• Home
  • News
  • અંગ્રેજોને ભારતમાંથી ખદેડી મૂકવાની શરૂઆતની ક્રાંતિનું બીજું નામ એટલે શહીદ ભગત સિંહ
post

ભારત જ્યારે પણ પોતાના આઝાદ થવા પર ગર્વ અનુભવ કરે છે ત્યારે તેનું મસ્તક તે મહાપુરુષો માટે હંમેશા ઝૂકી જાય છે. જેમણે દેશ પ્રેમની રાહમાં પોતાનું બધું ન્યોછાવર કરી દીધું. દેશના સ્વતંત્રતા સંગ્રામમાં હજારો એવા નૌજવાન પણ હતા, જેમણે તાકાતના જોરે આઝાદી અપાવવાનું નક્કી કર્યું અને ક્રાંતિકારી કહેવાયા. ભારતમાં જ્યારે પણ ક્રાંતિકારીઓનું નામ લેવામાં આવે છે તો સૌથી પહેલું નામ શહીદ ભગત સિંહનું નામ આવે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-23 11:00:57

અમદાવાદઃ ''મેં જોર દેકર કહતા હૂં કિ મેરે અંદર ભી અચ્છા જીવન જીને કી મહત્વાકાંક્ષા ઔર આશાએ હૈ, લેકિન મેં સમય કી માંગ પર સબ કુછ છોડને કો તૈયાર હૂં, યહી સબસે બડા ત્યાગ હૈ.'' આ કથન શહીદ ભગત સિંહનું છે. જે દેશ માટે તેમનું બલિદાન અને ત્યાગને દર્શાવે છે. દેશની આઝાદીમાં લાખો લોકોએ પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. તે મહાન સેનાનીઓમાં શહીદ ભગત સિંહ પણ એક હતા. શહીદ ભગત સિંહ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મુખ્ય ક્રાંતિકારીઓમાંથી એક હતા. માત્ર 24 વર્ષની ઉંમરમાં દેશ માટે સર્વોચ્ય બલિદાન આપનારા આ વીર સદા માટે અમર બની ગયા. તેમના માટે ક્રાંતિનો અર્થ હતો - અન્યાયથી ઉભી થયેલી પરિસ્થિતિને બદલવી.

ભગત સિંહ બીજા વિકલ્પ તરીકે સામે આવ્યા:
આમ તો અંગ્રેજી હકૂમતે ભગત સિંહને આતંકવાદી જાહેર કર્યા હતા. પરંતુ ભગત સિંહ વ્યક્તિગત રીતે આતંકવાદના ટીકાકાર હતા. ભગત સિંહે ભારતમાં ક્રાંતિકારી આંદોલનને એક નવી દિશા આપી. તેમનું તત્કાલીન લક્ષ્ય બ્રિટિશ સામ્રાજ્યનો વિનાશ કરવાનો હતું. પોતાની દૂરદર્શિતા અને દ્રઢ મનોબળના કારણે ભગત સિંહ બીજા ક્રાંતિકારીઓ કરતાં નોખા હતા. એવા સમયે જ્યારે ગાંધીજી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જ દેશની આઝાદી માટે એકમાત્ર વિકલ્પ હતા. ભગત સિંહ એક નવા વિચારની સાથે એક બીજા વિકલ્પ તરીકે સામે આવ્યા. ભગત સિંહે દેશની આઝાદી માટે જે સાહસની સાથે શક્તિશાળી બ્રિટિશ સરકારનો મુકાબલો કર્યો. તે આજે આપણા બધા માટે બહુ મોટો પ્રેરણાનો સ્ત્રોત છે.

ભગત સિંહની સિદ્ધિઓ:
ભારતમાં ક્રાંતિકારી આંદોલનને એક નવી દિશા આપી. પંજાબમાં ક્રાંતિનો સંદેશ ફેલાવવા માટે નવયુવાાન ભારત સભાની રચના કરી. ભારતમાં ગણતંત્રની સ્થાપના માટે ચંદ્રશેખર આઝાદની સાથે મળીને હિંદુસ્તાન સમાજવાદી પ્રજાતંત્ર સંઘની રચના કરી. લાલા લજપતરાયની મોતનો બદલો લેવા માટે પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યા કરી. બટુકેશ્વર દત્તની સાથે મળીને કેન્દ્રીય વિધાનસભામાં બોમ્બ ફેંક્યો.

પ્રારંભિક જીવન:
ભગત સિંહનો જન્મ પંજાબના નવાંશહર જિલ્લાના ખટકર કલાં ગામના એક શીખ પરિવારમાં 28 સપ્ટેમ્બર 1907માં થયો હતો.  તેમની યાદમાં આ જિલ્લાનું નામ બદલીને શહીદ ભગત સિંહ નગર રાખી દેવામાં આવ્યું છે. તે સરદાર કિશન સિંહ અને વિદ્યાવતીના ત્રીજા સંતાન હતા. તેમનો પરિવાર સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય રીતે જોડાયેલો હતો. તેમના પિતા કિશન સિંહ  અને કાકા અજિત સિંહ ગદર પાર્ટીના સભ્ય હતા. આ ગદર પાર્ટીની સ્થાપના બ્રિટિશ શાસનને ભારતથી ખદેડી મૂકવા માટે અમેરિકામાં થઈ હતી. પરિવારના માહોલની અસર યુવા ભગત સિંહ પર થઈ અને બાળપણથી જ તેમણે દેશસેવા કરવાનું મન બનાવી લીધું હતું. 1916માં તે રાજનેતા લાલા લજપતરાય અને રાસ બિહારી બોઝના સંપર્કમાં આવ્યા. તે સમયે 1919માં જલિયાંવાલા બાગ હત્યાંકાંડ થયો હતો. ત્યારે ભગત સિંહ માત્ર 12 વર્ષના હતા. હત્યાકાંડના બીજા દિવસે ભગત સિંહ જલિયાંવાલા બાગ ગયા અને તે જગ્યાની માટી એકઠી કરીને આખી જિંદગી એક નિશાની તરીકે રાખી.

કેવી રીતે અપનાવ્યું ક્રાંતિકારી જીવન:
1921
માં જ્યારે મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસન સામે અસહયોગ આંદોલન શરૂ કરવાનું આહવાન કર્યું. ત્યારે ભગત સિંહ પોતાનો અભ્યાસ છોડીને આંદોલનમાં સક્રિય થઈ ગયા. વર્ષ 1922માં જ્યારે મહાત્મા ગાંધીએ ગોરખપુરના ચૌરી-ચૌરામાં થયેલી હિંસા પછી અસહયોગ આંદોલન બંધ કરી દીધું ત્યારે ભગત સિંહ બહુ નિરાશ થયા. અહિંસામાં તેમનો વિશ્વાસ નબળો પડી ગયો અને તે એ નિષ્કર્ષ પર પહોંચી ગયા કે સશસ્ત્ર ક્રાંતિ જ સ્વતંત્રતા અપાવવાનો એકમાત્ર રસ્તો છે. તેમણે સભાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને અનેક ક્રાંતિકારી દળના સભ્ય બન્યા. પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માટે ભગત સિંહે લાહોરમાં લાલા લજપત રાય સ્થાપિત રાષ્ટ્રીય વિદ્યાલયમાં પ્રવેશ કર્યો. આ વિદ્યાલય ક્રાંતિકારી પ્રવૃતિઓનું કેન્દ્ર હતું. અને અહીંયા તે ભગવતી ચરણ વર્મા, સુખદેવ અને બીજા ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા.

ક્રાંતિનો પહેલો પાઠ:
વિવાહથી બચવા માટે ભગત સિંહ ઘરથી ભાગીને કાનપુર આવી ગયા. અહીંયા તે ગણેશ શંકર વિદ્યાર્થી નામના ક્રાંતિકારીના સંપર્કમાં આવ્યા અને ક્રાંતિનો પહેલો પાઠ શીખ્યા. જ્યારે તેમને પોતાની દાદીની બીમારીની જાણ થઈ ત્યારે તે ઘરે પાછા આવ્યા. તેમણે પોતાના ગામથી ક્રાંતિકારી પ્રવૃતિઓ ચાલુ રાખી. ત્યારબાદ તે લાહોર ગયા અને નવયુવાન ભારત સભા નામના એક ક્રાંતિકારી સંગઠનની સ્થાપના કરી. તેમણે પંજાબમાં ક્રાંતિનો સંદેશ ફેલાવવાનું શરૂ કર્યું.

લાલા લજપતરાયની હત્યાનો બદલો:
ફેબ્રુઆરી 1928માં ઈંગ્લેન્ડથી સાઈમન કમિશન ભારતના પ્રવાસે આવ્યું. તેમના ભારતના પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય હતો - ભારતના લોકોની સ્વાયત્તતા અને રાજતંત્રમાં ભાગીદારી. પરંતુ આ આયોગમાં કોઈ ભારતીય સભ્ય ન હતું. જેના કારણે સાઈમન કમિશનના વિરોધનો નિર્ણય થયો. લાહોરમાં સાઈમન કમિશન સામે નારેબાજીમાં લાલા લજપત રાય પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. જેનાથી તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને તેમણે અંતિમ શ્વાસ લીધા. ભગત સિંહે લજપત રાયના મોતનો બદલો લેવા માટે બ્રિટિશ અધિકારી સ્કોટ જો ને મારવાનો સંકલ્પ લીધો. તેમણે ભૂલથી સહાયક અધિક્ષક સોન્ડર્સને સ્કોટ સમજીને ઠાર કરી દીધો. મોતની સજાથી બચવા માટે ભગત સિંહને લાહોર છોડવું પડ્યું.

બ્રિટિશ સંસદમાં બોમ્બ ફેંકવાની યોજના:
બ્રિટિશ સરકારે ભારતીયોને અધિકાર અને આઝાદી આપવા તથા અસંતોષના મૂળ કારણને શોધવાની જગ્યાએ વધારે દમનકારી નીતિઓનો પ્રયોગ કર્યો. ડિફેન્સ ઓફ ઈન્ડિયા એક્ટ દ્વારા અંગ્રેજ સરકારે પોલીસને વધારે દમનકારી અધિકાર આપી દીધો. તે અંતર્ગત પોલીસ શંકાસ્પદ પ્રવૃતિઓ સાથે સંબંધિત સરઘસને રોકીને લોકોની ધરપકડ કરી શકતી હતી. કેન્દ્રીય વિધાનસભામાં આ અધિનિયમ એક મતથી હારી ગયા. તેમ છતાં અંગ્રેજ સરકાર તેને જનતાના હિતમાં કહીને એક વટહુકમના રૂપમાં પસાર કરવાનો નિર્ણય કર્યો. 8 એપ્રિલ 1929માં કેન્દ્રીય એસેમ્બલીમાં ભગત સિંહ અને બટુકેશ્વર દત્તે કેન્દ્રીય વિધાનસભા સત્ર દરમિયાન બોમ્બ ફેંક્યો. આ બંનેએ એવી જગ્યાએ બોમ્બ ફેંક્યો જ્યાં કોઈ ન હતું. આખો હોલ ધુમાડાથી ભરાઈ ગયો. ભગત સિંહ ભાગી શકે તેમ હતા પરંતુ તેમણે સ્વીકારી લીધું હતું કે તેમને જે પણ સજા મળે તે સ્વીકાર છે. આથી તેમણે ભાગવાનો ઈનકાર કર્યો. તેમણે ઈંકબાલ જિંદાબાદ, સામ્રાજ્યવાદ મુર્દાબાદના નારા લગાવ્યા અને પોતાની સાથે લાવેલ કાગળિયા હવામાં ઉછાળી દીધા. તેના પછી થોડી વારમાં પોલીસ આવી અને બંનેની ધરપકડ કરી લીધી.

ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી:
7
ઓક્ટોબર 1930ના રોજ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને વિશેષ અદાલત દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી. ભારતના તમામ રાજકીય નેતાઓના દબાણ અને અનેક અપીલ છતાં 23 માર્ચ 1931ના રોજ સાંજે 7 કલાક અને 33 મિનિટે ભગત સિંહ , સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી. ફાંસી પર જતાં પહેલાં તે લેનિનનું જીવન વાંચી રહ્યા હતા અને તેમની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી તો તેમણે કહ્યું કે તેમને લેનિનનું પુસ્તક પૂરું કરવાનો સમય આપવામાં આવે. કહેવામાં આવે છે કે જેલના અધિકારીઓએ જ્યારે તેમને સૂચના આપી હતી કે તેમનો ફાંસીનો સમય આવી ગયો છે. ત્યારે તેમણે કહ્યું હતું કે ઉભા રહો, પહેલાં એક ક્રાંતિકારી એકબીજાને મળી તો લે. પછી એક મિનિટ પછી પુસ્તક છત તરફ ઉછાળીને બોલ્યા - ઠીક છે હવે ચાલો. ફાંસી પર ચઢતાં સમયે ત્રણેય મસ્તીથી ગાઈ રહ્યા હતા- મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે , મેરા રંગ દે બસંતી ચોલા. આજે ભલે શહીદ ભગત સિંહ આપણી વચ્ચે નથી પરંતુ તેમની વીરતાના વખાણ ભારત અને પાકિસ્તાનના લોકો કરે છે. અહીંયા તેમની આઝાદીના દીવાનાના રૂપમાં જુએ છે. જેમણે પોતાની જવાની સહિત આખી જિંદગી દેશ માટે સમર્પિત કરી દીધી.

 

adv

Related News

post
post
post
post
post
post
post