• Home
  • News
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન, PM મોદીએ શ્રદ્ધાંજલિ આપી
post

અહેમદ પટેલ કોંગ્રેસના ટ્રેઝરર રહી ચૂક્યા હતા અને તેઓ 1977થી 1989 ત્રણ ટર્મ માટે લોકસભા સાંસદ રહી ચૂક્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-25 08:57:14

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું છે. પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. અહેમદ પટેલ ઓક્ટોબરમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારથી તેઓ કોરોના વાFરસ સામે લડત આપી રહ્યા હતા, પરંતુ આજે સવારે 3.30 વાગ્યે મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મૂળ ભરૂચના રહેવાસી હતા.

અહેમદ પટેલના પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને આ સમાચાર આપ્યા હતા. ફૈઝલે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે ગુજરાતથી રાજ્યસભા સાંસદ પટેલે બુધવારે સવારે 3.30 વાગ્યે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમણે લખ્યું, ‘અત્યંત દુઃખ સાથે હું જણાવવા માગું છું કે મારા પિતા અહેમદ પટેલનું બુધવારે મોડી રાતે 3.30 વાગ્યે નિધન થયું છે. લગભગ એક મહિના પહેલાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેમનાં શરીરનાં અનેક અંગો કામ કરતાં બંધ થઈ ગયાં હતાં, એ પછી તેમનું નિધન થયું છે. અલ્લાહ તેમને જન્નત ફરમાવે. તેમણે પોતાના તમામ શુભચિંતકોને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાની અપીલ કરી હતી અને દર વખતે સોશિયલ ડિસ્ટન્સ રાખવા કહ્યું હતું.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કોવિડ-19ના ઈન્ફેક્શનથી પીડિત હતા. ઓક્ટોબરમાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને સતત સારવાર હેઠળ હતા. બુધવારે વહેલી સવારે 3.30 વાગ્યે મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યોરને કારણે તેમનું નિધન થયું હતું. તેમને રવિવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ સહિત અનેક અન્ય નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું, ‘અહેમદભાઈ ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતા અને જ્યાં પણ રહ્યા, નમાઝ પઢવામાં ક્યારેય ચૂકતા નહોતા. આજે દેવઊઠી એકાદશી પણ છે જેનું સનાતન ધર્મમાં ઘણું મહત્ત્વ છે. અલ્લાહ તેમને જન્નતઉલ ફિરદૌસમાં આલા મકામ અતા ફરમાએં’.

અહેમદ પટેલ કોંગ્રેસના ટ્રેઝરર રહી ચૂક્યા હતા અને તેઓ 1977થી 1989 ત્રણ ટર્મ માટે લોકસભા સાંસદ રહી ચૂક્યા હતા. જ્યારે ગુજરાતથી 1993થી તેઓ રાજ્યસભા સાંસદ રહ્યા હતા. તેઓ કોંગ્રેસ- પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ હતા.

વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે અહેમદ પટેલના નિધનથી દુઃખી છું. તેમણે ઘણાં વર્ષ સાર્વજનિક જીવનમાં સમાજ માટે કામ કર્યું. તેઓ તેમના કુશાગ્ર બુદ્ધિચાતુર્ય માટે જાણીતા હતા. કોંગ્રેસને મજબૂત કરવામાં માટે તેમને હંમેશાં યાદ કરવામાં આવશે. તેમણે તેમના પુત્ર ફૈજલ સાથે વાત કરી અને સાંત્વના પાઠવી. અહેમદ પટેલના આત્માને શાંતિ મળે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post