• Home
  • News
  • ગંભીર જળસંકટ:ગુજરાતમાં હજુ વરસાદ ખેંચાશે તો પાણીની ગંભીર કટોકટી સર્જાઈ શકે છે, 206 જળાશયોમાં માત્ર 36 ટકા જ પાણી
post

સરદાર સરોવર ડેમમાં પણ ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં 10 ટકા પાણી ઘટ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-17 11:06:28

રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધી સિઝનનો 20 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. હાલમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ રહ્યો છે. બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ ઓછો થવાથી ખેતીને મોટુ નુકસાન થવાની શક્યતાઓ છે. બીજી તરફ વરસાદ ખેંચાતા રાજ્યના જળાશયોમાં પણ પાણીનું સ્તર તળીયે પહોંચી ગયું છે. કુલ 206 જળાશયોમાં હવે માત્ર 36 ટકા પાણીનો સંગ્રહ છે. તે ઉપરાંત રાજ્યમાં 100 ટકા ભરાયેલા માત્ર બે જળાશયો છે.

રાજ્યમાં ઝોન પ્રમાણે પાણીના જથ્થાની વિગત
ઉત્તર ગુજરાતમાં પાણીની 17 યોજનાઓ છે જેમાં ગત વર્ષ 26.54 ટકા પાણીનો સંગ્રહ હતો જે આ વર્ષે 3 ટકા ઘટીને 23.57 ટકા થયો છે. મઘ્ય ગુજરાતમાં 17 યોજનાઓમાં ગત વર્ષે 44.42 ટકા પાણી હતું જે આ વર્ષે વરસાદ ખેંચાતા પાંચ ટકા ઘટીને 39.63 ટકા થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ થયો છે. અહીં પાણીની 13 યોજનાઓ કાર્યરત છે. જેમાં ગત વર્ષે 48.49 ટકા પાણી હતું પરંતુ વરસાદ થવા છતાં પાણીના સંગ્રહમાં 10 ટકાનો ઘટાડો થયો છે. જ્યાં હાલમાં 39.74 ટકા પાણી છે.

 

કચ્છમાં ગત વર્ષે 39.7 ટકા પાણીનો સંગ્રહ હતો. 20 યોજનાઓ હોવા છતાં કચ્છમાં પાણીના સંગ્રહમાં 15 ટકા ઘટાડો થયો છે અને હાલ 24.55 પાણી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પાણીની 141 યોજનાઓ છે. જેમાં ગત વર્ષે 55 ટકા પાણી હતું. આ વર્ષે સૌરાષ્ટ્રમાં ચોમાસાની સ્થિતિ સારી હોવા છતાં પાણીના સંગ્રહમાં 23 ટકાનો ઘટાડો થયો છે અને જળાશયોમાં 32.29 ટકા જ પાણી બચ્યું છે.

સરદાર સરોવરમાં પણ 10 ટકા પાણી ઘટ્યું
ગત વર્ષે સરદાર સરોવર ડેમમાં 54 ટકા પાણી હતું જે ચાલુ વર્ષે 10 ટકા ઘટ્યું છે. રાજ્યમાં સરદાર સરોવરમાં 43.20 ટકા પાણીનો સંગ્રહ છે. જેમાં 21 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉકાઈ ડેમમાં 40.76 ટકા પાણીનો સંગ્રહ છે.જેમાં 10 હજાર 842 ક્યુસેક પાણીની આવક થઈ છે. આ બંને જળાશયોમાંથી પાણી છોડવામાં નથી આવ્યુ. પરંતુ વણાકબોરી ડેમમાં હાલ 94.64 ટકા પાણીનો સંગ્રહ છે અને 5500 ક્યુસેક પાણીની આવક થઈ છે જેમાંથી 300 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.

બનાસકાંઠા જિલ્લાના ત્રણ ડેમ ખાલી
બનાસકાંઠામાં પાણીની ગંભીર કટોકટી સર્જાવાની શરૂઆત થઈ ચુકી છે. જિલ્લાનાં ત્રણ ડેમમાં હવે ગણ્યા ગાંઠ્યા દિવસ ચાલે તેટલું જ પાણી બચ્યું છે. સીપુ ડેમ સાવ ખાલી થઈ ગયો છે.તો દાંતિવાડા ડેમમાં માત્ર 9 ટકાજ પાણી બચ્યું છે. જ્યારે મુક્તેશ્વર ડેમમાં 10 ટકા પાણી બચ્યું છે.બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો વરસાદ આધારીત ખેતી કરે છે.જ્યારે ભૂગર્ભ જળના ઉપયોગ થકી પણ ખેડૂતો ખેતી કરે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી ઓછા વરસાદના કારણે ભુગર્ભ જળ ઉંડા ગયા છે. આ તમામ સમસ્યાઓ વચ્ચે હવે વરસાદ ખેંચાતા વરસાદ આધારીત ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

 

રાજકોટના મેયરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
રાજકોટમાં વરસાદ ખેંચાતા જળસંકટ ઉભુ થવાની શકયતા છે. રાજકોટના મેયરે મુખ્યમંત્રીને પત્ર લખીને સૌની યોજના થકી આજી અને ન્યારી ડેમમાં પાણી ઠાલવવા માંગ કરી છે. જો 31 જુલાઇ સુધીમાં વરસાદ ન આવે તો પાણી વિતરણમાં પ્રશ્ન ઉભો થઇ શકે તેમ છે. તેમજ હાલમાં આજી ડેમની 225 MCFT,ન્યારી ડેમમાં 329 MCFTઅને ભાદર-1 ડેમમાં 1390 MCFT પાણીનો સંગ્રહ છે. જેમાંથી રાજકોટ શહેરને દરરોજ 415 MLD પાણીનો જથ્થો મેળવે છે. જો સૌની યોજનાનું પાણી મળે તો જળસંકટ હળવું થાય તેમ છે.

આગામી પાંચ દિવસ છુટા છવાયા વરસાદની આગાહી
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે.16 તારીખે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. 17થી 20 જુલાઈએ રાજ્યમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટો છવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post