ભાજપ સાથે જ છીએ, ક્યાં ભાગી ગયા! એવું કંઈ નથી પરંતુ આ વખતે 80-90% ટકા ભાજપવાળા જ જય ભોળાનાથ બોલાવે છે. આપણે પણ શાંતિથી બેઠા છીએ ભોળાનાથની સામે આપણને શું વાંધો હોય. ભોળાનાથનું નામ જ લેવાનું છે ને ખાલી
વ્યક્તિ: તમે આમ કહો છો તો ઉપર બધાને ખબર છે?

ભાજપ નેતા: ઉપર પક્ષમાંથી અને પ્રદેશમાંથી જ સૂચના છે, પ્રદેશ અને જિલ્લામાંથી તમામ લોકો રાજી છે. પ્રદેશમાંથી પણ એવો આદેશ નથી આવ્યો કે આ સીટ પર ધ્યાન રાખો નહીંતર તો નેતાઓ પ્રચાર પ્રસાર કરવા આવતા જ હોય ને પણ આ વખતે એટલે જ નથી આવ્યા. બધાને જય ભોળાનાથ બોલવામાં રસ છે
વ્યક્તિપ્રદેશવાળાને આમાં રસ નથી? બોઘરા સાહેબને કેવું ચાલે છે
ભાજપ નેતાઃ બધાનું ભોળાનાથ જ છે એ ખુલ્લું થોડું કહી શકાય
વ્યક્તિઃ ના હું તો એટલે પૂછી રહ્યો છું કે ઉપર લેવલે પણ ખબર પડે ને
ભાજપ નેતા: પરંતુ હું કહી રહ્યો છું કે તે ભોળાનાથ કહે છે એટલે તેમની મીઠી નજર પણ આ વાતમાં હોય એવું તમને ન ખબર પડે?
વ્યક્તિ: હા તો તો સાચી વાત છે
ભાજપ નેતા: ઉપર હેડ ઓફિસથી પરવાનગી મળી હોય તો જ આવું કહેતા હોય ને આમ પણ એ વિસ્તારમાં પ્રચાર દરમિયાન તેઓ આવ્યા નથી. મારું ખાલી એટલું જ કહેવાનું છે કે અમારા જસદણ તાલુકો વીછિંયા તાલુકો અને જસદણ ગામ એમાં અત્યારે ભોળાનાથ જ છે
વ્યક્તિ: હા હવે હું સમજી ગયો
ભાજપ નેતા: બધા જાણે છે કોઈ કોઈને કહેતું નથી પૂછે તો જ જય ભોળાનાથ કહે છે
વ્યક્તિ: હા આપણે જો આવું કહીએ તો ખુલ્લું પડ્યા જેવી સ્થિતિ થાય
ભાજપ નેતા: ભલે ત્યારે જય સોમનાથ
વ્યક્તિઃ જય સોમનાથ બાવળિયા અને બોઘરા ઘણા સમયથી સામસામે
બાવળિયા અને બોઘરા ઘણા સમયથી સામસામે હતા અને જસદણમાં પ્રભુત્વ માટે જંગ હતો પણ જ્યારે બાવળિયાને ભાજપમાં લઇ સીધું મંત્રી પદ આપી દેવાયું અને બોઘરાને બોર્ડના ચેરમેન બનાવ્યા તો મતભેદ ઘટવાને બદલે વધ્યો હતો. ત્યારબાદની ચૂંટણીઓમાં જસદણમાં ભાજપના નબળા પ્રદર્શનને લઈને પણ બંને વચ્ચે નિવેદનો વધ્યાં હતાં.

એટલે બોઘરાનો ઉદય થયો
આ મતમતાંતર વચ્ચે પ્રદેશ ભાજપનું નવું માળખું જાહેર કરાયું હતું, જેમાં ડો. ભરત બોઘરાને પ્રદેશ કક્ષાનો હોદ્દો સંગઠનમાં મળ્યો હતો. ત્યારબાદ રૂપાણી સરકારે રાજીનામું આપતા બાવળિયાનું મંત્રી પદ ગયું હતું અને નવી કેબિનેટમાં સ્થાન ન મળતા ડો. બોઘરાનો ઉદય થયો હતો. તેમણે સંગઠનમાં મહત્ત્વની જવાબદારીઓ ઉઠાવ્યા બાદ જસદણમાં અલગ અલગ કાર્યક્રમો કર્યા હતા અને તેની સામે બાવળિયાએ પણ તે જ કરતા શક્તિ પ્રદર્શન પર વાત આવી હતી. છેલ્લે ભરત બોઘરાએ હોસ્પિટલના લોકાર્પણ માટે વડાપ્રધાનને આમંત્રિત કર્યા હતા અને તે કાર્યક્રમ સફળ રહ્યા બાદ જસદણમાં બોઘરા ફાઈનલ હોવાની ચર્ચા ઊઠી હતી. જો કે બાવળિયાને ટિકિટ મળતા ચર્ચા પર પૂર્ણ વિરામ લાગ્યું હતું.

કુંવરજી બાવળિયાના ગઢ જસદણમાં 11% ઓછું મતદાન
ગુજરાતમાં પાટીદારો અને આદિવાસીઓ કરતાં પણ સૌથી મોટી વોટબેન્ક કોળીની છે. કોળી સમાજ મુખ્ય ત્રણ ભાગમાં અને 22થી 24 જેટલા પેટાભાગમાં વહેંચાયેલો છે. સમાજ ભૌગોલિક રીતે કે પરંપરાની દૃષ્ટિએ ભલે વહેંચાયેલો હોય, પણ વોટિંગના દિવસે જો એક બની જાય તો ભલભલાના આસન ડોલાવી શકે. ગુજરાતની સાત કરોડ જનતામાંથી કોળી સમુદાયની વસતિ દોઢ કરોડ, એટલે જ રાજકીય પક્ષો કોળીઓની અવગણના કરી શકતા નથી. ગયા વખતે કોળીઓએ જ કોંગ્રેસને 77 બેઠક સુધી પહોંચાડ્યા હતા. આ વખતે કોળી મતદારોએ ગયા વખત કરતાં મતદાન ઓછું કર્યું છે. કોળી મતદારોના પ્રભુત્વવાળી 11 સીટ પર ઓછું મતદાન રાજકીય પક્ષોની ચિંતા વધારી રહ્યું છે.

જસદણમાં ઓછું મતદાન શું સંકેત આપે છે?
ગુજરાતના રાજકારણમાં એવું કહેવાય છે કે જ્યાં મતદાન વધારે થાય ત્યાં ભાજપને ફાયદો થાય, પણ જસદણમાં આ વખતે ઓછું મતદાન થયું છે. ઓછું એટલે નોંધપાત્ર ઓછું. જસદણના કોળી મતદારો મત આપવા નીકળ્યા નથી. એનાં ઘણાં કારણો માનવામાં આવે છે. એક તો લોકોનાં કામ થયાં નથી. વચનો સાંભળીને થાકી ગયા છે. કુંવરજીભાઈ મંત્રીપદે હતા ત્યારે જે કામ થવાં જોઈએ એ થયાં કે નહીં, એનું એનાલિસિસ પણ મતદારોએ કર્યું હશે. જે જસદણ સીટ પર જંગી મતદાન થાય છે ત્યાં આ વખતે ઓછું મતદાન થયું. આઠ ડિસેમ્બરે જે પરિણામ આવે એ, પણ અત્યારે કોળીઓનું ઓછું મતદાન ઉમેદવારોને અકળાવે છે.

આ વખતની ચૂંટણી રસાકસી
ભાજપ દ્વારા જસદણ વીંછિયા બેઠક પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાને રિપીટ કરવામાં આવ્યા છે. ગત 2017ની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી વિજેતા બની પક્ષપલટો કરી ભાજપમાં પ્રવેશ કરી ફરી ભાજપમાંથી પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. જો કે આ વખતે ત્રિપાંખિયા જંગ વચ્ચે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલને ઉમેદવાર જાહેર કરતા આ વખતની ચૂંટણી રસાકસી ભરી જોવા મળશે.

કયા સમાજનું કેટલું પ્રભુત્વ
જસદણ બેઠક પર સૌથી વધુ 35% કોળી સમાજનું પ્રભુત્વ રહેલું છે ,જ્યારે બીજા નંબર પર 20% લેઉવા પાટીદાર સમાજનું પ્રભુત્વ રહેલું છે. અને બાકીના 45% પર અન્ય સમાજનું પ્રભુત્વ રહેલું છે.  કોળી સમાજ 35% લેઉવા પટેલ સમાજ 20% દલિત સમાજ 10% લઘુમતી સમાજ 7% કડવા પટેલ સમાજ 7% ક્ષત્રિય સમાજ 8% અન્ય સમાજ 13%

વર્ષ

વિજેતા ઉમેદવાર

પક્ષ

2018

કુંવરજી બાવળિયા

ભાજપ

2017

કુંવરજી બાવળિયા

કોંગ્રેસ

2012

ભોળાભાઇ ગોહેલ

કોંગ્રેસ

2007

કુંવરજી બાવળિયા

કોંગ્રેસ

2002

કુંવરજી બાવળિયા

કોંગ્રેસ

1998

કુંવરજી બાવળિયા

કોંગ્રેસ

1995

કુંવરજી બાવળિયા

કોંગ્રેસ

1990

ભીખાલાલ ભાંભણિયા

અપક્ષ

4 વર્ષમાં કુલ 24 હજાર નવા મતદારો ઉમેરાયા
જસદણ વિધાનસભા બેઠક માટે છેલ્લી પેટાચૂંટણીથી લઈને અત્યાર સુધીમાં છેલ્લાં 4 વર્ષમાં કુલ 24 હજાર નવા મતદારોનો ઉમેરો થયો છે. જસદણ બેઠક માટે ગત ડિસેમ્બર-2018માં યોજાયેલી પેટાચૂંટણીમાં 1,22,180 પુરુષ મતદારો હતા. જેમાં 11,832 મતદારોનો વધારો થતાં અત્યારની ચૂંટણી માટે 1,34,012 મતદારો નોંધાયેલા છે. જ્યારે 1,09,936 સ્ત્રી મતદારો હતા. જેમાં 12,341 મતદારોનો વધારો થતા અત્યારે 1,22,277 મતદારો નોંધાયેલા છે. ગત 2018ની પેટાચૂંટણીમાં સ્ત્રી અને પુરુષ મળી કુલ 2,32,116 મતદારો નોંધાયેલા હતા. જ્યારે અત્યારની ડિસેમ્બર-2022ની સામાન્ય ચૂંટણી માટે કુલ 2,56,289 મતદારો નોંધાયેલા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post